મકાન માલિકનું મોત થતા પરિવારજનો અંતિમ વિધીમાં વ્યસ્ત હોવાથી બંધ રહેલા મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો
આર્યનગરમાં મકાન માલિકના મોતના કારણે પરિવારજનો અંતિમ વિધી માટે બીજા ઘરે જતા બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ.૧૩ લાખની મત્તાનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આર્યનગર મેઇન રોડ પર બે દિવસથી બંધ રહેલા મકાનના મુખ્ય દરવાજાના તાળા-નકુચા તોડી તસ્કરોએ તિજોરીમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના ઘરેણા ચોરી ગયાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આર્યનગરમાં રહેતા અને બંગડી બનાવવાનું કારખાનું ધરાવતા ભરતભાઇ ચંદુભાઇ પડીયા ગત તા.૧૪મીએ પોતાના ઘરે સીડી પરથી પડી જતાં ગંભીર રીતે ઘવાતા તેમનું મોત નીપજ્યું હતું. ભરતભાઇ પડીયાની આંતિમ વિધી સહિતની ધાર્મિક વિધી સંત કબીર રોડ પર રાખી હોવાથી આર્યનગર ખાતેનું મકાન ગત તા.૧૪મીથી બંધ હતું.
તા.૧૫મીએ રાતે તસ્કરોએ તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.૧૩ લાખની મત્તાનો હાથફેરો કરી ગયા બાદ તા.૧૬મીએ સવારે મૃતક ભરતભાઇ પડીયાના પુત્ર હર્ષ પોતાના ઘરે કપડા લેવા આવ્યો ત્યારે મકાનમાં માલ-સામાન વેર વિખેર પડયો હોવાથી પોતાના પરિવારને ચોરી થયાની જાણ કરતા પરિવારજનો આર્યનગરમાં દોડી આવ્યા હતા અને બી ડિવિઝન પોલીસને જાણ કરતા પી.આઇ. પરમાર, પી.એસ.આઇ. સી. બી. જેબલીયા, હેડ કોન્સ્ટેબલ મનોજ, સુધાબેન, વિરમભાઇ ધગલ અને રાઇટર વિજયગીરી ગૌસ્વામી સહિતના સ્ટાફે ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
પોલીસે આર્યનગર વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવતા બાઇક પર બે શખ્સો ચોરી કરવા આવ્યાનું જોવા મળ્યું હતું. તસ્કરો રૂ.૬.૫૦ લાખ સોનાના ઘરેણા અને રૂ.૨.૫૦ લાખની કિંમતના ચાંદીના ઘરેણા તેમજ પાંચેક લાખની રોકડ તસ્કરો ઉઠાવી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.