ભય વિના પ્રીત નહીં
રાજકોટમાં માસ્ક ન પહેરનાર રોજના સરેરાશ ૨૫૦૦ લોકો દંડાયા
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી રૂપિયા ૨૦૦ દંડ વસુલવાની સત્તા પોલીસ ડિપાર્ટમેન્ટને આપેલી છે ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા દસ દિવસથી શહેર પોલીસ માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને દંડ કરી રહી છે. આજથી અનલોક-૨ની શરૂઆત થઇ ચુકી છે ત્યારે રાત્રિના ૮ વાગ્યા સુધી દુકાનો તેમજ ૯ વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે ત્યારે કોરોનાની આ મહામારીમાં લોકો ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું અત્યંત જરૂરી છે. કોવિડ ૧૯ની આ મહામારીમાં લોકોને પોતાનો અને અન્ય લોકોના સ્વાસ્થ્ય નો ખ્યાલ રાખવો જોઈએ.
માસ્કને લોકડાઉન સમજી લોકો અમલ કરે,
માસ્ક અત્યંત જરૂરી : મનોજ અગ્રવાલ
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ દિવસમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર વ્યક્તિ ને કુલ રૂપિયા ૫૧ લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે. લોકો માસ્ક બાબતે સજાગ બને તે અત્યંત જરૂરી છે. માસ્ક ન હોઈ તો મોઢું ઢાકવા રૂમાલ નો ઉપયોગ કરે. રાજકોટમાં માસ્ક કે રૂમાલ ન ખરીદી શકે તેવી કંડીશન કોઈ વ્યક્તિની હોઈ તો સ્થાનિક પોલીસનો અવશ્ય સંપર્ક કરે પોલીસ ફ્રીમાં માસ્ક ની વ્યવસ્થા કરી આપશે.
- રાજકોટ વાસીઓએ જાણે નક્કી કરી લીધું હોય “હમ નહીં સુધરેંગે”
રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા ૧૦ દિવસ થી માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને રૂપિયા ૨૦૦ નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.શહેર પોલીસ ના અધિકારીઓ અને કર્મીઓ દ્વારા તેમજ આઇવે પ્રોજેકટ દ્વારા પણ માસ્ક ન પહેરનાર વ્યક્તિ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેર પોલીસ દ્વારા છેલ્લા ૧૦ દિવસમાં રૂપિયા ૫૧ લાખ નો દંડ ફાટકારમાં આવ્યો છે જે ગુજરાતભરમાં રાજકોટ શહેરની વસ્તી પ્રમાણે સૌથી વધુ દંડ હોવાનું સામે આવ્યું છે.
- ત્રણથી વધુ વખત માસ્ક ન પહેરનાર વ્યક્તિ વિરુધ્ધ ગુનો દાખલ થશે
રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા માસ્ક ન પહેરનાર વ્યક્તિઓનું એનાલીસીસ હાથ ધરવામાં આવ્યું છે. આઈ-વે પ્રોજેકટમાં અથવા તો હાજર દંડમાં જે વ્યક્તિઓ ત્રણ થી વધુ વખત માસ્ક ન પહેરવા બદલ ઝડપાશે તેઓ વિરુધ્ધ ગુનો દાખલ કરવાનું પણ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિચાર કરી રહ્યાં છે. જે પ્રમાણે લોકડાઉન દરમિયાન એક જ નંબરનું બાઈક વિના કારણે રાજકોટના માર્ગો પર વધુ વખત સીસીટીવીમાં ઝડપાતા તે બાઈક ચાલક વિરુધ્ધ ગુના દાખલ થયા છે તે જ પ્રમાણે ત્રણથી વધુ વખત માસ્ક ન પહેરનાર વિરુધ્ધ દંડ ફટકારી તેના વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવશે.
- રાજકોટના શહેરીજનો માસ્ક બાબતે અણસમજુ ??
ગુજરાતનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ રાજકોટ શહેરમાં નોંધાયો હતો. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના મળી કોરોનાના કુલ ૨૮૫ કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી ૮૦ % લોકો સાજા થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજકોટ માં કોરોનાનાં દર્દી જલ્દીથી સાજા થઈ જતા ક્યાંક ને ક્યાંક લોકોના મન માં કોરોનાનો ડર રહ્યો નથી તેવું જણાઈ રહ્યું છે. પરંતુ માસ્ક ને એક જીવનજરૂરી વસ્તુ સમજી ને કાયમી આપણે પહેરવું જ જોઈએ.આપણે કોરોના મહામારીમાં જ જીવન જીવવાની ટેવ પાડવાની છે ત્યારે પોતાની સેફટી અને સામે ના વ્યક્તિની સેફટી વિચારી આપણે માસ્ક લગાવવું જ જોઈએ.