આઈપીએલની ૧૩મી સિઝનની ૧૦ મેચોમાં ૨ સુપર ઓવર રમાણી
આઇપીએલ એ ભારતમાં તહેવારની જેમ ઉજવાતો ખેલ બની ગયો છે. આઈપીએલની ૧૩મી સિઝન કોરોનાની મહામારીને કારણે દુબઈમાં રમાઈ રહી છે. ત્યારે આ સિઝનની દરેક મેચ રોમાંચક રહી છે. અત્યાર સુધીની ૧૦ મેચમાં ૨ સુપર ઓવર રમાઈ ચુકી છે. ૧૦મી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આખી મેચ રોમાંચક રહી હતી. મેચના છેલ્લા બોલ સુધી કટોકટી રહી હતી. બંને પક્ષોએ પોતાનો બેસ્ટ આપ્યો હતો. મેચમાં ઉતાર ચડાવ પણ રહ્યા હતાં એક સમયે મુંબઈને ૧૮૦એ પહોંચવુ મુશ્કેલ રહ્યું હતું. ત્યારે ૨૦૧નો ટાર્ગેટ પર પહોંચી મેચને સુપર ઓવર સુધી લઈ ગયા હતાં.
આઈપીએલની ૧૩મી સીઝનની ૧૦મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઇન્ડિયન્સને સુપર ઓવરમાં હરાવ્યું હતું. આઈપીએલના ઇતિહાસમાં પહેલીવાર ૨૦૦થી વધુ રન બનાવ્યા છતાં મેચમાં ટાઇ થઈ હતી. મેચમાં બેંગલોરે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં મુંબઈને ૨૦૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેની સામે મુંબઈ ૫ વિકેટે ૨૦૧ રન કર્યા હતા. ત્યારે મેચ સુપર ઓવરમાં ગઇ હતી. મુંબઈએ સુપર ઓવરમાં બેંગલોરને ૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સે સફળતાપૂર્વક ચેઝ કર્યો.
મુંબઈએ રનચેઝ દરમિયાન છેલ્લી ૫ ઓવરમાં ૮૯ રન બનાવ્યા, જે એક રેકોર્ડ છે. આ પહેલાં ગઈ મેચમાં જ રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબ સામે ૮૬ રન કર્યા હતા. આઇપીએલ સીઝન ૧૩ની બીજી મેચમાં ટાઇ પડી અને સુપર ઓવર દ્વારા પરિણામ આવ્યું હોય એવુ બન્યું. આ પહેલાં કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચનું રિઝલ્ટ પણ સુપર ઓવર દ્વારા આવ્યું હતું. એમાં દિલ્હીએ જીત મેળવી હતી. મુંબઈને અંતિમ ૪ ઓવરમાં ૮૦ રનની જરૂર હતી, ત્યાંથી ઈશાન કિશન અને કાયરન પોલાર્ડની જોડીએ ૭૯ રન ફટકારીને મેચ ટાઈ કરાવી. અંતિમ બોલમાં ૫ રનની જરૂર હતી અને પોલાર્ડ ઇસુરુની બોલિંગમાં ફોર મારી હતી.
કવિન્ટન ડી કોક યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર નેગીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૧૫ બોલમાં ૧૪ રન કર્યા હતા. આઇપીએલમાં ચહલનો ડી કોક સામે હાથ ઉપર રહ્યો છે. રોહિત શર્મા ૮ રને વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર સબ્સ્ટિટયૂટ પવન નેગીના હાથે કેચ આઉટ થયો હતો. એ પછી સૂર્યકુમાર યાદવ શૂન્ય રને ઇસુરુ ઉદાનાની બોલિંગમાં કીપર ડીવિલિયર્સના હાથે કેચ આઉટ થયો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઇપીએલની ૧૩માં સીઝનની ૧૦મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને ૨૦૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું. કોહલીની ટીમે ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૦૧ રન કર્યા હતા. એબી ડીવિલિયર્સે ૨૪ બોલમાં ૫૫ રન કર્યા, જ્યારે દેવદત્ત પડિક્કલે ૫૪ અને આરોન ફિન્ચે ૫૨ રનનો ફાળો આપ્યો હતો. શિવમ દુબેએ પણ ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપતાં ૧૦ બોલમાં ૩૭ રન કર્યા હતા. બેંગ્લોરએ અંતિમ ૭ ઓવરમાં ૧૦૫ રન માર્યા હતા. મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટે ૨ અને રાહુલ ચહરે ૧ વિકેટ લીધી હતી. ડીવિલિયર્સે મુંબઈ સામે સતત ત્રીજી મેચમાં ફિફટી મારી છે. આ પહેલાં તેણે ગઈ સીઝનમાં મુંબઈ સામે ૭૫ અને અણનમ ૭૦ રન કર્યા હતા. ઓપનર દેવદત્ત પડિક્કલે એન્કર ઇનિંગ્સ રમતાં ત્રીજી મેચમાં બીજી ફિફટી મારી હતી. તેણે ૪૦ બોલમાં ૫ ફોર અને ૨ સિક્સ મારી ૫૪ રન કર્યા હતા.
આરોન ફિન્ચે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે પોતાના ઈંઙક કરિયરની ૧૪મી અને બેંગલોર માટે પહેલી ફિફટી ફટકારતાં ૩૫ બોલમાં ૭ ફોર અને ૧ સિક્સની મદદથી ૫૨ રન કર્યા હતા. તે ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં લોન્ગ-ઓફ પર કાયરન પોલાર્ડના હાથે કેચ આઉટ થયો હતો. ફિન્ચ ૯ રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે રોહિતે શોર્ટ-મિડવિકેટ પર તેનો કેચ છોડ્યો હતો.