મુળ મુંબઈના એવા રોટરી ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડો.ભરત પંડ્યાના હસ્તે એક કરોડથી વધુના ખર્ચે વસાવાયેલા અદ્યતન લેબોરેટરી મશીનોનું ઉદ્ઘાટન
જેમ જેમ માણસની રહેણી-કહેણી, ખાન-પાન બદલાઈ રહ્યા છે તેમ તેમ નવી બીમારીઓ પણ માથું ઉંચકી રહી હોય આ બીમારીઓની સારવાર માટે રાજકોટમાં હોસ્પિટલો દ્વારા અદ્યતન મશીનો વસાવાઈ રહ્યા છે ત્યારે દર્દીઓની પડખે રહેવા માટે હંમેશા તત્પર એવી રોટરી લલિતાલય હોસ્પિટલ (6, ગીત ગુર્જરી સોસાયટી, પેટ્રિયા સ્યુટ હોટલની સામે, એરપોર્ટ રોડ-રાજકોટ)માં વિવિધ પ્રકારના આધુનિક મશીનોનો શનિવારથી દર્દીઓના લાભાર્થે ઉપયોગ શરૂ કરવામાં આવશે. હવે રોટરી લલિતાલય હોસ્પિટલમાં ઝેરી કમળો, એઈડ્સ, જડબાના રોગો સહિતના તમામ દર્દની સારવાર ઉપલબ્ધ બનશે. શનિવારે ખાસ મુંબઈથી નવીનતમ મશીનનું ઉદ્ઘાટન કરવા માટે રોટરી ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડો.ભરત પંડ્યા રાજકોટ આવી રહ્યા છે અને તેમના હસ્તે એક કરોડથી વધુની કિંમતે વસાવવામાં આવેલા આ મશીનો દર્દીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે.
રોટરી લલિતાલય હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે રોટરી ફાઉન્ડેશન દ્વારા રોટરી ક્લબ ઑફ રાજકોટ મીડટાઉનને લલિતાલય હોસ્પિટલમાં દર્દીઓને રાહત મળી રહે તે માટે નવીનતમ મશીનો વસાવવા માટે એક કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને આ ગ્રાન્ટ વડે હોસ્પિટલ માટે મશીનની ખરીદી કરી લેવામાં આવી છે. અત્યાર સુધી લલિતાલય હોસ્પિટલમાં ડાયાબિટીસની સંપૂર્ણ સારવાર, આંખ, દાંતની સારવાર, દાંતની સર્જરી, ફૂટ ક્લિનિક, ડાયેટિશિયન ચાર્ટ, કાર્ડિયાક કેર, એક્સ-રે ક્લિનિક, મેડિકલ સ્ટોર, ફૂલટાઉન પેથોલોજીસ્ટ સાથે સંપૂર્ણ સુવિધાયુક્ત પેથોલોજી લેબ, ફૂલટાઈમ ડાયાબિટોલોજીસ્ટ સહિતની સેવા ઉપલબ્ધ હતી.
જ્યારે હવે નવી ગ્રાન્ટની રકમથી હોસ્પિટલમાં ડાયાબિટીક રેટિના (આંખ વિભાગ) માટે અદ્યતન ઓપ્થેલ્મિક ગ્રીન લેસર સિસ્ટમ, પેથોલોજી વિભાગ માટે ફુલ્લી ઓટોમેટિક બાયોકેમીસ્ટ્રી અને હેમેટોલોજી વિશ્લેષક-સિમેન્સ ડાયમેન્શન કરી આપતું ઈએક્સએલ-200 મશીન, પુરુષોમાં આવી ગયેલી નપુસંકતા, મહિલાઓને પેડુના ભાગમાં થતો દુ:ખાવો, જ્ઞાનતંતુની તકલીફ ઉપરાંત ડાયાબીટીસને કારણે પગમાં થઈ ગયેલા ગેંગરીનની તકલીફના નિદાન માટે ઈડી-1000 મશીન વસાવવામાં આવ્યું છે. આ મશીનનો ઉપયોગ સૌરાષ્ટ્રમાં પહેલીવાર લલિતાલય હોસ્પિટલમાં કરવામાં આવશે.