વડોદરાના ઠગે મોરેસીયસ નૃત્યના કાર્યક્રમમાં લઈ જવાના બહાને કરી છેતરપિંડી: એક વર્ષ બાદ પોલીસમાં નોંધાતો ગુનો

શહેરમાં પરસાણાનગર વિસ્તારમાં રહેતા અને નૃત્ય સંચાલકના ૧૭ વિદ્યાર્થીઓ અને ૭ વાલીઓને મોરેસીયસ ખાતે ૨૦૧૮માં યોજવામાં આવેલા યોગા ડેના દિવસે આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવાનું કહી વડોદરાના શખ્સે રૂ.૧૪,૬૭,૦૦૦ ઉઘરાવી લીધા બાદ મોરેસીયસ ન લઈ જઈ રકમ પણ પરત ન કરતા પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં વડોદરાના શખ્સ વિરુઘ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં જામનગર રોડ પર પરસાણાનગરમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં ૪૦૨ ફલેટમાં રહેતા અને ત્યાં જ નર્તન ઈન્સ્ટીટયુટ ઓફ કલાસીકલ ડાંસ નામે સતર વર્ષથી કલાસ ચલાવતા નૃતક શિક્ષક જીજ્ઞેશ રમેશભાઈ સુરાણી (ઉ.વ.૩૫) નોંધાયેલી ફરિયાદ મુજબ વડોદરામાં રહેતા કનુ બાલુભાઈ પટેલ નામના શખ્સે મોરેસીયસમાં યોગા ડે ૨૦૧૮ નિમિતે યોજાતા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેવાનું કહી રૂ.૧૪,૬૭,૦૦૦ની ઠગાઈ કર્યાનું જણાવ્યું હતું.

ફરિયાદી જીજ્ઞેશભાઈ સુરાણીના જણાવ્યા મુજબ પોરબંદરના નિલેષભાઈ ઈજનેરની પુત્રીને નૃત્ય શીખવાડવા જતા ત્યારે તેમના પત્નિએ વડોદરાના કનુ પટેલને મારા મોબાઈલ નંબર આપ્યા હતા. ત્યારબાદ કનુ પટેલે મોરેસીયસ વિશે વિગત આપી વિદ્યાર્થી અને વાલીઓને મોરેસીયસ લઈ જવા અંગે મનાવી તમામ ભાગ લેનાર છાત્રોને આંતરરાષ્ટ્રીય સર્ટીફીકેટ તથા ઈનામો આપવાનું કહ્યું હતું. સાથે કાર્યક્રમ બાદ ડિપોઝીટ મારફત લીધેલી વિદ્યાર્થીઓની ફી પણ આપવામાં આવશે. જયારે વાલીઓની ફી રાખી લેવામાં આવશે. જેના ભાગરૂપે વડોદરાના કનુભાઈ પટેલે મોરેસિયસનું આમંત્રણ કાર્ડ મોકલી વાલીઓને એગ્રીમેન્ટ બતાવી વિશ્ર્વાસમાં લીધા બાદ વિદ્યાર્થીઓ પેટે રૂ.૩૬૦૦૦ અને વાલીઓના માટે રૂ.૪૫૦૦૦ ફી નકકી કરી હતી. સાથે જો કાર્યક્રમ રદ થાય તો ૬ થી ૭ અઠવાડિયામાં ફી પણ પરત આપવાનું એગ્રીમેન્ટમાં જણાવ્યું હતું.

વડોદરાના શખ્સ કનુ પટેલે પોતે ડાન્સર અને પ્રોડયુસરનો આધાર પુરાવો રજુ કરી ૨૦૧૮ના મે માસમાં વિદ્યાર્થીઓની પ્રેકટીસ યુનિવર્સિટી રોડ પર મેન્ટલ રિટાયર્ડ હોલ ખાતે જોવા આવ્યો હતો. ત્યારબાદ ૩૨ વિદ્યાર્થીઓના છાત્ર દીઠ રૂ.૩૬ હજાર અને ૭ વાલીઓના એક વાલી દીઠ રૂ.૪૫ હજારના ચેકો મળી કુલ રૂ.૧૪,૬૭,૦૦૦ બેંક મારફત જમા કરાવીને કનુ પટેલે એક પછી એક ઉઘાડવાનું શરૂ કર્યું હતું. બાદમાં વડોદરાથી કોઈ પ્રત્યુતર ન આવતા મોરેસીયસ કાર્યક્રમમાં જવાનું રદ કરી ચુકવેલી રકમ પરત માંગતા કનુ પટેલે બધાને પૈસા મળી જશે પણ તમારી મોરેસીયસની ટીકીટો બુક થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ કનુ પટેલે ગોળ-ગોળ વાર્તા કરતા વિદ્યાર્થીઓ તથા વાલીઓને મોરેસીયસ જવાનું રદ કર્યું હતું પરંતુ એપ્રીલ-૨૦૧૮માં મોરેસીયસ લઈ જવાનું નકકી કર્યું હોવા છતાં આજ સુધી ન તો વિદ્યાર્થીઓ કે વાલીઓની ટિકીટ આવી હતી કે ન તો રકમ પરત ચુકવી હતી ત્યારે એક વર્ષ જેટલા સમયગાળા બાદ પણ રૂ.૧૪.૬૭ લાખ રકમ પરત ન આપતા નર્તન કલાસીસના સંચાલક જીજ્ઞેશ સુરાણીએ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં કનુ પટેલ વિરુઘ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે જીજ્ઞેશભાઈ સુરાણીની ફરિયાદ પરથી કનુ પટેલ વિરુઘ્ધ ઠગાઈનો ગુનો નોંધી પીએસઆઈ આર.એન.હાથલીયા સહિતના સ્ટાફે વધુ તપાસ હાથધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.