મંજુરી વગર શહેરમાં પોસ્ટર – બેનર મુકનાર ગોલ્ડન સર્કસ પાસેથી રૂ.૫૦,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલવા મ્યુનિ.કમિશનરશ્રીનો આદેશ
રાજકોટ શહેરમાં અનેક જાહેર સ્થળોએ દિવાલો પર તેમજ રાજકોટ મહાનગરપાલિકાના સીસીટીવી નેટવર્ક માટેના બોક્સ પર અનાધિકૃતરીતે પોસ્ટર અને બેનરો ચોંટાડી દેનાર ગોલ્ડન સર્કસના મેનેજમેન્ટ વિરૂદ્ધ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આકરૂ વલણ અપનાવ્યુ છે.
કમિશનરશ્રીએ આ વિશે વાત કરતા એમ જણાવ્યું હતું કે, ગોલ્ડન સર્કસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની મંજુરી મેળવ્યા વગર જ શહેરમાં કેટલીક જગ્યાએ જાહેર તેમજ ખાનગી મિલકતો ઉપર પોતાની જાહેરાત કરતા પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા હોવાનું ધ્યાને આવેલ છે. ગોલ્ડન સરકસની આ હરકત બદલ તેની પાસેથી રૂ. ૫૦,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલવા આદેશ કરવામાં આવ્યો છે.
મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીના આદેશને પગલે એસ્ટેટ વિભાગના આસી. મેનેજર શ્રી બી.એલ.કાથરોટીયા દ્વારા વહીવટી ચાર્જ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.