જામનગર માર્કેટીંગ યાર્ડ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ૨૪૦૦ ખેડૂતોને ૩૧ કરોડ ચૂકવાયા
જામનગરના ખેતીવાડી ઉત્પન્ન સમિતિ (માર્કેટીંગ યાર્ડ, હાપા) દ્વારા સરકારની સૂચના પ્રમાણે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી. સાડા પાંચ હજાર ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જેમાંથી ૨૪૦૦ ખેડૂતોની મગફળી ખરીદ કરીને તેમને રૃા. એકત્રીસ કરોડની ચૂકવણી કરવામાં આવી હોવાનું યાર્ડના ચેરમેન રાઘવજીભાઈ પટેલે પત્રકારોને જણાવ્યું હતું.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની કામગીરી અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓને તમામ સુવિધાઓ મળે તેવી કામગીરી હાથ ધરવામાં આવી છે.
ખેડૂતોના માલના રક્ષણ માટે યાર્ડમાં તમામ જગ્યાઓ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ખાતેદાર ખેડૂતો, વેપારીઓ માટે રૃા. પાંચ લાખનું અકસ્માત વીમા કવચ આપવામાં આવ્યું છે. તેમજ આગ સામે પણ વીમા કવચ આપવામાં આવ્યું છે. યાર્ડ સાથે સંકળાયેલા ખેડૂતોને કેન્સર, કીડની, હાર્ટ સર્જરી વિગેરેમાં સહાય આપવામાં આવે છે.
સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત તાલુકાઓ સપડા, ફાચરીયા, તમાચણ, ખીજડીયામાં તળાવો બનાવવામાં આવ્યા છે.
ઈ-માર્કેટ વ્યવસ્થાથી ખેડૂતોને ખેતપેદાશોના મહત્તમ ભાવોથી ઓનલાઈન વેચાણ કરવાની સુવિધા કરવામાં આવી છે. આગામી દિવસોમાં ત્રણ નવા ઓપન ઓક્શન શેડ તથા કવર્ડ ઓક્શન શેડ બનાવવામાં આવશે.
માર્કેટીંગ યાર્ડની કામગીરી અંગે જાણકારી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં યાર્ડના વાઈસ ચેરમેન ધીરૃભાઈ કારીયા, જિલ્લા સહકારી બેંકના વાઈસ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, યાર્ડના ડાયરેક્ટર ભીમશીભાઈ ચીખલીયા, ભગવાનજીભાઈ ધમસાણીયા, દેવરાજ જરૃ, નારાયણભાઈ વસોયા, જે.પી. બેંકના ચેરમેન પ્રમોદભાઈ કોઠારી, તુલસીભાઈ પટેલ, મારખીભાઈ વસરા, જયંતિભાઈ ઉપસ્થિત રહ્યા હતાં.