છેલ્લા એક સપ્તાહમાં પાણી પુરવઠા યોજનાના ૩૩૦૦ કરોડના ખાતમુહૂર્તો-લોકાર્પણ થયા: મુખ્યમંત્રી
વિકાસની પ્રાથમિક શરત પાણી છે- પાણીના સ્ત્રોત વધારવા, જળસંગ્રહ શક્તિ વધારવી એ સરકારની પ્રાથમિકતા છે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, બુધેલ બોરડા બલ્ક પાઇપલાઇનના નિર્માણ બાદ ભાવનગરના તળાજા તથા મહુવા, અમરેલીના રાજુલા અને જાફરાબાદ તથા ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડીનાર તાલુકા જૂન-૨૦૨૨ સુધી વોટર-ગ્રીડ થકી જોડાઈ જશે. ભવિષ્યમાં સોમનાથ મંદીર પરીસરમાં પીવાનું શુધ્ધ પાણી આ વોટર ગ્રીડથી પહોચશે.
મુખ્યમંત્રીએ ભાવનગર ખાતે બુધેલથી બોરડા બલ્ક પાઇપલાઇના ખાતમુહૂર્ત પ્રસંગે કહ્યું કે, રૂપિયા ૩૭૬.૧૯ કરોડની આ યોજનાથી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ૨૦ શહેરો અને ૬૧૨ ગામોની કુલ ૪૩ લાખની વસ્તીને વધારાના પાણીનો લાભ મળશે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, છેલ્લા એક સપ્તાહમાં પાણી પુરવઠા યોજનાના ૩૩૦૦ કરોડના ખાતમુહૂર્તો-લોકાર્પણ થયા છે. કેન્દ્ર સરકારે ૨૦૨૪ સુધી ઘરે ઘરે નળ થી જળ પહોંચાડવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે જેને આપણે ૨૦૨૨ માં જ પૂરુ કરીશું.
તેમણે કહ્યું કે, ઢાંકી સુધી પાણી ગ્રેવીટીથી આવે છે ત્યાંથી સૌરાષ્ટ્ર કચ્છ સુઘી ૧૦૦ માળ જેટલુ લીફ્ટ કરી લઈ જવાય છે. આમ આપણે નેવાના પાણી મોભે ચડાવ્યા છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્યમાં પીવાના પાણીની ૧ લાખ કી. મી.થી વધુ પાઈપલાઈનનું નેટવર્ક ભાજપાની સરકારે બિછાવી છે. ગુજરાતમાં ૭૦% વરસાદ ૩૦% ભૂમી પર અને ૭૦% ભૂમી પર ૩૦% વરસાદ પડે છે. આ પેટર્નને કારણે પાણીનું સંતુલિત માળખું વિકસાવવાનું આયોજન સરકારે કર્યું છે.
મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર, કચ્છ અને તળ કાઠિયાવાડના પાણીના પ્રશ્નોનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ ‘સૌની યોજના’ થકી કાયમ પાણીથી છલોછલ રહેશે. ખેડૂતોને સિંચાઇ અને લોકોને પીવાના પાણીની ચિંતા નહી રહે. ઉપરાંત બીજા તબક્કામાં સૌરાષ્ટ્રના તળાવોને જોડવામાં આવશે જેથી પાણીના તળ ઊચા આવશે.
મુખ્યમંત્રીએ ભૂતકાળની કોંગ્રેસની સરકારનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, ૧૯૮૦-૯૦ નો દાયકો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છ ના લોકો ભૂલશે નહી. ટેન્કર રાજમાં ટ્રેનથી પાણી પહોંચાડવામાં આવતું હતું ભ્રષ્ટ્રાચાર અને પાણીના કારણે ઝઘડા લોકો ત્રસ્ત હતા. દૂરંદેશીતા અને નક્કર આયોજનના અભાવે જનતા ત્રાહિમામ હતી. આજે આપણી સરકારે પાણીના દુકાળને ભૂતકાળ બનાવ્યો છે તેમ તેઓએ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી એ કૃષિ સુધારા બિલના સંદર્ભે કહ્યું કે, કોંગ્રેસને ખેડૂતના નામે રાજકારણ કરવું છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનું શુશાસન દિવસે દિવસે મજબૂત બની રહ્યું છે.અભૂતપૂર્વ નિર્ણયો લેવાઈ રહ્યા છે. આ કોંગ્રેસથી સહન નથી થઈ રહ્યું.
તેમણે ઉમેર્યું કે, આ જ કોંગ્રેસે ૨૦૧૯ ના ચૂંટણી ઢંઢેરામાં એપીએમસી ઍક્ટ માં સુધારા અને મુક્ત બજાર આપવાનું કહ્યું હતું. રાહુલ ગાંધીએ બધા મુખ્યમંત્રીને પત્ર લખી શાકભાજી ફ્રૂટ મંડી બહાર વેચી શકાય તેવી વ્યવસ્થા કરવાનું સૂચવ્યું હતું. પંજાબની કોંગ્રેસ સરકારે કોર્પોરેટ અને ખેડુતો વચ્ચેના કોન્ટ્રાક્ટ ફાર્મિંગના પત્રો સમારંભ યોજી વિતરણ કર્યા હતા. આજે એ જ કોંગ્રેસ અને રાહુલ ગાંધી નવા કૃષિ સુધાર બિલોનો વિરોધ કરી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે, વિકાસની પ્રાથમિક શરત પાણી છે. પાણીના સ્ત્રોત વધારવા જળસંગ્રહ શક્તિ વધારવી આપણી પ્રાથમિકતા છે. પાણી પારસમણીની જેમ વપરાય તે જરૂરી છે. સુજલામ-સુફલામ યોજના અંતર્ગત ત્રણ વર્ષથી તળાવ ખોદી ઊંડા કર્યા જેથી જળસંગ્રહ શક્તિ વધી છે. કોંગ્રેસ આવી તોતિંગ પાઈપલાઈન્સ જોઇ કહેતી કે આમાંથી પાણી થોડું આવશે ખાલી હવા આવશે. આજે એ કોંગ્રેસની જ હવા નીકળી ગઈ છે. તરસ્યા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને આપણે પાણીથી તૃપ્ત કર્યું છે. તેમણે કહ્યું કે, દરિયાના ખારા પાણીને મીઠું કરવાનું અભિયાન શરૂ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુર્હત થયું છે. ઘોઘા અને વેરાવળમાં પણ કામ શરૂ થનાર છે. આ વિભિન્ન પ્લાન્ટ થકી જનતાને રોજનું ૩૭ કરોડ લિટર પાણી મીઠું કરી આપવા આવશે.