પૂર્વ કચ્છ એલસીબીએ રાપર તાલુકાના થોરીયારી ગામની સીમમાં અન્ડર ગ્રાઉન્ડ ટાંકામાં છુપાવેલો રૂ.૩.૧૯ લાખનો વિદેશી શરાબ પકડી પાડયો હતો. જો કે આરોપીઓ હાથ લાગ્યા ન હતા.
પૂર્વ કચ્છ એલસીબીની ટીમ રાપર તાલુકામાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે સમા વજા ભરવાડ (પલાંસવા) તથા પુના ભાણા ભરવાડ (રાપર)એ દારૂ મંગાવ્યો હોવાની અને હાલ તેને થોરીયારી ગામની સીમમાં સમા વજાની માલીકીની વાડીની બાજુમાં આવેલી સરકારી પડતર જમીનમાં છુપાવ્યો હોવાની બાતમીના પગલે વાડીમાં એક અન્ડર ગ્રાઉન્ડ ટાંકો મળી આવ્યો હતો.
જેમાં તપાસ કરતા શરાબનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. ટાંકામાંથી અંગ્રેજી શરાબની કુલ ૨૫૨ બોટલો તથા ૧૮૦ એમએલના ૨૩૧૬ કવાટરીયા મળી આવ્યા હતા. રૂ.૩,૧૯,૮૦૦નો શરાબ મળી આવ્યો હતો. આ બન્ને શખ્સો સામે આડેસર પોલીસ મથકે ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો. હાથમાં ન આવેલા આરોપીઓની શોધખોળ પણ શરુ કરવામાં આવી હતી.