પ્રથમ રાઉન્ડમાં ૮ ટીમો વચ્ચે ટકી રહેવા ટકકર: નોકઆઉટ ટુર્નામેન્ટમાં રાઉન્ડ બાદ ૧૧મીએ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યોજાશે

ખેલમહાકુંભ હોકી ઓપન એજ ટુર્નામેન્ટ ૨૦૧૭નો પ્રારંભ થઈ ચૂકયો છે. કુલ ૨૬ ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ છે. જેમાંથી હાલ ૮ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે.નોક આઉટ રાઉન્ડ બાદ ૧૧મી નવેમ્બરનાં ચેમ્પીયનશીપ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યોજાવાની છે. આ ટુર્નામેન્ટ યોજવાનો મુખ્ય હેતુ એ છે કે પ્લેયરને સારૂ પ્લેટફોર્મ મળે અને ભારત તથા વિશ્ર્વ લેવલે ભારતનું નામ રોશન કરે તે છે તેવું હોકી કોચ અલ્કેશ પટેલએ જણાવ્યું હતુ.વધુમાં અમદાવાદ ટીમના માઈકલ પોલએ જણાવ્યું હતુ કે હું છેલ્લા વીસ વર્ષથી હોકી રમુ છું અને આગળ પણ રમતો રહીશ. અમારા પ્રયત્નો હંમેશા એજ રહેશે કે યુવા પેઢી આ ખેલમાં આગળ આવે અને હોકી રમી ભારતનું નામ રોશન કરે ખાસ સરકાર દ્વારા પ્લેયરો માટે આટલી સરસ કામગીરી કરવામાં આવે છે. તે સરહાનીય છે. પરંતુ અમદાવાદમાં પણ આટલુ સરસ હોકી ગ્રાઉન્ડ મળે તેવી અમારી ઈચ્છા છે.સીનીયર હોકી પ્લેયર ભુપેન્દ્ર ઠાકરે જણાવ્યું હતુકે ૧૯૭૮ થી હોકી રમી રહ્યો છું અને સરકાર દ્વારા હોકીને પ્રાધાન્ય આપવામાં આવે છે તે ખૂબ જ સરસ વાત છે. સરકાર રાજકોટના ગ્રાઉન્ડ જેવું જ ગ્રાઉન્ડ અમદાવાદમાં પણ બનાવે તેવી અમારી અપેક્ષા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.