ધર્મસ્થાનકના રજત જયંતિ ઉપલક્ષે તપ, જપ તથા ગાદીપતિ ગ્રંથ અર્પણવિધિ જેવા અનેક ધર્મભીના કાર્યક્રમો ઉજવાયા
અનશન આરાધિકા પૂ.બા.સ્વામીની સ્મૃતિ ઉપલક્ષ પૂ.ભાગ્યવંતાજી મહાસતીજી ટ્રસ્ટ નિર્મિત પચીસમા તિર્થંકર સમા રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ તથા ગોંડલ રોડ વેસ્ટ જૈન સંઘ બંને સંઘોનો રજત જયંતિ મહોત્સવનું આયોજન ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મ.સા.એવમ રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.આદી તથા રાજકોટ બિરાજીત પૂ.મહાસતીજીઓની નિશ્રામાં ભવ્ય આયોજન રાખવામાં આવેલ હતું. આ ધર્મસ્થાનકના રજત જયંતિ ઉપલક્ષે, તપ, જપ તથા સ્વામીવાત્સલ્ય સહિત અનેક ધર્મભીના કાર્યક્રમો રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ-સી.એમ.પૌષધશાળાના આંગણે ઉજવવામાં આવ્યા હતા. કાર્યક્રમની મંગલ શરૂઆત શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે આગમભાવ યાત્રા એવમ ગાદીપતી ગ્રંથની ભાવયાત્રાથી કરવામાં આવેલ હતી. બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો આ આગમનયાત્રામાં જોડાઈ શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે પધારેલ હતા, જેના વધામણા કરવામાં આવેલ હતા.
જે ઉપાશ્રયમાં ગુરુવર્યોના માર્ગદર્શન હેઠળ-અનશન આરાધિકા પૂ.લીલમબાઈ મહાસતીજીના સંપાદનથી ૩૨ આગમનું ભવ્ય સંકલન રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘથી થયું તેમજ ગોંડલ રોડ વેસ્ટ સંઘ ખાતે વર્ષોથી બહોળા પ્રમાણમાં મેડિકલ સાધનોની સહાય ભવ્ય રીતે સતત ચાલુ છે તેવા સૌરાષ્ટ્રના શિરમોર સમા બંને જાજરમાન સંઘના ૨૫-૨૫ વર્ષ એટલે કે રજત જયંતિ અવસર કાર્યક્રમમાં રાજકોટમાં બિરાજમાન સર્વે પૂ.સંત-સતીજીઓ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપી એવમ શુભેચ્છા અર્પણ કરી હતી. ગુજરાત રાજયના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બન્ને ઉપાશ્રયના ૨૫ વર્ષ નિમિતે જૈન શ્રાવક તરીકે ખાસ શુભેચ્છાપત્ર દ્વારા પાઠવેલ હતી. તેમજ ગાદીપતિના ગ્રંથ અર્પણવિધિની અનુમોદના કરેલ હતી. સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠે તેમજ કિરીટભાઈ શેઠે ૨૫ વર્ષની સંઘની સેવા, વૈયાવચ્ચ, ધાર્મિક પ્રવૃતિઓ વિગેરેનો અહેવાલ આપેલ હતો.
આ પ્રસંગે ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મ.સા. રજત જયંતિ સબબ અભિનંદન પાઠવેલ હતા. રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.એ રજત જયંતી અવસરે જણાવેલ હતું કે, રોયલપાર્ક મોટા સંઘ તપસમ્રાટનું ધર્મસ્થાનક છે જયાં તેમના વાઈબ્રેસનથી અમોને ઘણા આશીર્વાદ મળ્યા છે અને તેમની કૃપાથી રાજકોટની સાત-સાત માસની ચાતુર્માસ સહિતની સફરને ચાર ચાંદ લાગ્યા છે. સાઘ્વીરત્ના પૂ.ઉર્મિલાબાઈ મહાસતીજી, સાઘ્વીરત્ના પૂ.સંગીતાબાઈ મહાસતીજી, સાઘ્વીરત્ના પૂ.હસ્મિતાબાઈ મહાસતીજીએ બન્ને સંઘોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ ગોંડલ ગચ્છ શિરોમણી પૂ.જશરાજજી મ.સા., પરમશ્રદ્ધેય પૂ.ધીરજમુનિ મ.સા., શાસ્ત્રદિવાકર પૂ.મનોહરમુનિ મ.સા, સાહિત્યપ્રેમી પૂ.દેવેન્દ્રમુનિ મ.સા.તથા યુવા સંત પારસમુનિ મ.સા.વિગેરેએ શુભેચ્છા મોકલેલ હતી.
આ અવસરે ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મ.સા. તાજેતરમાં રાજકોટના આંગણે બે-બે ભવ્યાતિભવ્ય દીક્ષા થઈ તેના દીક્ષા દાતા રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.એવમ રાજકોટમાં બિરાજીત સર્વે પૂ.સંત-સતિજીઓ ખાસ ઉપસ્થિત રહીને આશીર્વચન-આશીર્વાદ પાઠવ્યા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના સંઘોની ઉપસ્થિતિમાં ભવ્ય અને અનોખી રીતે જૈન દર્શનના આ કાર્યક્રમની ઉજવણી રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ-સી.એમ.પૌષધશાળા-ઓમાનવાળા ઉપાશ્રયના આંગણે કરવામાં આવેલ હતી. આ બન્ને ઉપાશ્રયના રજત જયંતિના પ્રસંગે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી રોયલપાર્ક ઉપાશ્રયના લુક એન લર્નના બાળકો તેમજ રોયલપાર્ક તથા ગોંડલ રોડ વેસ્ટના બન્ને મહિલા મંડળના બહેનો દ્વારા વિશિષ્ટ નાટિકા સાથે નુતન અભિગમનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ૨૫ વર્ષના ઈતિહાસની સ્મૃતિનું આલેખન થયું હતું.
તેમજ રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ-સી.એમ.પૌષધશાળા તથા ગોંડલ રોડ વેસ્ટ સ્થા.જૈન સંઘના રજત જયંતિ મહોત્સવમાં ચંદ્રકાંતભાઈ શેઠ, કિરીટભાઈ શેઠ, મેહુલભાઈ રવાણી, નવીનભાઈ ઝાટકીયા, અશોકભાઈ મોદી, કિર્તીભાઈ શેઠ, દિવ્યેશભાઈ મહેતા, હેમલભાઈ મહેતા વિગેરે ટ્રસ્ટીઓ તથા બન્ને સંઘના મહિલા મંડળના બહેનો ઉપસ્થિત રહી સેવા ફાળવેલ હતી. શિરિષભાઈ બાટવીયા, પ્રવિણભાઈ કોઠારી, મનોજભાઈ ડેલીવાળા, અલ્પેશભાઈ મોદી, બાટવીયાભાઈ, સુશીલભાઈ ગોડા, પ્રતાપભાઈ વોરા, પરેશભાઈ જૈન ચાલ, ભાવેશભાઈ શેઠ, વી.ટી.તુરખીયા, નટુભાઈ શેઠ, જગદીશભાઈ શેઠ, જીતુભાઈ બેનાણી, મધુભાઈ ખંધાર, મેહુલભાઈ રવાણી, કિરીટભાઈ દોશી, કે.પી.શાહ, માવાણીભાઈ, ધીરુભાઈ વોરા, નંદનભાઈ, નિલેશભાઈ, પારેખભાઈ સહિત અનેક સંઘના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલા હતા. રોયલપાર્ક યુવા મંડળ-પ્રોગ્રેસીવ ગ્રુપ-ગોંડલ રોડ વેસ્ટ સંઘના યુવા મંડળના ભાઈઓ તથા બન્ને સંઘના મહિલા મંડળો સક્રિય રહેલા હતા. તેમજ સુરેશભાઈ કામદાર, ડોલરભાઈ કોઠારી તથા ઈશ્વરભાઈ દોશીએ શુભેચ્છા પાઠવી હતી.
શેઠ ઉપાશ્રય જૈન સંઘમાં ત્રણ-ત્રણ વર્ષથી બિરાજમાન ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ.ગિરીશમુનિ મહારાજ સાહેબના જીવનની સ્મૃતિગ્રંથની અર્પણવિધિ પૂ.સંત-સતીજીઓને કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂ.ગુરુભગવંતો તથા પૂ.મહાસતીજીઓએ આર્શીવચન આપેલા હતા.