શહેરી વિકાસ વિભાગ દ્વારા આજે સાંજે અથવા કાલ સુધીમાં રોટેશનનું ગેઝેટ પ્રસિધ્ધ કરાય તેવી સંભાવના
રાજ્યની રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અને ભાવનગર એમ કુલ ૬ મહાનગરપાલિકાઓ માટે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. જ્યારે ગઈકાલે ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૫૫ નગરપાલિકા માટે ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી માટેનું જાહેરનામુ પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે. મેયર, પાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અધ્યક્ષની નિમણૂંક માટેનું રોટેશન રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લી બે ટર્મથી મેયર પદ માટે સ્ત્રી-પુરૂષ સામાન્ય અનામત હોય આ વખતે મેયર પદ એસસી કેટેગરીના મહિલા ઉમેદવાર માટે અનામત જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલે રોટેશનનું ગેઝેટ પ્રસિધ્ધ કરી દેવામાં આવશે.
સામાન્ય રીતે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તારીખની જાહેરાત કરાતાની સાથે જ શહેરી વિકાસ વિભાગ માટે મેયર, પાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અધ્યક્ષ માટે અઢી-અઢી વર્ષની ટર્મ માટેની રોટેશનનું ગેજેટ પ્રસિધ્ધ કરી દેવામાં આવતું હોય છે. ગત ૨૩મી જાન્યુઆરીના રોજ ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તારીખોનું એલાન કરાયા બાદ એક પખવાડિયુ વિતવા છતાં હજુ સુધી શહેરી વિકાસ વિભાગ માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું નથી. રાજકોટ મહાનગરપાલિકા માટે છેલ્લા ૧૦ વર્ષથી મેયર પદ નિયમ મુજબ પ્રથમ અઢી વર્ષ, સામાન્ય કેટેગરીના પુરૂષ ઉમેદવાર માટે અને બીજા અઢી વર્ષ સામાન્ય કેટેગરીની મહિલા માટેનું રાખવામાં આવે છે. મેયર પદ માટે અનામત ન હોય આ વખતે અનામતનું રોટેશન આવે તેવું લાગી રહ્યું છે. જેમાં પ્રથમ વર્ષની અઢી વર્ષની ટર્મ મેયર પદ માટે એસસી કેટેગરીના મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. જો કે રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ ગત ટર્મમાં અઢી-અઢી વર્ષની ટર્મ સામાન્ય હોય આ વખતે તેમાં પણ અનામત આવે તેવી સંભાવના જણાય રહી છે.
રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકા ઉપરાંત ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૫૫ નગરપાલિકા માટે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલ સવારના મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખની અઢી-અઢી વર્ષની બે ટર્મ માટેનું રોટેશન જાહેર કરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજ્કીય પક્ષો રોટેશનનો ઈંતેજાર કરી રહ્યાં છે. જો રાજકોટમાં પ્રથમ અઢી વર્ષની મેયરની ટર્મ એસસી કેટેગરીના મહિલા ઉમેદવાર અનામત રાખવામાં આવશે અને જો ભાજપને બહુમતિ મળશે તો રાજકોટના નવા મેયર પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા બને તેવી સંભાવના હાલ ચર્ચાઈ રહી છે.