- હસનવાડીના નિવૃત્ત બેંક મેનેજરને ડિજિટલ એરેસ્ટ કરવાનો મામલો
- મની લોન્ડરીંગના કેસની ધમકી આપી મહેન્દ્ર મહેતા સાથે ઠગાઈ કરાઈ’તી: હજુ અનેકની ધરપકડના ભણકારા
શહેરના હસનવાડી વિસ્તારમાં રહેતા બેંકના નિવૃત્ત કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરી રૂ.56 લાખની ઠગાઇ કરી લેવાના ચકચારી પ્રકરણમાં સાયબર ક્રાઇમ પોલીસે સાત શખ્સની અમદાવાદ, પાટણ, જૂનાગઢથી ધરપકડ કરી હતી. જૂનાગઢ, પાટણ અને અમદાવાદના આ સાતેય શખ્સોએ બેંક એકાઉન્ટનો ઉપયોગ ઠગાઇની રકમ ટ્રાન્સફર કરવા માટે કર્યો હતો અને નાણાંની લાલચમાં આ પાંચ શખ્સોએ પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા જયારે બે શખ્સોએ એકાઉન્ટ ભાડે રાખ્યા હતા.
નિવૃત બેંક કર્મચારી મહેન્દ્રભાઇ અંદરજીભાઇ મહેતા (ઉ.વ.73)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વ્હોટ્સએપ પર ગત તા.11 જુલાઇના કોલ આવ્યો હતો અને હિન્દીભાષી શખ્સે મહેન્દ્રભાઇને તેમની સામે મુંબઇના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયાની અને મહેન્દ્રભાઇએ મની લોન્ડ્રિંગ કર્યું છે તેમ કહી તેમને ધમકાવ્યા હતા. મહેન્દ્રભાઇને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયા ગેંગે રૂ.56 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે અંતે તા.7ને ગુરૂવારે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
ઘટનાની ગંભીરતાને રાખી ડિજિટલ એરેસ્ટના ચકચારી કેસમાં ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમના પીઆઇ બી એમ ઝણકાત અને પીઆઇ બી.બી.જાડેજા સહિતની ટીમે સાત શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે જૂનાગઢના મહેક ઉર્ફે મયંક નીતિનભાઈ જોટાણિયા, હિરેન મુકેશભાઈ સૂબા, પાટણના પરેશ ખોડાભાઈ ચૌધરી, કલ્પેશ ખોડાભાઈ ચૌધરી, વિપુલ લાભુભાઈ દેસાઇ તથા અમદાવાદના વિપુલ જેઠાલાલ નાયક અને પઠાણ મહમદ રિઝવાનની ધરપકડ કરી હતી.
સાયબર ક્રાઇમ પોલીસના જણાવ્યા અનુસાર જૂનાગઢના મહેક, પાટણના પરેશ અને કલ્પેશ તેમજ અમદાવાદનો વિપુલ અને રિઝવાન પોતે એકાઉન્ટ હોલ્ડર છે. નાણાંની લહાયમાં ચારેય શખ્સોએ પોતાના બેંક એકાઉન્ટ ચિટર ગેંગને ભાડે આપ્યા હતા. જયારે જૂનાગઢનો હિરેન, પાટણનો વિપુલ એકાઉન્ટ ભાડે અપાવનાર છે. નિવૃત્ત બેંક કર્મચારી મહેન્દ્રભાઇના બેેંક એકાઉન્ટમાંથી જે રકમ ટ્રાન્સફર થઇ તે રકમ ઉપરોક્ત આરોપીઓના ખાતામાં જમા કરાવવામાં આવી હતી. રૂ.5 લાખથી માંડી રૂ.10 લાખ જેટલી રકમ જમા થઇ હતી.
આ સાતેય આરોપીઓને હવે રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે જયારે બેંક એકાઉન્ટ ભાડે આપનાર તેમજ એકાઉન્ટ ભાડે રાખવામાં એજન્ટની ભૂમિકા ભજવનાર વધુ કેટલાક શખ્સોની આગામી દિવસોમાં ધરપકડ થવાની પ્રબળ શક્યતા છે.
સાત પૈકી પાંચ એકાઉન્ટ હોલ્ડર જયારે બે એજન્ટ
ડિજિટલ એરેસ્ટ કેસમાં પોલીસે ધરપકડ કરેલા સાતમાંથી બે વ્યક્તિ એજન્ટની ભૂમિકામાં હતા તો પાંચ શખ્સોએ પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા જેમાં મહેક, પાટણના પરેશ અને કલ્પેશ તેમજ અમદાવાદનો વિપુલ અને રિઝવાનનો સમાવેશ થાય છે. જયારે અન્ય બે એજન્ટની ભૂમિકામાં હતા.
બે હજારથી માંડી 15 હજાર સુધીનું કમિશન મળતું’તું
પોલીસ સમક્ષ આરોપીઓએ કબૂલાત આપી હતી કે, બેંક એકાઉન્ટ ભાડે રાખવા માટે એજન્ટ સંપર્ક કરે ત્યારે ગરજ મુજબ ભાવ નક્કી થતા હતા, સેવિંગ્સ એકાઉન્ટના રૂ.2 થી 3 હજાર અને કરન્ટ એકાઉન્ટનું રૂ.10 થી 15 હજાર ભાડુ ચૂકવાતું હતું, ક્યારેક જે રકમ ખાતામાં જમા થાય તેના દોઢ ટકાથી માંડી 5 ટકા સુધીની રકમ પણ ચૂકવવામાં આવતી હતી.
સાયબર ક્રાઇમ પોલીસના ’બાટા’ સોફ્ટવેરે ચાવીરૂપ ભૂમિકા ભજવી
સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિજિટલ ફ્રોડથી મેળવવામાં આવતા નાણાંના ટ્રાંઝેક્શન પર વોચ રાખવા બેન્કિંગ ટ્રાંઝેક્શન એનાલિસિસ(બાટા) સોફ્ટવેર વિકસાવ્યું છે. જે સોફ્ટવેરની મદદથી નિવૃત બેંક કર્મચારી પાસેથી મેળવેલા નાણાં ક્યાં બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેનું તાતકાલિક એનાલિસિસ કરી લેવામાં આવે છે. જેના લીધે જૂનાગઢ, પાટણ અને અમદાવાદમાં શખ્સોની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી.