વર્ષ ૨૦૧૫માં હોંગકોંગના ખાતાઓમાં કરાયાં હતા ગેરકાયદે ૮૦૦૦ જેટલા ટ્રાન્ઝેક્શન
વર્ષ ૨૦૧૫માં બેંક ઓફ બરોડામાં પકડાયેલા રૂ. ૬૦૦૦ કરોડના ફોરેન એક્સચેન્જ પેમેન્ટ કૌભાંડમાં સીબીઆઈએ બુધવારે છ લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં તપાસ એજન્સીએ ૧૪ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કેસમાં ૧૨ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ બેંક ઓફ બરોડાના તત્કાલીન એજીએમ અને ફોરેન એક્સચેન્જ ઓફિસર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
સીબીઆઈના પ્રવક્તા આર.સી. જોશીએ જણાવ્યું કે ૧૨ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ આ કેસમાં બેંક ઓફ બરોડાના તત્કાલીન એજીએમ અને ફોરેન એક્સચેન્જ ઓફિસર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
કેન્દ્રીય તપાસ બ્યુરોએ બુધવારે તનુજ ગુલાટી, ઈશ ભુતાની, ઉજ્જવલ સૂરી, હની ગોયલ, સાહિલ વાધવા અને રાકેશ કુમારની ધરપકડ કરી હતી. કેસની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે તેમની ધરપકડ કરવામાં આવી છે. ૨૦૧૫માં સીબીઆઈએ આ મામલામાં બેંકના અનેક અધિકારીઓ અને અન્યો સામે કેસ દાખલ કર્યો હતો. તેમના પર દિલ્હીની અશોક વિહાર શાખાના ૫૯ ચાલુ ખાતામાંથી દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોને ૬૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરવાનો આરોપ છે.
સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, અશોક વિહાર શાખા નવી હતી અને તેને ૨૦૧૩માં જ વિદેશી હૂંડિયામણમાં વ્યવહાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે જુલાઈ ૨૦૧૪ થી જુલાઈ ૨૦૧૫ વચ્ચે ૮૦૦૦ ફોરેક્સ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. ૬૦૦૦ કરોડ ચૂકવવામાં આવ્યા હતા. દરેક વ્યવહારમાં રકમ ૧ લાખ ડોલર કરતાં ઓછી રાખવામાં આવી હતી.
કેસ નોંધાયા બાદ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપીઓએ તમામ વિદેશી હૂંડિયામણની ચૂકવણી હોંગકોંગમાં કરી હતી. આ નાણા આયાત માટે એડવાન્સ તરીકે મોકલવામાં આવ્યા હતા, જ્યારે આ લોકો પૈસા મેળવનારા પણ હતા. ફોરેક્સ સંબંધિત તમામ વ્યવહારો નવા ખોલવામાં આવેલા કરન્ટ એકાઉન્ટ દ્વારા જંગી રોકડ થાપણો સાથે કરવામાં આવ્યા હતા, પરંતુ બેંક શાખાએ તેના અસાધારણ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ અને જંગી રકમના વ્યવહારો પર નજર રાખી નથી.