Abtak Media Google News
  • આઠ તબક્કામાં થાય છે ડીએનએની કામગીરી
  • અગ્નિકાંડના હતભાગીઓના શરીરમાં લોહીનું એક ટીપું ન હોય બોન્સ લેવામાં આવે છે
  • ડીએનએના સેમ્પલ તત્કાલ ગાંધીનગર પહોંચાડવા એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાવતા મુખ્યમંત્રી

રાજકોટ બનેલી દુર્ઘટના બાદ હાલમાં એફ.એસ.એલ દ્વારા મૃતકોના ડીએનએ કલેક્ટ અને મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એફ.એસ.એલ ખાતે પહોંચી આ કામગીરીની સમીક્ષા કરી હતી અને મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે 18થી વધુ સભ્યોની એફ.એસ.એલ ટીમ દિવસ-રાત કામગીરી કરી રહી હોવાની વિગતો આપી હતી.

ડીએનએ કલેક્ટ કરવાથી લઇ તેનો ફાઈનલ રીપોર્ટ તૈયાર કરવા સુધીની તમામ કામગીરીની વિગતવાર માહિતી આપતા મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, મૃતદેહમાંથી ડીએનએના સેમ્પલ લેવા માટે બ્લડની જરૂર હોય છે, રાજકોટની ઘટનામાં બ્લડ ન હોવાથી મૃતકોના બોન્સને તાત્કાલિક ગાંધીનગર એફ.એસ.એલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. મોટરમાર્ગે સમય ના બગડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલીક એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.

ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તાકીદે એફ.એસ.એલની ટીમે કામગીરી શરૂ કરી દીધી છે. સૌપ્રથમ આવેલા ડીએનએ સેમ્પલમાં બ્લડ અને મૃતકના પોસ્ટ્મોર્ટમ દરમિયાન લેવાયેલા નમૂના હતાં. ડીએનએ સેમ્પલથી ફાઈનલ રીપોર્ટ સુધી કુલ આઠ તબક્કામાં આ કામગીરી કરવાની હોય છે. જે દરેક તબક્કામાં નમુનાના પ્રકારના આધારે પરીક્ષણનો સમયગાળો નક્કી કરાતો હોય છે.

મંત્રીએ સમગ્ર પ્રક્રિયા વર્ણવતા કહ્યું હતું કે, પ્રથમ તબક્કામાં કેસને પરીક્ષણ માટે નમૂનાઓના એનાલીસીસ માટે ખોલવા માટેની કેસ ઓપનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય લાગે છે. દ્વિતીય તબક્કામાં નમૂનાઓમાંથી ડીએનએ એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે, જેમાં પણ અંદાજીત છ થી સાત કલાક સમય જાય છે. ત્રીજા તબક્કામાં ડીએનએની ક્વોન્ટીટી અને ક્વોલીટી ચેક કરવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણ થી ચાર કલાક સમય લાગે છે.

ત્યારબાદ ચોથા તબક્કા હેઠળ ડીએનએ નમૂનાઓનું પી.સી.આર એટલે કે, ડીએનએ સંવર્ધનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં આશરે ત્રણ થી ચાર કલાક સમય લાગે છે. પાંચમા તબક્કામાં ડીએનએ પ્રોફાઈલીંગ કરવામાં આવે છે, જે અંદાજે આઠ થી નવ કલાક સમય લે છે. છઠ્ઠા તબક્કા હેઠળ મેળવેલ ડીએનએ પ્રોફાઈલનું એનાલીસીસ કરવામાં આવે છે, જેમાં બે થી ત્રણ કલાક સમય લાગે છે.

આ ઉપરાંત સાતમાં તબક્કામાં એનાલીસીસ થયેલા નમૂનાઓનું ઈન્ટરપ્રીટેશન કરવામાં આવે છે. જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય લાગે છે તેમજ અંતિમ અને આઠમાં તબક્કા હેઠળ ડીએનએ રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે. જેમાં અંદાજીત ત્રણ થી પાંચ કલાક સમય લાગે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.