રાજકોટને રપ, જૂનાગઢને ૪.૫૦ અને જામનગરને ૩ કરોડ મળશે
ચોમાસામાં ભારે વરસાદને કારણે મહાનગરો અને નગરોમાં થયેલા રસ્તાના રિપેરિંગ તથા રિસરફેસિંગ માટે રાજ્ય સરકારે કુલ રૂ.૧૫૮ કરોડની રકમ છૂટી કરવાનો નિર્ણય કર્યો છે, તેમ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે.
પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યભરમાં રસ્તાઓને ચોમાસામાં સારું એવું નુકસાન થયું છે. આ રસ્તાઓના રિપેરિંગ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વાતચીત કર્યા પછી રકમ છુટી કરી યુદ્ધના ધોરણે કામ શરૂ કરવાનું નક્કી કરાયું છે. આગામી નવરાત્રિથી કામો શરૂ થશે અને દિવાળીના તહેવારો પહેલા કામો પૂરાં કરાશે. એક પ્રશ્નના ઉત્તરમાં પટેલે કહ્યું કે, શહેરી વિસ્તારોમાં રસ્તા રિપેર કરવાની જવાબદારી મહાનગરપાલિકા અને પાલિકાની હોય છે, પરંતુ ભારે વરસાદથી થયેલા નુકસાનને કારણે આ રકમ સરકારે સ્થાનિક સંસ્થાઓને ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ રકમ માત્રને માત્ર માર્ગ મરામત, રિસરફેસિંગ, પેવર અને અન્ય રિપેરિંગ પાછળ જ ખર્ચાશે.
છ મહાપાલિકામાં સૌથી વધુ અમદાવાદને ૭૫ કરોડ, રાજકોટને ૨૫ કરોડ, સુરત અને વડોદરાને ૪ કરોડ, જામનગરને રૂ.૩ કરોડ અને જૂનાગઢને રૂ.૪.૫૦ કરોડની ફાળવણી કરાઇ છે. ધાનેરા, રાધનપુર અ્ને માળીયા મીયાણામાં કોર્પોરેશન માટે રૂ.૭ કરોડ ફાળવ્યા છે. આ ઉપરાંત ૧૬૨ પાલિકાઓને રૂ.૩૫.૫૦ કરોડ ફાળવ્યા છે એ પૈકી અ-વર્ગની ૨૨ પાલિકાને રૂ.૮.૮૦ કરોડ, બ-વર્ગની ૩૪ પાલિકાને રૂ.૧૦.૨૦, ક-વર્ગની ૬૨ પાલિકાને રૂ.૧૨.૪૦ કરોડ અને ડ-વર્ગની ૪૪ પાલિકાને રૂ.૪.૪૦ કરોડ મળશે.
એક પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યું કે, રાજ્યના ૭૭૮૪૬ કિમી લંબાઇના રસ્તામાંથી કુલ ૭૫૦૦ કિમી રસ્તાને નુકસાન થયું છે. આ માટે રૂ.૧૫૦૦ કરોડના ખર્ચે રિસરફેસિંગ કરાશે. નેશનલ હાઇવેને થયેલા નુકસાન અંગે કેન્દ્ર ટૂંકમાં કામ શરૂ કરશે.