રાજસ્થાન સામેના મેચમાં મેકસવેલની ઇનિંગે બેંગ્લોરને જીત અપાવી
આઈપીએલ ૨૦૨૧ની ૪૩ મી મેચ દુબઇ ના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પર રમાઇ હતી. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આ મેચ બેંગ્લોરે જીતી લીધી છે. બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. આમ રાજસ્થાન રોયલ્સ બેટીંગ કરવા માટે મેદાને ઉતરતા જ આક્રમક રમત અપનાવી હતી. ૨૦ ઓવરના અંતે ૯ વિકેટ ગુમાવીને ૧૪૯ રન કર્યા હતા. જવાબમાં બેંગ્લોરે ૧૮ મી ઓવરમાં જીત મેળવી લીધી હતી.
વિરાટ કોહલીને દેવદત્ત પડિક્કલે રાજસ્થાનના પડકારને પહોંચી વળવા માટે તોફાની શરુઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ સારી શરુઆત અપાવી હતી. જોકે તે બંને ઓપનીંગ જોડી પેવેલિયન પરત ફરતા થોડોક સમય સ્કોર બોર્ડ ધીમુ પડ્યુ હતુ. ૪૮ રનના આરસીબીના સ્કોર પર પડિક્કલના રુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેણે ૧૭ બોલમાં ૨૨ રન કર્યા હતા. આ દરમ્યાન તેણે ૪ ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલી ત્યાર બાદ ૫૨ રનના ટીમ સ્કોર પર આઉટ થયો હતો.
કોહલીએ ૨૦ બોલમાં ૨૫ રન કરીને રન આઉટ થતા વિકેટ ગુમાવી હતી. કોહલીએ ઇનીંગમાં ૪ ચોગ્ગા લગાવ્યા હતા. જેમાંથી ૩ ચોગ્ગા પ્રથમ ઓવરમાં જ ફટકાર્યા હતા. ત્યાર બાદ ટીમને શિખર ભરત અને ગ્લેન મેક્સવેલે સંભાળી હતી. ભરતે ૩૫ બોલમાં ૪૪ રન કર્યા હતા. આ દરમ્યાન ૧ છગ્ગો અને ૩ ચોગ્ગા લગાવ્યા હતા. મેક્સવેલે ૩૦ બોલમાં અર્ધશતક લગાવ્યુ હતુ.
આઈપીએલ ફેઝ-૨માં બુધવારે દુબઈ ખાતે રોયલ ચેલેન્જર બેંગલોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં બેંગ્લોરનો ફાસ્ટ બોલર હર્ષલ પટેલ છેલ્લી ઓવરમાં હેટ્રિક લેતાં તો ચૂક્યો, પરંતુ તેણે કુલ ૩ વિકેટ લીધી હતી. હર્ષલે છેલ્લી ઓવરના બીજા તથા ત્રીજા બોલ પર બેક ટુ બેક રિયાન પરાગ અને ક્રિસ મોરિસને પેવેલિયન ભેગા કર્યા હતા. જોકે ત્યારપછી કાર્તિક ત્યાગીએ પટેલના હેટ્રિક બોલ પર ૧ રન લઈ તેની આ સીઝનની બીજી હેટ્રિક લેવાના સપના પર પાણી ફેરવી દીધું હતું. ૨૦મી ઓવરના છેલ્લા બોલ પર હર્ષલ પટેલે ચેતન સાકરિયાને આઉટ કર્યો હતો.