લક્ષ્યાંક ઓપન હાઉસનું નિયમિત અંતરાલે કરાશે આયોજન: દેવાશિષ રોય ચૌધરી
નજીકનાં સમયમાં એજીટીનું થશે આયોજન
૨૦૧૮-૧૯ની સરખામણીમાં ૨૦૧૯-૨૦નો ટીડીએસનો લક્ષ્યાંક વધુ
દેવાશિષ રોય ચૌધરીએ રાજકોટ ચીફ કમિશનર ઓફ ઈન્કમટેકસનો એડીશનલ ચાર્જ સંભાળ્યો
‘પે એસ યુ અર્ન’ મંત્રથી કરદાતાઓને કરાશે જાગૃત
રાજકોટ આવકવેરા વિભાગનાં ચીફ કમિશનર ઓફ ઈન્કમટેકસ તરીકે એડિશનલ ચાર્જ સંભાળનાર દેવઆશિષરોય ચૌધરી રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. આ તકે તેઓએ આવકવેરા વિભાગને લઈ ઘણી ખરી ચર્ચાઓ, સુચનો પણ સાંભળ્યા હતા અને આવનારા સમયમાં કઈ રીતે આવકવેરા વિભાગ સુચારુંરૂપથી કાર્ય કરે તે માટે આગોતરા આયોજન વિશે પણ તેઓએ માહિતી આપી હતી.
ચાર્જ સંભાળતાની સાથે જ દેવઆશિષરોય ચૌધરીએ અબતક સાથે વિશેષ વાતચીત કરતાં રાજકોટ આવકવેરા વિભાગને આપવામાં આવેલા ટાર્ગેટની પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ વખતે રાજકોટને ૩૩૭૦ કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાં આશા છે કે, કરદાતાઓ તરફથી રાજકોટ આવકવેરા વિભાગને સારો એવો પ્રતિસાદ મળશે અને કોડીનેશન પણ ખુબ જ સારી રીતે કરવામાં આવશે જે માટે કોઈપણ પ્રકારની અસમંજસની સ્થિતિ કે કોઈ જ કોમ્પ્લીકેશન ઉદભવિત નહીં થાય તે માટે પૂર્ણત: તકેદારી રાખવામાં આવશે. આ માટે જો આવકવેરા વિભાગને નિયમિત અંતરાળ પર કરદાતાઓને મળવાનું થાય તો તે પણ પૂર્ણત: કરવામાં આવશે.
વધુમાં તેઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજકોટ આવકવેરા વિભાગને જે ૩૩૭૦ કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે મહદઅંશે અઘરો પણ મનાઈ છે પરંતુ આશા છે કે, રાજકોટનાં કરદાતાઓ આવકવેરા વિભાગ સાથે રહી તેનો ટેકસ અચુક ભરશે જો કરદાતાઓ તેમની ફરજ ચુક કરશે તો તેમનાં પર સર્વે જેવા એકશનો પણ લેવામાં આવશે. વધુમાં જયારે તેમને પુછવામાં આવ્યું કે સર્ચ એકશન હાથ ધરાશે કે કેમ ? તો આ પ્રશ્ર્નનાં જવાબમાં રાજકોટ સીસીઆઈટી ચૌધરીએ જણાવ્યું હતું કે, સર્ચ એ એકમાત્ર વિકલ્પ નથી જેનાથી કરદાતાઓ પાસેથી કર વસુલવામાં આવે. એવા અનેકવિધ ઉપાયો છે જેનાથી બાકી રહેતા કર વસુલી શકાય. આવકવેરા વિભાગ હાલ ટેકસ ડિડકશન અને એડવાન્સ ટેકસ ઉપર નિર્ભર રહેશે. આ તકે સીસીઆઈટી દેવઆશિષરોય ચૌધરીએ જણાવ્યું હતું કે, જે કરદાતાઓ કમાય તે પ્રમાણે તેઓએ કરની ચુકવણી કરવી જોઈએ. સર્ચ અથવા તો સર્વે એકશન હાથ ધરવામાં આવશે તે પૂર્વે તમામ માહિતીઓ એકઠી કરી તમામ ઉપર યોગ્ય કાર્યવાહી કરાશે.
રાજયનાં ટીડીએસનાં ચીફ કમિશનર તરીકે પદભાર સંભાળનાર દેવઆશિષરોય ચૌધરીએ રાજકોટ ટીડીએસ રેન્જ-૧નો લક્ષ્યાંક ૩૦૭૮ કરોડ રૂપિયાની વસુલાતનો રાખવામાં આવ્યો છે. જે ગત વર્ષ ૨૦૧૮-૧૯માં રાજકોટ રેન્જ-૧નો લક્ષ્યાંક ૨૭૮૭ કરોડ રૂપિયાની વસુલાતનો રાખવામાં આવ્યો હતો. આ તકે તેઓએ એજીટીનું પણ ટુંક સમયમાં આયોજન કરવામાં આવશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. રેવન્યુ લક્ષ્યાંકને સિઘ્ધ કરવામાં આવે તે માટે ફિલ્ડ કેડરનાં અધિકારી અને ઈન્સ્પેકટર કેડરનો સમાવેશ કરવામાં આવતો હોય છે જેથી નજીકનાં સમયમાં એજીટીનું આયોજન કરવામાં આવશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. એડવાન્સ ટેકસ, ટેકસ રીકવરી, હાઈ વેલ્યુ ટ્રાન્ઝેકશન પર રાજકોટ આવકવેરા વિભાગ વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આ તકે રાજકોટ સીસીઆઈટી દેવઆશિષરોય ચૌધરીએ જણાવ્યું હતું કે, તેઓને જે અતિરેક પદભાર રાજકોટનો સોંપવામાં આવ્યો છે તેનાથી તેઓ ખુબ જ ખુશ છે અને રાજકોટ આવકવેરા વિભાગને કઈ રીતે વધુને વધુ મજબુતી અપાઈ તે માટે અનેકવિધ પગલાઓ હાથ ધરવામાં આવશે.
રાજકોટ સીસીઆઈટીએ જણાવતાં કહ્યું હતું કે, રાજકોટને જે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે તેને સિદ્ધ કરવા માટે અત્યારથી જ એકશન પ્લાન શરૂ કરવામાં આવશે. ગત વર્ષ ૨૦૧૮-૧૯ની સરખામણીમાં વર્ષ ૨૦૧૯-૨૦નાં લક્ષ્યાંકમાં ૩૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેને હાંસલ કરવા એડવાન્સ ટેકસ, રીકવરી ટેકસ અને ઈન્ફોર્મેશન બેઈઝ સર્વે પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, હાઈવેલ્યુ ટ્રાન્ઝેકશન કરી આવકવેરા રીટર્નમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહીં હોય તેવા લોકોને પણ શોધીને તેમની પાસેથી ટેકસ વસુલી માટે ભાર મુકવામાં આવશે. ટીડીએસની વસુલાતનો જે લક્ષ્યાંક નિર્ધાર કરવામાં આવ્યો છે તેમાં ગત વર્ષની સરખામણીમાં ૧૫.૯૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. આશા છે કે એવા ઘણાખરા કરદાતાઓ છે કે જે નિષ્ઠાપૂર્વક કરની ભરપાઈ કરે છે. સમગ્ર ગુજરાત માટેનો લક્ષ્યાંક ૬૪,૦૦૦ કરોડ રૂપિયાનો આપવામાં આવ્યો છે જેને લઈ આશા છે કે, તે પણ હાંસલ થઈ જશે.