વાપી હાઇવે પરથી ૧૬,૮૨૪ બોટલ ભરેલી ટ્રક જપ્ત: મૂળ ઉત્તપ્રદેશના ટ્રકચાલકની ધરપકડ
વાપી હાઈવે પર લોકલ ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે દમણથી અંકલેશ્વર રૂ.૧૬.૧૪ લાખનો દારૃ ભરી જતી ટ્રકને પકડી પાડી ચાલકની ધરપકડ કરી હતી. આરોપીએ દારૃનો જથ્થો અંંકલેશ્વર હાઈવે પર પહોંચ્યા બાદ દમણના શખ્સો ફોનથી દારૃ કયા ઉતારવાનો તે અંગે જાણ કરાશે એવી કબુલાત કરી હતી.
વલસાડ જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ગામિત, પો.કો.મહેન્દ્ર ગઢવી, રીતેષ ચીમન અને ટીમને મળેલી બાતમીના આધારે વાપી હાઈવે પરના જલારામ મંદિર નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન મળેલી બાતમી મુજબની ટ્રક (નં.જીજે-૧૫-ઝેડ-૧૧૩૩)ને અટકાવી હતી. બાદમાં પોલીસે ટ્રકની પાછળ બાંધેલી તાડપત્રી ખોલી તપાસ કરતા દારૃની પેટી ભરેલી મળી આવી હતી.
પોલીસે ટ્રકમાંથી કુલ ૪૧૦ બિયર વ્હીસ્કીની પેટી ઉતારી હાથ ધરેલી ગણતરીના અંતે કુલ રૃ. ૧૬.૧૪ લાખની કિંમતની કુલ ૧૬૮૨૪ નંગ બોટલો તથા ટ્રક મળી કુલ રૃ.૨૨.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ચાલક તેજપ્રતાપસિંગ ચંદારામસિંગ (રહે. ત્રિલોકપુર, યુપી)ની ધરપકડ કરી હતી.
એલસીબીએ આરોપી તથા મુદ્દામાલ વાપી ટાઉન પોલીસને હવાલે કરતા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં દમણના એક શખ્સે ચાલકને અંકલેશ્વર પહોંચી મોબાઈલ નંબર ૯૫૧૨૨૭૮૩૧૨ પર ફોનથી જાણકારી આપવામાં આવશે એમ જણાવ્યું હતું. મોબાઈલ નંબરના આધારે વોન્ટેડ આરોપી સુધી પહોંચવા પોલીસે કવાયત આદરી છે.