સતત ૧૧ હાર બાદ આખરે પાકિસ્તાન જીત્યું: સંઘર્ષ કરતા ૧૪ રને ઈંગ્લેન્ડ હાર્યું

આઈસીસી વિશ્ર્વકપની છઠ્ઠી મેચમાં ઈંગ્લેન્ડની ટીમને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડયો હતો. ઈંગ્લેન્ડે ટોસ જીતી પાકિસ્તાનને પ્રથમ બેટીંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જે પાકિસ્તાન માટે વરદાન સમાન રહ્યું હતું. પાકિસ્તાને ૫૦ ઓવરમાં ૮ વિકેટનાં નુકસાને વિશાળ ૩૪૮ રનનો ટાર્ગેટ સેટ કરી દીધો હતો. સ્કોરનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ સંઘર્ષનો પરિચય બતાવતા ૩૩૪ રન બનાવી શકયું હતું. વિશ્ર્વકપમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન બે મેચ રમી ચુકયું છે. જેમાંથી બંને ટીમ ૧-૧ મેચ હારી છે. ગઈકાલનાં મેચમાં રૂટ અને બટલરની સદી એળે ગઈ હતી અને સંઘર્ષ કરતા ઈંગ્લેન્ડને ૧૪ રને હારનો સામનો કરવો પડયો હતો.

અગાઉ વેસ્ટ ઈન્ડિઝ વિરુઘ્ધ પહેલી મેચમાં માત્ર ૧૦૫ રન પર ઢેર થઈ ગયેલી પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ સામે એક અલગ જ અંદાજમાં જોવા મળી હતી. પહેલી મેચમાં કારમી હાર મેળવ્યા બાદ પાકિસ્તાનની ટીમનો ચારેય તરફ મજાક ઉડાવવામાં આવી રહ્યો હતો જેને લઈ પાકિસ્તાન આ મેચમાં ગંભીર જોવા મળ્યું હતું જેનું પરીણામ પાકિસ્તાનની ટીમ ૫૦ ઓવરમાં ૮ વિકેટનાં નુકસાને ૩૪૮ રનનો વિશાળ સ્કોર ઉભો કરવામાં સફળ રહ્યું હતું.

પાકિસ્તાનની બેટીંગની વાત કરીએ તો ટીમ તરફથી સૌથી વધુ રન મોહમદ હાફિઝે કર્યા હતા જેને માત્ર ૬૨ બોલમાં ૮ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૮૪ રન બનાવ્યા હતા. આ સિવાય બાબર આઝમે ૬૬ બોલમાં ૬૩ રન તો કેપ્ટન સરફરાઝ અહેમદે ૪૪ બોલમાં ૫૫ રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમનાં બોલર શરૂઆતમાં ઈંગ્લેન્ડનાં બેટસમેનો માટે શરદર્દ સમાન બન્યા હતા પરંતુ જો રૂટ અને બટલર પર પાકિસ્તાનની બોલીંગની ધાર નબળી પડી હતી. મેચમાં ઓલ રાઉન્ડર પ્રદર્શન કરનાર મોહમદ હાફીઝ મેન ઓફ ધ મેચ બન્યો હતો.

ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન જો ‚ટે કર્યા હતા. તેને ટીમને જીત સુધી પહોંચાડતા ૧૦૪ બોલમાં પોતાની સદી પુરી કરી ૧૦૭ રન બનાવ્યા હતા તો બીજીબાજુ બટલરે તોફાની ઈનીંગ રમતા ૭૬ બોલમાં સદી ફટકારી ૧૦૩ રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમને છેલ્લી ૨૦ ઓવરમાં ૧૬૬ રનની જરૂર હતી અને પાકિસ્તાન માટે આ ભાગીદારી માથાનો દુખાવો બની ગઈ હતી. રૂટ ૯૭ બોલનો સામનો કરીને પોતાની કેરિયરને ૧૫મી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. સેન્ચયુરી બાદ તે સાદાબનાં હાથે આઉટ થઈ ગયો હતો. બટલરે મોહમદ આમીરની બોલમાં ચોગ્ગો ફટકારી કેરીયરની ૯મી સદી મારી હતી. સદી ફટકાર્યા બાદ તે પણ આઉટ થઈ ગયો હતો. આ બંને ખેલાડીઓ આઉટ થયા બાદ ઈંગ્લેન્ડની આશા પર પાણી ફેરવાઈ ગયું હતું અને ૧૪ રને ઈંગ્લેન્ડે હારનો સામનો કરવો પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.