નર્મદા ફ્રેઝ-1 અંતર્ગત લીંક-4 માં 337.98 કિ.મી.ના પાઇપ લાઇન બીછાવાશે, વધારાની 1 મીલીયન એકર ફીટ પાણીની મંજુરી: 6 તાલુકાઓના 77 ગામોને સિંચાઇ-પીવાનું પાણી મળશે
કચ્છને વધુ પાણીદાર બનાવવા માટે રાજયની ભુપેન્દ્રભાઇ પટેલ સરકાર દ્વારા નર્મદા ફેસ-1 ના કામ માટે રૂા. 4369 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. લીન્ક-4 હેઠળ 337.98 કી.મી. ની પાલપલાઇન બીછાવી કચ્છના છ તાલુકાના 77 ગામોને પીવા તથા સિંચાઇના પાણીની સુવિધા પ્રાપ્ત થશે. નપાણીયા કચ્છનું મ્હેણુ હવે કાયમ માટે ભાંગી જશે.ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્ર અને કચ્છને કાયમી માટે પાણીની તંગીમાંથી મુકી કરવા માટે નર્મદાના નીર રાજયના છેવાડાના ગામડાઓ સુધી પહોચાડવામાં આવ્યા હતા. સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના તમામ ડેમોને નર્મદાના નીર ભરવાની મહત્વકાંક્ષી યોજના પણ મુકવામાં આવી હતી. નરેન્દ્રભાઇ મોદીના સપનાને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વિજયભાઇ રૂપાણીએ વધુ વેગ આપ્યો અને સૌની યોજનાનું કામ ખુબ જ ઝડપથી આગળ વધારી સૌની યોજનાએ સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા હલ કરી દીધી છે. દરમિયાન નર્મદા ડેમ પર દરવાજા મુકવાની મંજુરી અપાયા બાદ સરદાર સરોવર ડેમની સંગ્રહ શકિત પણ હવે ત્રણ ગણી થઇ જવા પામી છે.
હવે નર્મદાના નીરથી સૌરાષ્ટ્ર અને કચ્છને વધુ સમૃઘ્ધ બનાવવા માટે રાજય સરકારે કમર કસી છે કચ્છને નર્મદાના નીર આપવા માટે રાજય સરકાર દ્વારા રૂ. 4369 કરોડ મંજુર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. લીંન્ક-4 હેઠળ 337.98 કી.મી.ની લાંબી પાઇપ લાઇન બીછાવવામાં આવશે અને કચ્છના છ તાલુકાઓના 77 ગામોને વધારનું 1 મીલીયન એકર ફીટ નર્મદાનું પાણી આપવાની મંજુરી આપવામાં આવી છે.
કચ્છના મુંદ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ તથા નખત્રાણા તાલુકાના 77 ગામોને નજીકના ભવિષ્યમાં સિંચાઇ તથા પીવાના પાણી માટે નર્મદાના નીર આપવામાં આવશે. નર્મદા ફેસ-1 હેઠળ 4369 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે તમામ ઝોમાં મતદારોને આકર્ષવા માટે વિવિધ પ્રોજેકટ તથા યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે.
કચ્છની બોર્ડર પર દેશની રક્ષા કરતા સૈનિકોને તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નર્મદાના નીર પહોચાડયા હતા હવે કચ્છના છ તાલુકાઓનાં 77 ગામોને નર્મદાના નીર પહોચાડવા માટેના મહત્વકાંક્ષી પ્રોજેકટ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અબજો રૂપીયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ટુંક સમયમાં આ સુખાકારી માટેનો પ્રોજેકટ રજૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કચ્છને નપાણીયું ગણવામાં આવતું હતુ પરંતુ ભાજપ સરકારે કચ્છને પાણીદાર બનાવ્યું છે. અને હવે વધુ સમુધ્ધ બનાવવા માટે કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે.