નેપાળી ચોકીદારે બે ફલેટમાં હાથફેરો કરી પલાયન: સીસીટીવી ફુટેજથી બચવા ડીવીઆર પણ ઉપાડી ગયા
શહેરના કાલાવડ રોડ પર આવેલા મોટા મવા નજીક ઇસ્કોન હાઇટસના નેપાળી ચોકીદારે એક સાથે બે બંધ ફલેટને નિશાન બનાવી રૂ.૮ લાખની મત્તાનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ચોકીદારે હાથફેરો કર્યાની ઘટનાથી ફલેટ ધારકોમાં ફફડાટ મચી ગયો છે. ચોકીદારે ચોરી કર્યા પહેલાં બંધ ફલેટમાં મહેફીલ માણી હોવાના પોલીસને પુરાવા મળ્યા છે. સીસીટીવી ફુટેજ ન મળે તે માટે તસ્કરોએ ડીવીઆર ચોરી લીધાનું બહાર આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઇસ્કોન હાઇટસમાં રહેતા અને રબ્બરની ફેકટરી ધરાવતા પરિતોષભાઇ જયસુખભાઇ દેસાણી અને કારખાનામાં નોકરી કરતા દિનેશભાઇ લાલજીભાઇ મારડીયાના બંધ ફલેટમાંથી તસ્કસો રૂ.૮ લાખ મતા ચોરી ગયા હતા. જેમાં પરિતોષભાઇ દેસાણીના ફલેટમાંથી રૂ.૫ લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા અને રોકડ ઉઠાવી ગયા છે. જ્યારે દિનેશભાઇ લાલજીભાઇ મારડીયાના ફલેટમાંથી રૂ.૩ લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા અને રોકડ ચોરાયાનું ફરિયાદમાં જણાવ્યું છે. પરિતોષભાઇ દેસાણી બુધવારની રજા હોવાથી પરિવાર સાથે ગોમટા રહેતા માતા-પિતાને મળવા ગયા હતા જ્યારે દિનેશભાઇ મારડીયા પરિવાર સાથે ઉપલેટા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હોવાથી બંધ રહેલા મકાનને નેપાળી ચોકીદારોએ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
ઇસ્કોન હાઇટસ એપાર્ટમેન્ટમાં લાંબા સમયથી ચોકીદાર તરીકે ફરજ બજાવતા બે નેપાળી ચોકીદારે અન્ય બે નેપાળીને ઇસ્કોન હાઇટસ ખાતે બોલાવી દારૂની મહેફીલ માણી બંને બંધ ફલેટમાં હાથફેરો કરી પલાયન થઇ ગયાનું ફરિયાદમાં જણાવ્યુ છે. ચારેય નેપાળીઓએ સીસીટીવી ફુટેજ ન મળે તે માટે ડીવીઆરની ચોરી કર્યાનું બહાર આવ્યું છે. તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. ગઢવી સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.