બેફામ છરીના ઘાને લીધે સગીરનું મોત: ચારેય શખ્સોની ધરપકડ
દિલ્હીના આનંદ પરબત વિસ્તારમાં સિગારેટ માટે 10 રૂપિયા આપવાનો ઇનકાર કરનાર 17 વર્ષીય સગીર માટે જીવલેણ સાબિત થયો છે. તેને કલ્પના પણ નહોતી કે આટલી નાની વાત તેનો જીવ લઈ લેશે. 10 રૂપિયા ન મળતા ચાર યુવકોએ સગીરની છરીના ઘા મારીને હત્યા કરી નાસી છૂટ્યા હતા. જો કે તે બાદ આખરે સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓના નામ પ્રવીણ, અજય, સોનુ કુમાર અને જતીન છે. હત્યામાં વપરાયેલ છરી રિકવર કરવાની સાથે મૃતકની કેપ અને પર્સ પણ મળી આવ્યા છે.
સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ડીસીપી શ્વેતા ચૌહાણે જણાવ્યું હતું કે, 6 જૂને આનંદ પર્વત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એચઆર રોડ નજીક રામજસ સ્કૂલ પાસે એક સગીરનો લોહીથી લથપથ મૃતદેહ મળ્યો હતો. તેના પેટના ઉપરના ભાગે છરીના નિશાન જોવા મળ્યા હતા. સ્થળ પર કોઈ પ્રત્યક્ષદર્શી મળ્યા ન હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મૃતકની ઓળખ બલજીત નગરના રહેવાસી 17 વર્ષીય વિજય તરીકે થઈ છે. પોલીસે ઘટનાની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કર્યા હતા. જેની મદદથી ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસનો દાવો છે કે આરોપીઓએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો છે કે 5 જૂને તેઓ આનંદ પર્વત તરફથી આવી રહ્યા હતા. વિજય ત્યાં સીડી પર બેઠો હતો. સોનુ આ જ વિસ્તારમાં રહે છે. સોનુએ વિજય પાસે સિગારેટ માટે 10 રૂપિયા માંગ્યા. વિજયે ના પાડી અને પછી આ બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા સોનુએ તેના સાથીઓ સાથે મળીને વિજય પર છરી વડે હુમલો કર્યો હતો. આરોપી પ્રવીણ કારખાનામાં કામ કરે છે. અજય કોમર્શિયલ વાહન ચલાવે છે. સોનુ કુમાર વ્યવસાયે દરજી છે જ્યારે જતીન ફૂટવેરની દુકાનમાં કામ કરે છે.