રાજકોટ શહેરીજનોને રખડતા-ભટકતા ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આકરી જોગવાઇ સાથે પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ માર્ગદર્શિકા-2023 લાગૂ કરવામાં આવી છે. જે રાજ્યની તમામ મહાપાલિકાઓ અને નગરપાલિકાઓ લાગૂ કરવી ફરજિયાત છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અગાઉ આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. દરમિયાન માલધારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્તને બહાલી આપવામાં આવી છે. હવે જો રાજમાર્ગો પરથી રખડતા ઢોર પકડાશે તો તેને છોડાવવા માટે માલધારીઓએ ત્રણ ગણો દંડ ચૂકવવો પડશે. શેરી-ગલ્લીઓમાં પશુઓ બાંધવા પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જનરલ બોર્ડમાં બહાલી મળ્યા બાદ નવો કાયદો લાગૂ કરી દેવામાં આવશે.
માલધારીઓએ પશુ રાખવા માટે પરમીટ અને લાયસન્સ લેવા પડશે: ઘાસચારો વેંચવા માટે પણ મંજૂરી આવશ્યક: પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ કાયદાને સ્ટેન્ડિંગની બહાલી
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની રાજ્ય સરકારની માર્ગદર્શિકા લાગૂ કરવાની અગાઉ પેન્ડિંગ રખાયેલી દરખાસ્તને બહાલી આપવામાં આવી છે.
આગામી દિવસોમાં જનરલ બોર્ડની બેઠકમાં દરખાસ્તને મંજૂરી મળતાની સાથે જ નવી ગાઇડલાઇન લાગૂ થઇ જશે. અત્યાર સુધી મહાપાલિકા દ્વારા રાજમાર્ગો પરથી રખડતા-ભટકતા ઢોર પકડવામાં આવે તો તેને છોડાવવા માટે રૂ.1000 દંડ વસૂલ કરવામાં આવતો હતો. જે હવે રૂ.3000 વસૂલ કરાશે. બીજીવાર પકડાશે તો રૂ.4,500, ત્રીજીવાર પકડાશે તો રૂ.6,000, ચોથીવાર પકડાશે તો રૂ.9000 દંડ ઉપરાંત પરમીટર કેન્સલ કરવા સહિતની આકરી સજા કરવામાં આવશે. હાલ પ્રતિ દિવસ ખાધા ખોરાકી અને સંચાલન ખર્ચ પેટે રૂ.700 વસૂલ કરવામાં આવે છે. જે હવેથી રૂ.1000 વસૂલ કરાશે. રજીસ્ટ્રેશન ફી પણ 100થી વધારી 200 કરવામાં આવી છે.
નવા કાયદામાં માલધારીઓએ પશુઓ રાખવા માટે પરમીટ અને લાયસન્સ બંને લેવા પડશે. જો ધંધાકીયા હેતુ માટે પશુ રાખવામાં આવશે તો લાયસન્સ લેવાનું રહેશે. જેની ત્રણ વર્ષની ફી રૂ.500 નિયત કરવામાં આવી છે. જ્યારે વ્યક્તિગત ઉપયોગ માટે પશુ રાખવાનું હોય તો પરમીટ લેવાની થશે. તેની ત્રિમાસિક ફી રૂ.250 નિયત કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ માલધારીઓ પોતાના ઘરની બહાર શેરી-ગલ્લીઓમાં ઢોર બાંધી શકશે નહિં. જો આવું કરવામાં આવશે તો દંડ વસૂલ કરવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે ઢોર પકડ પાર્ટી જ્યારે રાજમાર્ગો પરથી ઢોર પકડવાની કામગીરી કરતી હોય છે. ત્યારે અમૂક તત્વો તેમાં વિક્ષેપ ઉભો કરતા હોય છે. હવે આ કામગીરીમાં પોલીસનો રોલ પણ વધશે. આવી કામગીરી કરતા તત્વોને રોકવાની જવાબદારી પોલીસની રહેશે. અત્યાર સુધી શહેરમાં ઘાસચારો વેંચવા માટે લાયસન્સ લેવાની કોઇ આવશ્યકતા રહેતી ન હતી. પરંતુ નવા કાયદામાં ઘાસચારો વેંચવા માટે પણ લાયસન્સ લેવું પડશે. શહેરમાં અમૂક વિસ્તારોને નો-કેટલ ઝોન જાહેર કરવામાં આવશે. જ્યારે પશુઓ રાખી શકાશે નહિં. આ અંગે ટૂંક સમયમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્વ કરવામાં આવશે. હાલ કોર્પોરેશનના ઢોર ડબ્બે 960 જેટલા પશુઓ વસવાટ કરી રહ્યા છે. જ્યારે શહેરમાં 2,950 ઢોરનું રજીસ્ટ્રેશન થયેલું છે. માલધારીઓ સાથે જ બેઠક કર્યા બાદ નવી ગાઇડલાઇન અમલમાં મૂકવામાં આવી છે. જે જનરલ બોર્ડની મંજૂરી બાદ અમલમાં આવશે.
આવાસના કોન્ટ્રાક્ટરોને ભાવ વધારો અપાશે
કોર્પોરેશનના જુદા-જુદા પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના ઠરાવ અનુસાર કોન્ટ્રાક્ટરો ભાવ વધારો સામે રાહત આપવા અંગેની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે. આવાસના કોન્ટ્રાક્ટરોને તા.1/1/2021 થી સરકારે નક્કી કરેલા શિડ્યુલ મુજબ ભાવ વધારો આપવામાં આવશે. આ માટે ત્રણેય ઝોનના સિટી એન્જીનીંયરોની એક કમિટી બનાવવામાં આવી છે.
કાલાવડ રોડ પહોળો કરવા કપાતનું વળતર ચૂકવવાની દરખાસ્ત વધુ એકવાર પેન્ડિંગ
ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા મોટામવા ગામતળથી શરૂ કરી મહાપાલિકાની હદ સુધીના હયાત કાલાવડ રોડની પહોળાઇ 30 મીટરથી વધારી 45 મીટર કરવા માટે લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ લાગૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જે મિલકતધારકોની મિલકત કપાતમાં આવે છે. તેમને વળતર ચૂકવવાની દરખાસ્ત સતત પાંચમી વખત પેન્ડિંગ રાખવામાં આવી છે. આ માટે સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિના અહેવાલ બાદ મિલકત કપાતના અસરગ્રસ્તોએ એવી રજૂઆત કરી હતી કે તેઓને એક વખત સાંભળ્યા બાદ નિર્ણય લેવામાં આવે જેને ધ્યાનમાં રાખીને દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હોવાનું ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું.
તિરંગાની લાકડીનો ખર્ચ નામંજૂર
‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત ખરીદવામાં આવેલી લાકડીનો ખર્ચ શંકાસ્પદ લાગતા અગાઉ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. દરમિયાન તપાસના અંતે ખરેખર એજન્સી દ્વારા એક લાકડીના રૂ.8.79 લગાવવામાં આવ્યા હતા. તે ખરેખર વધુ જણાતા કોઇપણ પ્રકારની બાંધછોડ કર્યા વિના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ ખર્ચ નામંજૂર કરી દેવામાં આવ્યો છે. જ્યારે તિરંગાની પટ્ટીનો ખર્ચ પણ શંકાસ્પદ જણાતા તેને પણ નામંજૂર કરવામાં આવ્યો છે.
સર્વેશ્વર ચોકમાં ધરાશાયી થયેલા વોંકળાને કોર્પોરેશન હસ્તગત કરી લેશે
યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં ગણેશ મહોત્સવ દરમિયાન શિવમ કોમ્પ્લેક્સ પાસે વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થયો હતો. દરમિયાન કોર્પોરેશન દ્વારા સલામતીના ભાગરૂપે હવે વોંકળા પરનો સંપૂર્ણ સ્લેબ દૂર કરી ત્યાં નવી ડિઝાઇન સાથે રોડનું નિર્માણ કરવામાં આવશે. સાથોસાથ જે સ્લેબ ધરાશાયી થયો છે તે ભાગ કોર્પોરેશન પોતાની હસ્તગત કરી લેશે.