રેલવે કર્મચારી સુતા રહ્યા અને તસ્કરો હાથ ફેરો કરી ગયા
શહેરના રેલવે કોલોનીમાં રહેતા રેલવેના કર્મચારી રાત્રીનાં અરસામાં પોતાના ઘેર સૂતા હતા ત્યારે ખૂલ્લા દરવાજાનો લાભ લઈ કોઈ અજાણ્યા ઈસમો ત્રાટકયા હતા. તિજોરીમાં રાખેલ સોનાનું મંગળસુત્ર, વીટી ચેન વગેરે મળી રૂ. ૧.૬૭ લાખની માલમતાનો સફાયો કરી તસ્કરો પલાયન થઈ જતા કાયદાના રક્ષકોમા દોડધામ મચી ગઈ હતી.
ગાંધીધામ એ ડીવીઝન પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ રાત્રીનાં બે વાગ્યાથી સવારના ૬ વાગ્યા દરમિયાન માત્ર ચાર કલાકમાં આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. શહેરના રેલવે કોલોનીમા રહેતા અને રેલવેના ક્ધટ્રોલરૂમમાં ફરજ બજાવતા આનંદ મોહન ઠાકુર રાત્રીનાં ઘેર સુતા હતા. તેવામાં કોઈ અજાણ્યા ઈસમો તેમના મકાનમાં ત્રાટકયા હતા. તસ્કરોએ રેલવે કર્મચારીના મકાનમાં પાછળના ખૂલ્લા દરવાજેથી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરમા રાખેલા કબાટમાંથી સોનાનું મંગળસૂત્ર, વીટી, ચેન વગેરે મળી કુલે રૂ.૧૬૭૦૦૦ની મતાનો હાથ ફેરો કરી નિશાચરો પલાયન થઈ ગયા હતા. ચોરીની ઘટના બાદ સવારના રેલવે કર્મચારીને જાણ થતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે અંગે પીએસઆઈ આર.ડી. જાડેજા એ ડોગ સ્કવોર્ડ એફએસએલ સહિતની મદદ વડે તપાસ હાથ ધરી છે. તો વળી શકમંદોની પૂછતાછ પણ શરૂ કરી છે.