ટ્રક ચાલક અને ક્લિનરે ૨૧ ટન સોપારી અને મરી બારોબાર વેચી છેતરપિંડી કરી
મેંગ્લોરથી એકાદ માસ પહેલાં રૂ.૪૬.૧૫ લાખની કિંમતની ૨૧ ટન સોપારી અને મરી રાજકોટ અને સુરત ટ્રકમાં મોકલ્યા બાદ ટ્રક ચાલક અને ક્લિનરે બારોબાર વેચી નાખી છેતરપિંડી કર્યાની ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરતના અડાજણ કાવસજીનગરમાં રહેતા નરેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજાએ જી.જે.૮ડબલ્યુ. ૧૮૬૬ નંબરના ટ્રક ચાલક મેતાખા બ્લોચ અને તેનો ક્લિનર સામે રૂ.૪૬.૧૫ની કિંમતની ૩૦૮ બોરી સોપારી અને ૧૦ બોરી મરી ઓળવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મેંગ્લોરથી ૨૧ ટન સોપારી અને મરી રાજકોટના નવાગામ સાઉથ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ અને સુરત પહોચાડવા ગત તા.૨૭ જાન્યુઆરીએ રવાના કર્યા બાદ જી.જે.૮ડબલ્યુ. ૧૮૬૬ નંબરના ટ્રક ચાલક અને ક્લિનરે ન પહોચાડી ઠગાઇ કર્યાની અને બંને શખ્સોએ બારોબાર વેચી નાખ્યાની ફરિયાદમાં શંકા વ્યક્ત કરતા ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. એમ.બી.જાડેજા સહિતના સ્ટાફે ટ્રક ચાલક અને ક્લિનર સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.