રોપ-વે સંચાલકો દ્વારા તગડા ભાડા વસૂલવા છતાં પુરતી સગવડો ન આપતા હોવાની સતત બૂમ ઉઠી રહી છે
અપર સ્ટેશનમાં પ્રવાસી-યાત્રાળુઓ માટે સામાન્ય બેંક, ટોયલેટ કે પીવાના પાણીની પણ વ્યવસ્થા ન થતા ભારે રોષ
જૂનાગઢ અંબાજીના મંદિરે લાખો લોકો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે એક બાજુ ગીરનાર પર્વત પર રોપ-વે શરૂ થયા બાદ ઉષા બ્રેકો કંપની દ્વારા અપર સ્ટેશને સંપૂર્ણ વ્યવસ્થા કરવા માટેની મોટી જાહેરાત કરવામા આવી હતી પરંતુ રોપ-વે શરૂ થયાના દોઢ માસ થઈ ગયા છતાં રોપ-વે કંપનીએ વચનપૂર્ણ ન કરતા અંબાજીનાં યાત્રાળુઓની ઉડન ખટોલામાં જ નપીચકારીથ મારવા જેવા હાલ બની ગયા છે. કેમકે પ્રવાસી-યાત્રાળુઓ અપેર સ્ટેશન પહોચે ત્યા એક પણ પ્રકારની જરૂરીયાતની વ્યવસ્થા ન હોવાને કારણે પ્રવાસીઓ પરેશાન થયા છે. એક બાજુ રોપ-વેમાં તોતીંગ ભાડા વસુલવામાં આવે છે. અત્યાર સુધી લગભગ દોઢ લાખથી વધુ પ્રવાસીઓ રોપ-વેનો લાભ લઈ ચૂકયા છે. પરંતુ ઉપર જઈને બેસવા માટેનીએક સામાન્ય બેંચ, ટોયલેટ કે પીવાના પાણીની વ્યવસ્થા ન થતા પ્રવાસીઓ ભારે અગવડતા ભોગવી રહ્યા છે. એક તરફ જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર રોપવે શરૂ થયા બાદ સરકાર અને ઉષા બ્રેકો કંપની દ્વારા અપર સ્ટેશને સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે તેવી કરાયેલ જાહેરાત બાદ એક પણ સુવિધાઓ ઊભી ના કરાતા પ્રવાસીઓને અપાયેલી મધલાળ અને તોતિંગ ભાડા બાદ પ્રવાસીઓમાંથી મંદિરને સરકાર હસ્તક લેવામાં આવે અને સરકાર દ્વારા સંપૂર્ણ સગવડ ઊભી કરવામાં આવે તેવી ઉઠેલી માંગ બાદ ગઈકાલે અંબાજી મંદિરના મહંત દ્વારા અંબાજી મંદિર સરકાર હસ્તગત કરે તે સાથે સહમત ન હોવાનું જણાવી, અંબાજી ઉપર પાણી, સૌચાલય અને પીવાના પાણીની જે વ્યવસ્થા કરવી જોઈ તેવી કરવામાં આવી નથી તેનો સ્વીકાર કરી, સરકારે સંપૂર્ણ વ્યવસ્થા કરવી જોઈએ તેમ જણાવી સરકાર દ્વારા કામ ન થતાં હોવાનો વસવસો પણ વ્યક્ત કર્યો છે.
જુનાગઢ ગિરનાર રોપ-વે શરૂ થયા પહેલા સરકાર અને ઉષા બ્રકો કંપની દ્વારા અપર સ્ટેશન એટલે કે અંબાજી મંદિર ખાતે પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થાની મધલાડ આપવામાં આવી હતી અને અંબાજી ટોચ ઉપર યાત્રિકોને બેસવા માટે ની સંપૂર્ણ સુવિધાજનક વ્યવસ્થા સાથે પીવાના પાણી, ટોયલેટ, ઉભા કરવામાં આવશે તેવા ગપગોળા મૂકવામાં આવ્યા હતા પરંતુ રોપવે કંપનીને માત્ર કમાઈ લેવાની જ ગણતરી હોય અને સરકાર દ્વારા પ્રવાસીઓ માટે કોઈ પણ વ્યવસ્થા કરવામાં ન આવી હોવા છતાં રોપ-વે શરૂ કરવામાં ઉતાવળ હોય તેમ રોપ-વે શરૂ કરી દેવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં તગડા ભાંડા ચૂકવી લગભગ દોઢ લાખથી વધુ પ્રવાસીઓ તેનો લાભ લઈ ચૂક્યા છે પરંતુ ઉપર જઈને બેસવા માટેની એક સામાન્ય બેન્ચ, ટોયલેટ કે પીવાના પાણીની પણ તંત્ર કે કંપની દ્વારા વ્યવસ્થા કરવામાં આવી નથી. કંપની દ્વારા ઉભા કરવા જોઈતા એવા ટોયલેટની પણ વ્યવસ્થા કરવામાં ન આવતા પ્રવાસીઓ ભારે અગવડ ભોગવી રહ્યા છે અને મહિલાઓ શ્રોભજનક સ્થિતિમાં મુકાઇ રહી છે. આવી જ પરિસ્થિતિ પીવાના પાણીની છે અહીં કંપની દ્વારા પીવાના પાણીની કોઇ વ્યવસ્થા કરવામાં ન આવતા અંબાજી ટોચ ઉપર જતાં પ્રવાસીઓને વહેચાતું પાણી લેવાની ફરજ પડે છે, ત્યારે અકળાઈ ઉઠેલા પ્રવાસીઓ દ્વારા જેમ સોમનાથ સહિતના અનેક મંદિરો સરકાર હસ્તક કરવામાં આવ્યા છે, અને ત્યાં સંપૂર્ણ વ્યવસ્થા પ્રવાસીઓને જરૂરિયાત મુજબ ધ્યાને લઈને ઉભી કરવામાં આવી છે તેવી વ્યવસ્થા ઊભી થાય તે માટે સરકાર દ્વારા મંદિર હસ્તગત કરવામાં આવે તેવી પ્રવાસીઓમાં માંગ ઉઠવા પામી હતી.
જે અનુસંધાને ગઈકાલે અંબાજી મંદિરના મહંત મોટા પીર બાવા મનસુખગીરી બાપુ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ એ જણાવ્યું હતું કે, અંબાજી ટોચ પર રોપવે બન્યા બાદ પીવાના પાણી અને પ્રવાસીઓને બેસવાની વ્યવસ્થા તંત્રએ કરવાની છે પરંતુ આ કામો હજુ સુધી થયેલ નથી આ માટે અમે રજૂઆતો કરી છે પરંતુ સરકાર દ્વારા આ કામ કરવામાં આવેલ નથી. જો કે, મંદિર દ્વારા જે વ્યવસ્થા છે તે ભાવિકજનોને સમર્પિત છે.
દરમિયાન પત્રકારો દ્વારા આ બાબતે પ્રશ્નોની ઝડી વરસી હતી અને લાખો લોકો જ્યારે અંબાજી મંદિરના દર્શને આવ્યા છે અને આટલી અગવડતા ભોગવી છે, તથા હાલમાં કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે છતાં ટૂંકી જગ્યામાં લાખો પ્રવાસીઓ દર્શનાર્થે આવી રહ્યા છે, ત્યારે શ્રદ્ધાળુ અને ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે મંદિર, ટ્રસ્ટ દ્વારા શું ચિંતા વ્યક્ત કરવામાં આવી ? તે સહિતના અનેક ગંભીર પ્રશ્નો પત્રકારો દ્વારા લોકોની ચિંતા સાથે ઉઠવા પામ્યા હતા. જોકે અંબાજી મંદિરના મહંત દ્વારા આ બાબતે હવે તેઓ સરકારમાં રજૂઆત કરશે અને જો સરકાર દ્વારા ગિરનાર ટોચ ઉપર મંદિરના ટ્રસ્ટને જમીન ફાળવવામાં આવશે તો મંદિર દ્વારા આવી સુવિધા ઉભી કરવામાં આવશે તથા હવે અમે આ બાબતે રજૂઆતો કરીશું તેવું જણાવ્યું હતું.
રોપ-વેનો પ્રારંભ થયો ત્યારથી દોઢ લાખ શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરના દર્શનાર્થે આવ્યા
સરકાર હસ્તકના જૂનાગઢ સક્કરબાગ, ગીર સફારી પાર્ક સહિતના અનેક સ્થળોએ પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે, તો જૂનાગઢ સહિતના અનેક મંદિરોમાં સરકારની ગાઈડલાઈન મુજબ દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે અને પુરતું પાલન પણ કરવામાં આવે છે ત્યારે રોપવે શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ પ્રવાસીઓ અંબાજી મંદિરના દર્શનાર્થે દેશ-વિદેશમાંથી આવી ચૂક્યા છે અને મંદિર તથા આસપાસનો વિસ્તાર સેનીટાઇઝર કરવામાં પણ ક્યાંક ને ક્યાંક કચાસ જોવા મળતી હોવાની, અને રોપવે કંપની દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સહિતની સરકારી ગાઈડ લાઇન તથા જાહેરનામાના ધજાગરા ઉડાડતા હોવાની અનેક ફરિયાદોની સાથે રોપવે સંચાલકો દ્વારા તગડા ભાંડા વસૂલવા છતાં પૂરતી સગવડો ન અપાતી હોવાની બુમ સતત ઉઠી રહી છે અને સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લઇ સત્વરે યોગ્ય કરે તેવી ફરી ફરીને માંગ અહી આવતા પ્રવાસીઓમાંથી ઉઠી રહી છે.