ઉપલેટામાં પીવાના પાણી માટે છ આર.ઓ. પ્લાન્ટ નંખાશે: મોરબીમાં રિવરફ્રન્ટ ડેવલપ કરાશે: દ્વારકા નગરમાં સીસીટીવીની કામગીરી 100 ટકા પૂર્ણ કરાશે
માનવી ત્યાં સુવિધા અને નાગરિકોને ઉત્તમ સુખ-સગવડો ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના નગરો-શહેરોમાં અનેકવિધ વિકાસકાર્યો પ્રગતિમાં છે. જે અન્વયે રાજકોટ ઝોનની 30 નગરપાલિકાઓમાં અમૃત-2 યોજના અંતર્ગત રૂ.1150 કરોડના કામોને મંજૂરી અપાઈ છે.
રાજકોટ ઝોનની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસે જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારોના વિકાસ માટે અમૃત-1 (અટલ મિશન ફોર રી-જુવીનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન) યોજના અંતર્ગત ઝોનની પાલિકાઓમાં 14 પ્રોજેક્ટ પૂર્ણ થવા આવ્યા છે. જ્યારે અમૃત-2 યોજના અંતર્ગત રૂપિયા 1150 કરોડના ખર્ચે 119 પ્રોજેક્ટસ્ મંજૂર કરાયા છે. અમૃત-2 યોજના અંતર્ગત 16 પ્રોજેક્ટના કામો શરૂ થઈ ગયા છે. જ્યારે સાત પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. 77 પ્રોજેક્ટના ડી.પી.આર. મંજૂરીના તબક્કે છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ઝોનની આઠ નગરપાલિકાઓમાં સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે 12 પાલિકામાં આ કામ પ્રગતિમાં છે. જ્યારે અન્ય 10 પાલિકામાં આ કામ ટેન્ડરિંગ હેઠળ છે.
રાજકોટ જિલ્લાની ઉપલેટા નગરપાલિકાના પછાત વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવા છ જગ્યાએ આર.ઓ. પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત રૂ. 36 લાખના ખર્ચે પાંચથી છ હજારની વસતીને પીવાનું શુધ્ધ પાણી મળી શકશે. ઝોનની મોટાભાગની પાલિકાઓમાં જાહેર વીજબત્તીઓ માટે સોલારપેનલ લગાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. સુપ્રસિદ્ધ તીર્થધામ દ્વારકા ખાતે હંમેશા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. જેમની સુરક્ષા અર્થે દ્વારકા નગરપાલિકામાં 100 ટકા સી.સી.ટી.વી કેમેરા અને તમામ વિસ્તારોમાં પબ્લિક એડ્રેસ સીસ્ટમ કાર્યાન્વિત કરાઇ છે.
જેને લીધે તહેવારો-ઉત્સવ કે અન્ય આપત્તિના સમયે ટ્રાફિક કંટ્રોલ તેમજ અન્ય માહિતી લોકો સુધી પહોંચાડવી ખૂબ સરળ બને છે. દ્વારકા ખાતે સી-ફ્રન્ટ ડેવલપમેન્ટ અને દરિયાના પાણીમાં ગરક થઈ જતા ભડકેશ્વર મહાદેવના મંદિર સુધી જવાનો કાયમી રસ્તો બનાવાયો છે. ખાણી-પીણીવાળા વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે દરિયાકિનારે દુકાનો બનાવાઈ છે. તથા દ્વારકાને પિકનિક સ્પોટ તરીકે ડેવલપ કરાઈ રહ્યું છે.
મોરબી પાલિકામાં મચ્છુ નદી ખાતે રૂ.35 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ડેવલપ કરવાની દરખાસ્ત સરકારમાં કરી દેવામાં આવી છે. મોરબી-કેનાલ રોડ અને ખુલ્લી જગ્યામાં સોલાર ફાર્મ બનાવવાનું પણ આયોજન છે.જેતપુર પાલિકામાં 75 હજાર લીગસી વેસ્ટમાંથી 42 હજાર ટન વેસ્ટનું રેમિડેશન કરીને 5600 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. 200 ટન પ્લાસ્ટિક વેસ્ટમાંથી 76 હજાર પેવર બ્લોક બનાવવામાં આવ્યા છે. ઉપરાંત પ્લાસ્ટિક વેસ્ટ રીસાઇકલ કરીને 250 જેટલી બેસવાની બેન્ચો બનાવવામાં આવી છે. અંજાર પાલિકામાં વેલસ્પન કંપની સાથે મળીને પી.પી.પી.ના ધોરણે વેસ્ટ વોટરને ટ્રીટ કરીને રિ-યૂઝ કરવા માટેનો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે.