ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાની આગેવાનીમાં અસહ્ય ટોલ ટેકસ લડત સમિતિનું આવેદન: પ્રશ્ર્નનો નિકાલ કરવા 15 દિવસનું અલ્ટીમેટમ
ઉપલેટા તાલુકા પાસે આવેલ ડુમીયાણી ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા પરથી પસાર થતાં તમામ લોકલ વાહન ધારકો પાસેથી અસહ્યા ટોલ ટેક્સ વસુલવામાં આવે છે . લોકલ વાહન ધારકોને રીટર્ન આવવાનો પણ ચાર્જ ચુકવવો પડે છે . જે ખુબ જ અસહ્ય અને અન્યાયકર્તા છે. બીજે લોકલ વાહનનો ચાર્જ માત્ર 10 છે અહી રૂ.110 ઉઘરાવવામાં આવે છે તેવા આક્ષેપ સાથે કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતુ.
આવેદનમાં જણાવયુંં હતુ કે રાજકોટ જિલ્લામાં ઉપલેટાથી રાજકોટ જવામાં ત્રણ ટોલ બુથ આવેલ છે . અને ઉપલેટાથી રાજકોટ જવાનું અંતર અંદાજે 105 કિ.મી. જેટલું થાય છે . જેમાં સૌથી વધુ ટોલ ટેક્સ ડુમીયાણી ટોલ બુથ ઉપર ઉઘરાવવામાં આવે છે . આ ટોલ બુથ ઉપલેટા શહેરથી માત્ર 0.5 કિ.મી.નાં અંતરે આવેલ છે . ડુમીયાણી ટોલ પ્લાઝા મારફત ઉપલેટાનાં આ નાગરિકો ખેડુતો , વેપારીઓ , નોકરીયાતોને માત્ર થોડા કિ.મી. જ જવા – આવવા માટે આટલો મોટો ટોલ ટેક્સ ભરવો પડે છે . રાજકોટ જિલ્લાનાં ટોલ પ્લાઝાની વાત કરવામાં આવે તો જેતપુર તાલુકાનાં પિઠડીયા પાસે આવેલ ટોલ પ્લાઝા પર લોકલ વાહનધારકો પાસેથી માત્ર ટોકન દરે ટોલ વસુલાય છે . તેમજ ગોંડલ પાસે આવેલ ભરૂડી ટોલ પ્લાઝા પાસે આવેલ લોકલ વાહનધારકોને પણ મામૂલી ટોલ ચાર્જમાં
આવવા જવા દેવામાં આવે છે . આમ આ બધા જ ટોલ પ્લાઝા એક જ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાની સત્તામાં હોય આમ છતાં ઉપલેટા પાસેનો આ ટોલ પ્લાઝાનો ટોલ ખૂબ જ ઉંચો રાખવામાં આવેલ છે .
આ અંગે અગાઉ અનેક વખત લોકોએ ચૂંટી કાઢેલા જનપ્રતિનિધિઓ તેમજ સરકારને રજુઆતો કરવા છતાં તેઓએ આ અંગે યોગ્ય ધ્યાન આપેલ નથી કે તેઓ આ અંગે કશું કરવા માંગતાં નથી ,
તેવું લોકોને લાગે છે . કારણ કે લોકોએ તેઓ મારફત આ અંગે અનેક વખત રજુઆતો કરી છે છતાં નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા કે તંત્ર દ્વારા ઉપરોક્ત પ્રશ્નનું નિરાકરણ આજ દિન સુધી થયેલ નથી .
જેથી આ પ્રશ્નને ધ્યાને લઇ દિવસ -15 માં આ અસહ્ય ટોલ ટેક્સ રદ્દ કરી તમામ લોકલ વાહન ધારકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં નહી આવે તો આ વિસ્તારની જનતાને નાછુટકે નાઇલાજે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ શહેર બંધ રાખવાની ફરજ પડશે .
આ આવેદન વેળાએ ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયા તેમજ આગેવાનો પીયુષ માકડીયા, મયુર સુવા, રસીક ચાવડા, જેન્તીભાઈ ગજેરા પરસોતમ બોરડ, વિનોદ ચંદ્રવાડીયા અને દિનેશ વીરડા જોડાયા હતા.