તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને રસ્તાનાં કામ સૂચવવા માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ પત્ર પાઠવ્યો : ૯૧૦૦ કરોડનું બજેટ તૈયાર કરવામાં આવ્યું હોવાનો અંદાજ
હાલ આવનાર ચૂંટણીની અસર દેખાઈ રહી છે. અગાઉ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ભાજપને રસ્તાના મામલે બેઠકો ઘટી ગઈ હોવાના તારણ સાથે આગામી ચૂંટણી પહેલાં શહેરો અને ગામડાંના રસ્તાઓનાં સમારકામ માટે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી વિધાનસભા વિસ્તારદીઠ ૫૦ કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. રસ્તા માટે સરકારે ૯૧૦૦ કરોડનું બજેટ નક્કી પણ કરી લીધું છે.
આગામી ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલાં મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી ફેબ્રુઆરી માસમાં યોજાય એવી શકયતા હોવાને કારણે સરકારે રસ્તા રિપેરિંગનાં કામ માટે ધારાસભ્યોના બજેટમાં ૯૧૦૦ કરોડ ફાળવ્યા છે, જે પૈકી એક વિધાનસભા વિસ્તારદીઠ ૫૦ કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કરી આ કામ તાત્કાલિક હાથ ધરી શકાય એ માટે તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને વ્યક્તિગત પત્ર લખીને પોતાના વિસ્તારમાં કરવાનાં થતાં રસ્તા રિપેરિંગનાં અને તેમાં પણ ખાસ કરીને રી-કાર્પેટનાં કામો માટે દરખાસ્ત મોકલવા જણાવ્યું છે. સચિવાલયનાં સૂત્રોના જણાવ્યા મુજબ, નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગનો હવાલો સંભાળતા નીતિનભાઈ પટેલે આ સંદર્ભે તમામ ધારાસભ્યો અને મંત્રીઓને પત્ર પાઠવીને જણાવ્યું છે કે દરેક વિધાનસભા વિસ્તારદીઠ રસ્તા રી-કાર્પેટ કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્ટેટ રોડ માટે ૩૦ કરોડ અને પંચાયત હસ્તકના રસ્તાઓ માટે ૨૦ કરોડ મળીને કુલ ૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. ગુજરાતમાં વિધાનસભાની ૧૮૨ બેઠક છે અને એ મુજબ કુલ બજેટ ૯૧૦૦ કરોડ આસપાસ થવા જાય છે.ચોમાસાની સીઝનમાં રાજયભરમાં મોટા પ્રમાણમાં રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે અને વાહનચાલકો પારાવાર હાડમારી ભોગવી રહ્યા છે, જેને કારણે સ્થાનિક ધારાસભ્યો સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે, આ બાબતે ધારાસભ્યોએ પણ સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ પરિણામ આવતું નહોતું, પરંતુ હવે પંચાયતો અને મહાનગરપ ાલિકાઓની ચૂંટણી નજીક આવતી હોવાથી જનમાનસમાં પોઝિટિવ વાતાવરણ ઊભું કરવા માટે સરકારે રસ્તા રિપેર કરવાની દિશામાં ધ્યાન આપ્યું છે.
મતદારોને રીઝવવા રસ્તા સારા કરવા શ્રેષ્ઠ ઉપાય
હાલ લોકો રોડ રસ્તા ધોવાઈ જવાથી ભારે હાલાકી વેઠી રહ્યાં છે. ત્યારે વર્તમાન સ્થિતિમાં લોકોને રીઝવવા માટે રોડ રસ્તાના કામ શરૂ કરી દેવા શ્રેષ્ઠ ઉપાય જણાઈ રહ્યો છે. જો કે અગાઉ ભાજપને બિસ્માર રોડ રસ્તાના કારણે જ ફટકો સહન કરવાનો વારો આવ્યો હતો. પરિણામે સરકારે આ વખતે રોડ રસ્તાના કામને અગ્રતા આપી છે.