વીજ પોલની મદદથી આઠ ફૂટ ઉંચી દિવાલ કુદી બે તસ્કરોએ તિજોરીમાં કર્યો હાથફેરો
વીજ લોડ વધારવા માટે અને રિનોવેશન માટેની રોકડ રકમ તસ્કરો કારખાનામાંથી ઉપાડી ગયા
શહેરમાં પોલીસ દારૂ-જુગાર અને ક્રિકેટનો સટ્ટો પકડવામાં વ્યસ્ત રહેતા તસ્કરોને મોકળુ મેદાન મળી ગયું હોય તેમ સામાંકાઠા વિસ્તારમાં મેહુલનગરમાં સાડીના કારખાનામાંથી રૂા.16 લાખ રોકડા ચોરી ગયાની અને મોટા મવા નજીક સવન સ્ટેટસમાં નામના વકીલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂા.2.75 લાખની મત્તાનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રણછોડનગર શેરી નંબર 29માં રહેતા ભૂપેન્દ્રભાઇ ગણેશભાઇ નાથાણીના દુધની ડેરી રોડ પર આવેલા મેહુલનગરમાં નટરાજ ટેકસટાઇલ નામના સાડીના કારખાનામાંથી રૂા.16 લાખ રોકડા ચોરાયાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ભૂપેન્દ્રભાઇ પટેલના સાડીના કારખાને રિનોવેશન ચાલી રહ્યું છે. અને કારખાને વીજ લોડ વધારવા માટે પેમેન્ટ કરવાનું હોવાથી રૂા.16 લાખ રોકડા પોતાના કારખાનાની ઓફિસમાં તિજોરીમાં રાખ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.થોરાળા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજની મદદથી તપાસ કરતા બે શખ્સો ભૂપેન્દ્રભાઇ પટેલના કારખાનાની બાજુમાં હેમતભાઇનું કારખાનું આવેલું છે તે આઠ ફુટની દિવાલ સિમેન્ટના વીજ પોલની મદદથી દિવાલ કુદી તિજોરીના લોક તોડી રૂા.16 લાખ રોકડા ચોરી ગયાનું બહાર આવતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથધરી છે.
- રાજકોટમાં વકીલના બંધ મકાનમાં રૂ 2.75 લાખની ચોરી
- વડોદરા બીમાર માતાની સારવાર માટે જતા બંધ મકાનમાં તસ્કરોએ કર્યો હાથફેરો
રાજકોટમાં પોલીસના બંદોબસ્ત વચ્ચે પણ તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ વધુ એક ચોરીનો બનાવ પોલીસ ચોપડે પ્રકાશિત થયો છે જેમાં પંચાયત ચોક નજીક આવેલ બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં રહેતા એડવોકેટના બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.2.75 લાખની મતા ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તસ્કરની ઓળખ મેળવી તેની ધરપકડની કાર્યવાહી હાથધરી છે.
આ અંગે બનાવની મળતી માહિતી મુજબ મોટા મૌવા નજીક સવન સ્ટેટ્સમાં રહેતા એડવોકેટ નીશીતભાઈ જગદીશચંદ્ર ત્રિવેદીએ યુનીવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે પંચાયત ચોકમાં ખાતે આવેલ આવાસ હાઉસિંગ સોસાયટીમાં તેમની માતા છાયાબેન ત્રિવેદી( ઉ.65 )રહેતા હોય તેની તબિયત થોડા દિવસોથી સારી ન હોય જેથી વડોદરા ખાતે રહેતા તેના ભાઈ તેજસભાઈ ગત તા.22-4ના રોજ આવ્યા હતા અને માતાને સારવાર માટે વડોદરા ખાતે મકાનને તાળા મારી ગયા બાદ 4-5ના રોજ બપોરે મકાને જતા મકાનનો મુખ્ય દરવાજો બંધ હતો પરંતુ ઘરની અંદરના બારણાનો નકુચો તૂટેલ હોય તપાસ કરતા સામાન વેરવિખેર જોવા મળતા ચોરી થયાની જાણ થતા પોલીસને જાણ કરી હોવાનું જણાવતા યુનીવર્સીટી પોલીસએ દોડી આવી તપાસ કરતા મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ 20 હજારની રોકડ મળી કુલ રૂ.2.75 લાખની ચોરી થઇ હોવાનું બહાર પીએસઆઈ ડી વી બાલાસરાએ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવી તેને ઝડપી લેવા વધુ કાર્યવાહી હાથધરી છે.