ઘર કામ કરવા આવતી મહિલાએ ચોરી કર્યાની શંકા સાથે અટકાયત
શહેરના પોશ ગણાતા એવા સેકટર-૩માં આવેલા એક મકાનમાંથી રોકડા રૂ.૪૦,૦૦૦ તથા રૂ.૧૫,૧૯,૫૦૦ના સોના-ચાંદીના દાગીના એમ કુલ રૂ.૧૫,૫૯,૫૦૦ની મતાની ચોરી થતા ભારે ચકચાર પ્રસરી હતી. પચરંગી એવા આ શહેરના પોશ ગણાતા સેકટર-૩માં આવેલા પ્લોટ નંબર ૧૨૯માં ચોરીનો આ બનાવ બન્યો હતો. પોલીસના સતાવાર સાધનોએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ મકાનમાં રહેતા ભગવાન ખાનજી અયાચી અને પરીવાર બહાર ગામ ગયો હતો. દરમ્યાન ઘરની ચાવી ઘરકામ કરતા ગોવરીબેન માનારામ ચૌધરીને આપતા ગયા હતા. તેવામાં ગત તા.૨૬/૧૦ના રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં ચોરીનો આ બનાવ બન્યો હતો. આ મકાનમાં આવેલી તિજોરીમાંથી સોના અને ચાંદીના જુદા-જુદા દાગીના તથા રોકડા રૂ.૪૦,૦૦૦ એમ કુલ રૂ.૧૫,૫૯,૫૦૦ની મતાની ચોરી થઈ હતી. પોલીસે ઉમેર્યું હતું કે, આ મકાનમાં છેલ્લા ત્રણેક વર્ષથી ઘરકામ કરનારા ગોવરીબેનનું નામ શકદાર તરીકે ફરિયાદમાં દર્શાવાર્યું છે. આ મહિલાને રાઉન્ડઅપ કરીને આગળની તપાસ પોલીસે હાથધરી છે. પોશ વિસ્તારમાં લાખોની ચોરીના બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી.