પૂજ્ય ગુરુદેવ રાકેશજીની પાવન ઉપસ્થિતિમાં મોહન ભાગવતએ કર્યું રાજચંદ્ર વેટરનરી કોલેજનું શિલાપૂજન અને તકતી અનાવરણ રાજચંદ્રની ધરમપુરમાં પધરામણીના 125માં વર્ષ અને આરએસએસના 100માં વર્ષમાં પ્રવેશની ઉજવણીઓની થઈ દિવ્ય શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતએ ગુરુદેવ રાકેશજી દ્વારા સંસ્થાપિત વિશ્વવ્યાપી આધ્યાત્મિક અભિયાન રાજચંદ્ર મિશન ધરમપુરના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરની મુલાકાત લીધી હતી. આ એક એવું તીર્થસ્થાન છે જ્યાં ગહન શાંતિના ગુંજારવમાં યુગપુરુષ રાજચંદ્રજીનો આધ્યાત્મિક વારસો પૂજ્ય ગુરુદેવ રાકેશજી જી દ્વારા આગળ વધારવામાં આવી રહ્યો છે. રાજચંદ્રએ ધરમપુરમાં કરેલ પધરામણીના 125માં વર્ષ અને આરએસએસના 100માં વર્ષમાં પ્રવેશ આ બંને પ્રસંગને લક્ષમાં લઇ થયેલ આ મુલાકાતને તેઓએ આધ્યાત્મિક યાત્રા ગણાવી હતી.
રાજચંદ્ર પ્રત્યે અત્યંત અહોભાવ અને શ્રીમદ્જીના સંદેશને વિશ્વના લાખો લોકો સુધી પહોચાડનાર પૂજ્ય ગુરુદેવ રાકેશજી જી માટેનો પ્રેમાદર ભાગવતને અહીં ખેંચી લાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેઓએ આશ્રમના વિવિધ સ્થળોની મુલાકાત લઇ મિશન દ્વારા દેશ વિદેશમાં ચાલી રહેલ અનેક સેવાયજ્ઞોની ઝાંખી મેળવી હતી. તેમણે અહીંના જિનમંદિરમાં બિરાજમાન ભગવાન મહાવીરસ્વામીના દર્શન-પૂજાનો લાભ પણ લીધો હતો. આશ્રમની સ્પિરિચ્યુઅલ વેલીમાં બિરાજમાન રાજચંદ્રની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાજીનો મહામસ્તકાભિષેક કરતાં તેઓ ભાવવિભોર બની ગયા હતા. સત્સંગ અને ધ્યાન સંકુલ ‘રાજ સભાગૃહ’માં પૂજ્ય ગુરુદેવ રાકેશજી જીના આત્મ કલ્યાણકારી સત્સંગનો તેમણે ખાસ લાભ લીધો હતો
આ સાથે સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે , “રાજચંદ્રની પ્રતિમા સામે આવતાં જ હાથ જોડાઈ જાય છે. અહીં આવવું મારા માટે સૌભાગ્યની વાત છે કારણકે અહીં દેશને ઉન્નત કરવાનું કામ થાય છે, આવા સ્થાન પર મારી બેટરી ચાર્જ થાય છે. ભારતમાં રાષ્ટ્ર અને ધર્મ બે નથી, એક જ છે. ધર્મનું ઉત્થાન એટલે રાષ્ટ્રનું ઉત્થાન છે. અમે ભૌતિક રાષ્ટ્રની સેવા કરીએ છીએ અને આવા સ્થળેમાં ગુરૂદેવ રાકેશજી જી જેવા સંતો દ્વારા ભારતને આંતરિક પ્રેરણા અને ઉર્જા પ્રદાન થાય છે. આમ આપણે રાષ્ટ્ર ઉત્થાન માટે પરસ્પર પૂરક છીએ.” આ પ્રસંગે મોહન ભાગવતજી જે સ્વયં એક પશુપ્રેમી, ગૌરક્ષક અને વેટરનરી ડૉક્ટર છે તેમણે મિશનના આગામી પ્રોજેક્ટ ‘શ્રીમદ્ રાજચંદ્ર વેટરનરી કોલેજ’નું શિલાપૂજન અને તકતી અનાવરણ કર્યું હતું.
ભારતમાં વેટરનરી કોલેજની સંખ્યા ખૂબ જ મર્યાદિત છે ત્યારે આ કોલેજ મહત્વની બની રહેશે જ્યાં વેટરનરી સાયન્સમાં ડિપ્લોમા કોર્સીસ કરાવવામાં આવશે. આ કોલેજમાંથી અનેક વેટરનરી ડોક્ટરો તૈયાર થશે, જે વેટરનરી ડોક્ટર્સની અછત ઓછી કરશે અને પ્રાણીસેવા માટે આ કોલેજ એક મોટું શૈક્ષણિક માધ્યમ બની રહેશે. ત્યારબાદ મોહન ભાગવતજીએ મલ્ટી-સ્પેશિયાલિટી શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા યોજાયેલ ‘સર્વરોગ નિદાન અને સારવારના મફત સેવાયજ્ઞ’નું ઉદ્ઘાટન કર્યું હતું. તારીખ 2 – 5 જાન્યુઆરી 2025 સુધી ચાલનાર આ સેવાયજ્ઞમાં આશરે 25,000થી પણ વધુ આદિવાસી અભાવગ્રસ્ત દર્દીઓ મફત તપાસ અને સારવારનો લાભ પામશે. આ સેવાયજ્ઞમાં દુનિયાભરમાંથી 200 થી વધુ નિષ્ણાંત ડોક્ટરો અને 400થી વધુ સ્વયંસેવકોએ ભાગ લઇ રહ્યા છે. આ ઉદ્ઘાટન સમારોહમાં ભાગવતજીના હસ્તે વિકલાંગ દર્દીઓને આવશ્યક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમના શુભ હસ્તે 4 મેડિકલ આઉટરીચ એમ્બ્યુલન્સનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.