વૃંદાવનમાં હોસ્પિટલ અને વિદ્યાર્થીઓ માટે ભાગવત ભવનનું નિર્માણ કરાશે: શ્રી ઈન્દિરાબેટીજી મહોત્સવના સમાપન પ્રસંગે ૧૧ હજારથી વધુ વૃંદાવનવાસીઓ અને સાધુ સંતો રહ્યા ઉપસ્થિત
શ્રી ઈન્દીરાબેટીજી વલ્લભ સેવા ટ્રસ્ટ તથા શ્રી ઈન્દીરાબેટીજી માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા વૃંદાવન ખાતે શ્રી ઈન્દિરાબેટીજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોસ્વામી શ્રીઈન્દીરાબેટીજી કથિત ભાગવત ગ્રંથની ગુજરાતી આવૃતિનું સંત મોરારીબાપુ તેમજ હિન્દી આવૃતિ મલૂક પીઠાધીશ્ર્વરનું રાજેન્દ્રદાસજી મહારાજના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂજય મોરારીબાપુએ જણાવ્યું હતું કે, ઈન્દિરાબેટીજીએ પોતાની અપાર કીર્તિને પ્રસાદની જેમ વલ્લભકુળ અને વૈષ્ણવોમાં વહેંચી તથા તેમને પ્રેરણા આપી પ્રભાવિત કર્યા. મેં એમનામાં કિર્તી, સાદગી, ત્યાગ, સ્મૃતિ, તપ, ધૈર્ય અને ક્ષમા જેવી સાત વિભુતીઓના દર્શન કર્યા છે. ટ્રસ્ટે થોડા સમયમાં અનેક પ્રકાશનો બહાર પાડયા એ અભિનંદનીય છે. વિશ્ર્વવંદનીયા કુલભૂષણા ગોસ્વામી ઈન્દિરાબેટીજીના પાદુર્ભાવ મહોત્સવ પ્રસંગ પર વૃંદાવનમાં શ્રાવણી પર્વના ત્રીજા દિવસે સમાપન સમારોહમાં ભાગવત ગ્રંથના પ્રથમ હિન્દી ભાગનું વિમોચન કરતા મલુક પીઠાધીશ્ર્વર રાજેન્દ્રદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ઈન્દિરાબેટીજી સ્થાપિત બન્ને ટ્રસ્ટનું કાર્ય ભગવદીય કાર્ય છે. તેમના જેવી મહાન આત્માની નજીક રહીને પણ ઓળખવાનું મુશ્કેલ થતુ હોય છે. તેમની વાણીની સીડી અને પુસ્તકો દીર્ઘ સમય સુધી સમાજનું ભલુ કરતા રહેશે.વલ્લભસેવા ટ્રસ્ટ અને શ્રી ઈન્દિરાબેટીજી માનવ કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી શમાબેન શાહે ટ્રસ્ટની વિવિધ પ્રવૃતિઓ વિશે જણાવ્યું હતું કે આ શ્રાવણી પર્વ દરમિયાન બે ભાગવત ગ્રંથ, આઠ પુસ્તકો અને એક સીડી સહિત કુલ ૨૧ પ્રકાશનો અત્યાર સુધીમાં ટ્રસ્ટ દ્વારા બહાર પડાયા છે. ટ્રસ્ટ તરફથી આ પર્વ દરમ્યાન અમરેલીના ૮૪ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને વ્રજની યાત્રા કરાવાઈ છે.માનવ કલ્યાણના વિવિધ કાર્યક્રમો છેલ્લા થોડા સમય દરમ્યાન હાથ ધરાયા છે. વૃંદાવનમાં ઈન્દિરાબેટીજીના સ્થાન પર ભવિષ્યમાં હોસ્પિટલ અને વિદ્યાર્થીઓ માટે ભાગવત ભવનનું નિર્માણ કરવામાં આવશે. શ્રી ઈન્દિરાબેટીજીના પ્રાગટય દિને યોજાયેલા સમાપન સમારોહમાં શ્રી ઈન્દિરાબેટીજીના વિવિધ પુસ્તકોનું વિમોચન દીદીમાં સાધ્વી ઋતંભરાજી, સંત ચિદાનંદ સરસ્વતી મુનીજી મહારાજ, વૈષ્ણવાચાર્ય શ્રીવ્રજરાજકુમારજી મહોદય અને પ્રિતીરાજાબેટીજી મહોદયા કરતા સર્વે વકતાઓએ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની કામગીરીને બિરદાવી હતી.આ સમારોહમાં દીદીમાં સાધ્વી ઋતંભરાજીએ જીજીના પત્રોનું પુસ્તક ‘પત્રમંજુષા’નું વિમોચન કરતા જણાવ્યું હતું કે ભારતની દિકરીઓ જયારે ઈન્દિરાબેટીજી જેવી બને છે ત્યારે ભારત ધન્ય થઈ જાય છે. સમાપનના દિવસે ૧૧ હજારથી વધુ વૃંદાવનવાસીઓ અને સાધુસંતો ભંડારામાં પધાર્યા હતા. સમારોહનું સંચાલન ગુજરાતના અગ્રણી કવિ મુકેશ જોષીએ કર્યું હતું. ધર્મ અને જીવન સંબંધિત પુસ્તકનું ચીદાનંદ સરસ્વતીજી મુનીજીએ તેમજ વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારીના હસ્તે સાર‚પ સુત્રોનું પુસ્તક ‘ઉદ્ધરણ’નું વિમોચન કરાયું હતું.