અત્યાર સુધી મોબાઈલની આયાત કર્યા બાદ ઘર આંગણે મોબાઈલ ઉત્પાદનમાં ડંકો વગાડવા ભારત સજ્જ: સ્થાનિક સ્તરે સ્માર્ટફોન સસ્તા થશે
આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના મોબાઈલની બોલબાલા વધવા જઈ રહી છે. હવે રૂા.૭.૫ લાખ કરોડના મોબાઈલ ભારત નિકાસ કરશે. અત્યાર સુધી એવુ બનતું આવતું હતું કે, દેશમાં મોટાભાગના મોબાઈલ-સ્માર્ટફોન ચીન અથવા કોરીયાથી આયાત થતાં હતા. મસમોટુ ભંડોળ વિદેશમાં ધકેલાઈ જતું હતું. પરંતુ હવે સ્થિતિ ઊંધી છે. ભારતમાં મોટા પ્રમાણમાં મોબાઈલનું નિર્માણ થવા લાગ્યું છે. જેના પરિણામે હવે ઘર આંગણે મોબાઈલ સસ્તા થશે તેવી આશા છે.
તાજેતરમાં જ સેમસંગ, કાર્બન અને લાવા તેમજ ડિકશન સહિતની મોબાઈલ કંપનીઓ તેમજ ફોકસકોન, પેગાટ્રોન અને વિસ્ટ્રોન જેવી આઈફોનની એપ્લીકેશન બનાવતી કંપનીઓ દ્વારા આગામી દિવસોમાં રૂા.૭.૫ લાખ કરોડના મોબાઈલ તેમજ સોફટવેરની નિકાસ થશે. આ નિકાસ માટે કેન્દ્ર સરકારની ખાસ કમીટી દ્વારા લીલીઝંડી પણ અપાઈ ચૂકી છે. નોંધનીય છે કે, આ મોબાઈલનું ઉત્પાદન થોડા સમય પહેલા જાહેર થયેલી પ્રોડકશન લીંક ઈન્સેન્ટીવ યોજના હેઠળ થયું હતું.
કેન્દ્ર સરકારે લાંબા સમયથી ઘર આંગણે જ સ્માર્ટફોન સહિતના ડિજિટલ સાધનોનું ઉત્પાદન થાય તે માટે તૈયારીઓ કરી હતી. ભારત ડિજિટલાઈઝન તરફ જઈ રહ્યું છે. જેના પરિણામે લાવા,માઈક્રોમેકસ, કાર્બન સહિતના ૫ મોબાઈલ ઉત્પાદકો વધુને વધુ મોબાઈલનું ઉત્પાદન કરે છે. તાજેતરમાં જ એપલે પણ તેના આઈફોન-૧૧ અને આઈફોન-એસઈનું ભારતમાં ઉત્પાદન કરવા તૈયારીઓ કરી હતી. એપલ પોતાના ઉપકરણોના ઉત્પાદન માટે ફોકસ કોન અને વિસ્ટ્રોન જેવી કંપનીઓને કોન્ટ્રાકટ આપે છે જેના પ્લાન્ટ ઉભા કરવા ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં નજર દોડાવાઈ રહી છે. સેમસંગ પણ દેશમાં મોટુ માર્કેટ ધરાવે છે. તેવી જ રીતે હવે ભારતમાં વધુને વધુ ઉત્પાદન થાય તે માટેની તૈયારીઓ કરી રહી છે. ઘર આંગણે વધુને વધુ મોબાઈલનું ઉત્પાદન થશે તો સ્થાનિક સ્તરે મોબાઈલ સસ્તા થશે. દેશમાં સ્માર્ટફોનના ઉપભોગતાની સંખ્યા સતત વધી રહી છે ત્યારે હવે ઘર આંગણે જ ઉત્પાદન થવાથી નિકાસના કારણે દેશમાં મોટુ હુડીયામણ પણ આવશે.