મોડીરાત્રીના બનેલી ઘટનામાં તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ: પોલીસે ડોગસ્કવોર્ડ અને એફ.એસ.એલ. અધિકારીને સાથે રાખી તપાસ હાથ ધરી
શહેરમાં પોલીસના નાઈટ પેટ્રોલીંગની પોલ ખોલતા તસ્કરોએ ઠંડીના ચમકારાનો લાભ ઉઠાવી મોડીરાત્રીનાં સુમસાન બનેલા વિસ્તારોમાં પરોણા કરી ચોરી કર્યાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. શહેરનાં એ.ડીવીઝન પોલીસની હદમાં આવેલા ધર્મેન્દ્ર રોડ પર આવેલા ડ્રેસ વાલા કપડાના શો રૂમને તસ્કરોએ નિશાન બનાવી વેપારના રૂા.૧૦ લાખની રોકડ તથા કપડા ઉઠાવી જતા સનસની મચી જવા પામી છે.
આ અંગેની વિગત મુજબ શહેરનાં હર્દસમા ધર્મેન્દ્ર રોડ પર આવેલા ડ્રેસવાલા કપડાના શો રૂમમાં ગત રાત્રીના ઠંડીના ચમકારાનો લાભ ઉઠાવી બે તસ્કરો શો રૂમમાં ત્રાટકયા હતા શો રૂમના આગળના મેઈન દરવાજાને કોઈપણ નુકશાન કર્યા વગર તસ્ક્રો પાછળ નવા બંધાતા બિલ્ડીંગના ત્રીજા માળેથી શો રૂમના પાછળના ભાગથી પ્રવેશ કરી શો રૂમમાં આવેલી કપડા હેરફેર કરવાની લીફટના રસ્તેથી શો રૂમમાં પ્રવેશ કર્યો હોવાની પોલીસને શંકા પડી હતી તસ્કરોએ શો રૂમના બે ખાનામા રાખેલા વેપારના રોકડા રૂા. ૧૦ લાખની મતાની ચોરી કરી ગયા હતા અને ઉપરા બીજા માળે ચોકકસ સાઈઝના કપડા પણ ચોરી કરી ગયા હતા મોડીરાત્રીનાં બનેલી આ ઘટના શો રૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી બંને તસ્કરો ચોરીને અંજામ આપ્યા બાદ ઉપર ત્રીજા માળેથી દરવાજો ખોલી પાછળ આવેલા એક નળીયાવાળા મકાનમાં કુદકો મારી શો રૂમના પાછળના ભાગેથી નાસી ગયા હોવાની પોલીસને શંકા પડી છે.
ધર્મેન્દ્ર રોડ પર જાણીતા ડ્રેસવાલા કપડાનો શો રૂમમાં ચોરી થયાના સમાચાર ફેલાઈ જતા વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.
આ અંગે એ. ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઈ ડોડીયા, એ.એસ.આઈ. ભરતસિંહ, ધર્મેન્દ્ર ખેર કોન્સ્ટેબલ રવિભાઈ વાઘેલા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી વધુમાં જાણવા મળ્યું હતુ કે ડ્રેસવાલા શો રૂમના માલીક અને કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ સામે સુષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતા હરીશભાઈ ઉનડકટ હાલ ગઈ તા.૮-૧૨ના રોજ વિદેશ ફરવા ગયા હોય જેથી શો રૂમની દેખરેખ તેના નાનાભાઈ કેતનભાઈ ઉનડકટ સંભાળતા હોય તે દરમ્યાન શો રૂમમાં ચોરીનો બનાવ બનતા પોલીસે તજવીજ હાથ ધરી છે.
દિવસ દરમિયાન તસ્ક્રોએ રેકી કરી રાત્રે ખાતર પાડયું
ધર્મેન્દ્ર રોડ પર આવેલા ડ્રેસવાલા કપડાના શો રૂમમાં ગઈરાત્રીનાં બે અજાણ્યા તસ્કરો શો રૂમમાં પાછળના ભાગેથી પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલા રૂા.૧૦ લાખ રોકડા તથા કપડાની ચોરી કરી ગયાની ઘટનામાં પોલીસને શંકા પડી હતી કે તસ્કરો દિવસના સમય ગાળા દરમ્યાન શો રૂમમાં આવી કપડા ખરીદ કરવાના બહાને શો રૂમની રેકી કરી ગયા હોવાની શંકાના આધારે પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરૂ મેળવવા તજવીજ હાથ ધરી છે.
શો રૂમમાંથી રૂા.૧૦ લાખની ચોરી પ્રકરણમાં જાણભેદુ હોવાની શંકા
ડ્રેસવાલા શો રૂમમાં ગઈકાલે મોડી રાત્રીનાં તસ્ક્રોએ ખાતર પાડી રૂા.૧૦ લાખની મતાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસને જાણભેદુ સખસો હોવાની પણ શંકા પડી હતી શો રૂમના માલીક હરીશભાઈ ઉનડકટ ગઈ તા.૮.૧૨ના ઓસ્ટ્રેલીયા ફરવા ગયા હોય હાલ તેના નાનાભાઈ શો રૂમનું કામકાજ સંભાળતા હોય તે દરમ્યાન ચોરીનો બનાવ બનતા આ પ્રકરણમાં શો રૂમના કોઈ જાણભેદુ શખસો હોવાની પણ પોલીસને શંકા જતા પોલીસે શો રૂમના સ્ટાફની પણ ઉલટ તપાસ હાથ ધરી છે.