સોમવારથી શરૂ થશે કામગીરી: રાજ્ય સરકાર કુલ રૂ ૬૬૬ કરોડની સહાય કરશે

રાજ્યમાં વધતા કોરોના પોઝિટીવ કેસ વચ્ચે રૂપાણી સરકારે ગરીબો માટે મહત્વની જાહેરાત કરી હતી. સીએમઓના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્ધારા રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યુરીટી બિલ અંતર્ગત ૬૬ લાખ પરિવારોને સોમવારથી તેમના એકાઉન્ટમાં ૧૦૦૦ હજાર રુપિયા જમા કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે, એપ્રિલ મહિના માટે વધુ એક હજાર રૂપિયાની સહાયતા પણ રાજ્ય સરકાર આપશે. આ સહાયની રકમ તમામ લાભાર્થી કુટુંબના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ સહાયના કારણે રાજ્ય સરકાર ઉપર ૬૬૬ કરોડનું ભારણ પડશે. મહત્વની વાત એ છે કે ૬૬ લાખ શ્રમજીવી અને ગરીબ પરિવારોના એકાઉન્ટમાં ડાયરેક્ટ એક હજાર રૂપિયા જમા કરવામાં આવશે. આ માટે કોઇ પણ લાભાર્થીએ અરજી કરવાની રહેશે નહીં એવુ અશ્વિની કુમારે જણાવ્યું હતું. તે સિવાય તેમણે કહ્યુ કે, રાજ્યના ૬૦ લાખ લાભાર્થીઓ જે એનએફએસએમાં સમાવિષ્ટ નથી તેમને અત્યાર સુધી ૪૫ લાખ જેટલા કુટુંબો સુધી રાશનનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.