એપ્રીલ માસ પુરો થવા છતાં ડાયરીનું વિતરણ ન કરાતા વિપક્ષી નેતા લાલઘુમ
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ટેબલ અને પોકેટ ડાયરી બનાવવા માટે સ્પોન્સર શોધવામાં આવે છે. જયારે મહાપાલિકા દર વર્ષે ડાયરી બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. એપ્રીલ માસ પુરો થવા છતાં ડાયરીનું વિતરણ કરવામાં ન આવતા વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠિયાએ અનેક સવાલો ઉભા કર્યા છે.
તેઓએ જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા ૧લી એપ્રીલથી ૩૧મી માર્ચ સુધીની વિગતો લખવા માટે ટેબલ ડાયરી બનાવવામાં આવે છે. આવી ૫૭૦૦ નંગ ડાયરીઓ છપાવવામાં આવે છે. જેનો ખર્ચ આશરે રૂ.૨૦૦ જેવો થવા પામે છે. જયારે નાની પોકેટ ડાયરી ૨૩૦૦ નંગ જેટલી છપાવવામાં આવે છે જેનો ખર્ચ ૪૨ રૂ. પ્રતિ નંગ જેવો થવા પામે છે. ટેબલ અને પોકેટ ડાયરી બનાવવા માટે દર વર્ષે ૧૩ થી લઈ ૧૫ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવે છે. તેની સામે જયાં કોંગ્રેસનું શાસન છે.
તે જિલ્લા પંચાયત દ્વારા સ્પોન્સરને શોધી ડાયરીઓ બનાવવામાં આવે છે. ગત વર્ષે એપ્રીલ માસથી શરૂ થતાં નાણાકીય વર્ષની ડાયરી છેક જુન મહિનાના અંતમાં મળી હતી. આ વર્ષે પણ ટેબલ અને પોકેટ ડાયરી એપ્રીલ માસ વિતવા છતાં એક પણ નગરસેવક કે શહેરીજનને મળી નથી. આ માટે તંત્ર આચારસંહિતા અમલમાં હોવાનું બહાનું આપી રહ્યું છે જો દૈનિક નોંધ અને હિસાબ લખવા માટે જ ડાયરી બનાવવામાં આવતી હોય અને તે નાણાકીય વર્ષ શરૂ થયાનાં મહિનાઓ પછી વિતરણ કરવામાં આવતી હોય તો ખર્ચ ખરેખર પાણીમાં જઈ રહ્યો છે.