રાજકોટમાં દિવ્યાંગ બાળકોની વચ્ચે જઈને જન્મદિવસ ઉજવતા સંવેદનશીલ મુખ્યમંત્રી: જરૂરિયાતમંદ લોકો માટે “પ્રેમના પટારામાં પ્રથમ કીટ આપીને માનવ સેવાની જ્યોત પ્રજ્વલિત કરી
સરકારની યોજના અંતર્ગત સારવાર લઈને પ્રથમ વખત બોલતા થયેલા ૧૦ બાળકોને ચોકલેટ બોક્સની ગિફ્ટ આપતા મુખ્યમંત્રી
રાજકોટમાં મુખ્યમંત્રીએ દિવ્યાંગ બાળકોની વચ્ચે જઈને ૬૪મો જન્મદિન ઉજવી સામાજિક ઉત્તરદાયિત્વ, સંવેદના અને સામાજિક સેવાના નવા સીમાચિહ્નો પ્રસ્થાપિત કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે સામાજિક સેવા માટે એક વિશેષ અભિયાન ઉપાડ્યું છે. દિવ્યાંગોના માત્ર સાધનો માટે જ રૂપિયા ૫૦ કરોડના ફંડની જોગવાઈ કરવામાં આવી છે. દિવ્યાંગો માટે કલ્યાણ બોર્ડ અને તેમના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવે અને તેમનો સર્વાંગી વિકાસ થાય, તે માટે સામાજિક સંસ્થાઓના સહયોગથી રાજયસરકારશ્રી દ્વારા પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ વહીવટીતંત્રના પ્રેમના પટારાના પ્રોજેક્ટને માનવસેવાનો પ્રોજેક્ટ જણાવી મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટ કહયું હતું કે, જે સમાજમાં દિવ્યાંગો પ્રત્યે સંવેદના ન હોય તે સમાજ સંસ્કારી ગણાતો નથી. ગુજરાત સરકાર લોકોની ભાગીદારી થકી સંસ્કારી સમાજના નિર્માણ માટે પણ કામ કરી રહી છે. રાજયસરકારની સાથે-સાથે જિલ્લાઓનું તંત્ર અને તેના નાના એકમો પણ સંવેદનશીલ છે, તેમ જણાવી પ્રેમનો પટારો પ્રકલ્પ હેવ અને હેવ નોટ વચ્ચેનું અંતર દૂર કરે છે, તેમ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ બહેરા મૂંગા બાળકો બોલતા અને સાંભળતા થાય તે માટેની રાજ્ય સરકારની કોકિલીયર ઇમ્પ્લાન્ટ સારવાર યોજના હેઠળ જીવનમાં પ્રથમ વખત બોલતા થયેલા રાજકોટ જિલ્લાના બાળકોને પ્રતીકરૂપ ચોકલેટનુ બોક્સ મુખ્યમંત્રીએ તેમના જન્મદિને ભેટ આપી સંવેદના વ્યક્ત કરી હતી. જસદણની પાંચ વર્ષની ધુન મહેશભાઇ સતાસિયા નામની બાળાએ તેની માતા હેતલબેન સાથે સ્ટેજ પર આવીને પોતાની જિંદગીનું પ્રથમ વાકય મુખ્યમંત્રી સમક્ષ બોલીને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી, અને પોતાના જીવનની ધન્ય ક્ષણ મુખ્યમંત્રી સાથે વિતાવી હતી.
રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને અને ઇન્ડિયન યંગ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ લોકોને વિવિધ ઉપયોગી ચીજવસ્તુઓ મળી રહે અને દાતાઓ આવી વસ્તુઓ આપી શકે તે માટે કલેકટર કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા પ્રેમના પટારાની માનવતાની સેવાનો પણ મુખ્યમંત્રીએ દાનમાં પ્રથમ કીટ આપીને પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી. રાજકોટ કલેકટર દ્વારા ૧ કરોડ ૧૧ લાખનો ચેક પણ મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં અર્પણ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે વાઉં (વિસ્ડમ ઓન વ્હીલ્સ) પ્રોજેક્ટના લાભાર્થી બાળકોના પરિવારના જીવન-કવન ને રજુ કરતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા વિભાગ અને અન્ય સરકારી કચેરીઓના સામાજિક સેવાના તેમજ આરોગ્ય સેવાના કુલ ૧૫૦૦ લાભાર્થીઓને વિવિધ સહાય અને કીટનું આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ખાતે સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર શરૂ કરવામાં આવેલી મનો-દિવ્યાંગ બહેનો માટેની સંસ્થાના હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટનું ડોક્યુમેન્ટરી નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
રાજકોટના કાલાવડ રોડ પર મેન્ટલી રીટાર્ડેડ લોકોના આશ્રિત સેન્ટર ખાતે સામાજિક
ન્યાય અધિકારીતા વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આ કાર્યક્રમમાં મોટી
સંખ્યામાં દિવ્યાંગ બાળકો અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી
મુખ્યમંત્રીને ૬૪માં જન્મદિનની શુભકામના પાઠવી હતી.