લગ્નસરાના વૈશાખ માસમાં સોનાના ભાવો હજુ પણ વધારો થવાની જવલર્સની ધારણા
સોનાની ઝાકઝમાળ કાયમી હોવાનું માનતા ભારતીયો બચતની રકમમાંથી સોનાની ખરીદી કરતા હોય છે. જેથી દાયકાઓથી શુભ પ્રસંગો પર સોનાની ખરીદી કરવાની ભારતીયોમાં પરંપરા જોવા મળે છે. આવા જ વણજોયેલા શુભ મુહુર્ત ગણાતા અખાત્રીજના એક દિવસમાં જ ભારતીયોએ ૧૦ હજાર કરોડ રૂ.ની કિંમતના ૨૩ ટન સોનાની ખરીદી કરી હતી જે ગત વર્ષે અખાત્રીજ પર સોનાની થતી ખરીદીની તુલનામાં ચાર ટન વધારે છે. સોનાના ભાવમાં ઘટાડો થતા લોકો ઉત્સાહિત થઈ ને ખરીદી કરવા નીકળ્યા હતા.
અખાત્રીજ પર કિંમતી ધાતુઓ ખરીદવાને હિન્દુ શાસ્ત્રો મુજબ શુભ માનવામાં આવે છે. જેથી અખાત્રીજ પર સોના સહિતની કિંમતી ધાતુઓનાં આભુષણોની ખરીદી કરવાની ભારતીય સમાજમાં પરંપરા જોવા મળે છે. આ અખાત્રીજ માટે દેશભરનાં જવેલરોએ સારી ઘરાકીની આશામાં સોનાની મોટી માત્રામાં ખરીદી કરી હતી. જવેલરોની આ આશા સાચી ઠરી હતી. અખાત્રીજના એક જ દિવસમાં ૨૩ ટન સોનાના આભુષણો, લગડીઓનું વેંચાણ થવા પામ્યું હતુ આગામી સમયમાં લગ્નસરાનો વૈશાખ માસ આવતો હોય જવેલરોને હજુ પણ સોનાની ખરીદી વધવાની આશા છે.
આ અંગે કેડીયા કોમોડિટીના ડિરકેટર અજય કેડીયાએ જણાવ્યું હતુ કે આગામી માસમાં સોનામાં ઘરાકી નીકળવાની સંભાવના હોય સોનાના ભાવમાં વધારો થવાની સંભાવના છે. ૨૦મી ફેબ્રુઆરીએ એમસીએકસમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના ૩૪,૦૩૧ હતા તે બાદ સોનાના ભાવમાં વ્યાપક વધઘટ થઈ છે. અખાત્રીજના એક દિવસપહેલા એમસીએકસમાં સોના ભાવ ૧૦ ગ્રામના ૩૧,૫૬૩ રૂ. હતા જેથી સોનાના નીચા ભાવોમાં ખરીદીનો લાભ લેવા ભારતીયોએ સોનાની ભારે ખરીદી કરી હતી જે બાદ સોના અને ચાંદીના ભાવોમાં વધારો જોવા મળ્યો હતો.
મુંબઈના બુલિયન માર્કેટમાં ૨૨ કેરેટ સોનાના ૧૦ ગ્રામના ભાવ ૩૨,૮૫૦ હતા જે છેલ્લા અઠવાડીયામાં ૩૨,૭૦૦ રૂ.ના ભાવોમાં ૨૫૫ રૂ.નો ઉછાળો થવા પામ્યો હતો. દિલ્હીમાં સોનાના ૩૨,૭૫૦ રૂ.નાભાવમાં ૩૧૦ રૂ.નો વધારો થઈને ૩૨,૯૦૦ રૂ.ના ભાવ થવા પામ્યો હતો. આ ભાવ જીએસટી ટેકસ સહિતના છે. દિલ્હીમાં ચાંદીની કિંમતમાં અગાઉના ભાવમાં ૩૭૫ રૂ.માં વધારો થઈને પ્રતિ કિલો ૩૮,૩૯૫એ પહોચી જવા ધારણા છે.