એસઓજીની ટીમે માલીયાસણ પાસે વોચ ગોઠવી દબોચી લીધા ડ્રગ્સના ગુનામાં જામીન પર છુટી ફરી ડ્રગ્સનું વેચાણ શરૂ કર્યુ
ડ્રગ્સના ધંધાર્થીઓ પર પોલીસે ધોસ બોલાવવાની ઝુંબેશ શરૂ કર્યુ હોય તેમ માલીયાસણ ચોકડી પાસેથી રૂા.7.64ની કિંમતના એમ.ડી.ડ્રગ્સ સાથે એસઓજીએ પિતા-પુત્રને ઝડપી લીધા છે. તાજેતરમાં જ ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા શખ્સ જામીન પર છુટી ફરી ડ્રગ્સનું વેચાણ કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ડ્રગ્સના મોટા ધંધાર્થીઓ પર એસઓજીની ટીમે દરોડાનો દોર જારી રાખ્યો હોય તેમ જિલ્લા ગાર્ડન પાસે ઘીચીવાડના ઇરફાન અબ્બાસ પટ્ટણી અને તેના પુત્ર અમન ઇરફાન પટ્ટણીને રૂા.7.64 લાખની કિંમતના 76.45 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે માલીયાસણ ચોકડી પાસેથી એસઓજી પી.આઇ. જે.ડી.ઝાલા, પી.એસ.આઇ.ડી.બી.ખેર, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા, મોહિતસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહિલષ ફિરોજભાઇ રાઠોડ, અરૂણભાઇ બાંભણીયા અને હાર્દિકસિંહ પરમાર સહિતના સ્ટાફે વહેલી સવારે માલીયાસણ ચોકડી નજીક વોચ ગોઠવી બંનેને ઝડપી લીધા છે.
ઇરફાન પટ્ટણીને એમ.ડી.નો નશો કરવાની ટેવ હોવાથી પ્રથમ પોતે એમ.ડી.ડ્રગ્સ ખરીદ કરી ઇન્જેકશન દ્વારા એમ.ડી.ડ્રગ્સનો નશો કરતો અને ઇન્જેકશન આપવામાં અમન મદદ કરતો હતો. ડ્રગ્સનો ખર્ચને પહોચી વળવા માટે ઇરફાન પટ્ટણીએ એમ.ડી.ડ્રગ્સનું વેચાણ શરૂ કર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઇરફાન પટ્ટણી ગત તા.11-11-21ના રોજ રેસકોર્ષ રીંગ રોડ પરથી રૂા.8 હજારની કિંમતના એમ.ડી.ડ્રગ્સ સાથે એસઓજીએ ધરપકડ કરી હતી.
ડ્રગ્સના ગુનામાં જામીન પર છુટી ફરી ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હોવાની અને પિતા-પુત્ર અમદાવાદથી પ્રાઇવેટ કારમાં મુસાફરી કરી ડ્રગ્સ લાવતા હોવાની બાતમીના આધારે બંનેની ધરપકડ કરી ડ્રગ્સ કોની પાસેથી લાવ્યા અને રાજકોટમાં કંઇ રીતે ડ્રગ્સનું વેચાણ કરે છે. તે અંગેની પૂછપરછ માટે બંનેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.