અમરેલી, ગીર-સોમનાથ, દીવ અને બોટાદ સહિતના સૌરાષ્ટ્રના અનેક ભાગમાં બુધવારથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી: વાવાઝોડાના પગલે મેઘરાજાની વહેલી પધરામણી
ભીમ અગીયારસનું મુહૂર્ત સાચવવા માટે મેઘરાજાની એન્ટ્રી સૌરાષ્ટ્રમાં થવા જઈ રહી છે. ત્રીજી તારીખથી અમરેલી, ગિર-સોમનાથ, દીવ, બોટાદ સહિતના સૌરાષ્ટ્રના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. અગાઉ એમ્ફાન અને હવે નિસર્ગ ચક્રવાતની અસરના પગલે ભારે વરસાદ થશે તેવી ધારણા છે. અરબી સમુદ્રથી ઉભુ થયેલુ ચક્રવાત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ત્રીજી તારીખે પ્રવેશસે તેવી પણ ભીતિ વ્યકત કરવામાં આવી છે.
ગત વર્ષે સામાન્ય કરતા સારો વરસાદ પડતા ખેડૂતોને ધરપત થઈ હતી. ચાલુ વર્ષે પણ વરસાદ વહેલો થવાના એંધાણ છે. સામાન્ય રીતે ભીમ અગીયારસથી વાવણીની શરૂઆત ખેડૂતો કરતા હોય છે. ચાલુ વર્ષે મેઘરાજાએ ખેડૂતોનું મુહૂર્ત સાચવી લીધુ છે. દક્ષિણ-પૂર્વ નજીક પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો-પ્રેસર સક્રિય થયું છે જે બે દિવસમાં ડિપ્રેશનમાં પરિવર્તીત થશે અને ઉત્તર દિશા તરફ આગળ વધશે. હવામાન વિભાગે ગુજરાત-મહારાષ્ટ્ર્માં ‘પ્રી સાયક્લોનિક એલર્ટ’ જારી કરેલી છે. દક્ષિણપૂર્વ અને તેને સંલગ્ન પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સર્જાયેલું હળવું દબાણ આગામી ૪૮ કલાકમાં ડિપ્રેશમાં ફેરવાઇ શકે છે અને ત્યારબાદના ૪૮ કલાકમાં ‘નિસર્ગ’ ચક્રાવાતમાં ફેરવાય તેવી સંભાવના છે. ગઈકાલે સવારે ૫:૩૦ના હવાનું હળવું દબાણ સર્જાયું હતું. આ સાયક્લોનિક સ્ટ્રોમ બીજી જૂને સવાર સુધીમાં ઉત્તર તરફ વધે અને ત્યારબાદ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફની દિશા સાથે ત્રીજી જૂનની સવારે મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, સાયક્લોનની તીવ્રતામાં વધારો થવાનો અમારો અંદાજ છે. રાજ્ય સરકાર પૂરતી તકેદારી રાખે તે હિતાવહ છે. આ સાયક્લોનની તીવ્રતા કેટલી હશે તે અંગે હાલમાં કંઇ પણ હવે મુશ્કેલ છે. અમદાવાદના હવામાન વિભાગે પણ ગુજરાતના બંદરોમાં ૧ નંબરનું સિગ્નલ લગાવવા માટે સૂચના આપેલી છે. ૪ જૂનના ગુજરાતના સમુદ્રમાં ૯૦થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે માછીમારોને ૩૧ મે સુધીમાં પરત આવી જવા અને ૪ જૂન સુધીમાં દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવેલી છે.
વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ૩ જૂનના પહોંચવાની આગાહી છે. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે થશે. હવામાન વિભાગે આગામી ૪-૫ જૂનના ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલી છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, દક્ષિણપૂર્વ અને તેને સંલગ્ન અરેબિયન સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે.
જે આગામી ૨૪ કલાકમાં પૂર્વ મધ્ય અને તેને સંલગ્ન દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે. આ સ્થિતિને પગલે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સોમવારથી જ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
૪થી તારીખે વલસાડ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, દીવ જ્યારે પાંચમી તારીખે સુરત, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, સાયક્લોનની તીવ્રતામાં વધારો થવાનો અમારો અંદાજ છે. રાજ્ય સરકાર પૂરતી તકેદારી રાખે તે હિતાવહ છે. આ સાયક્લોનની તીવ્રતા કેટલી હશે તે અંગે હાલમાં કંઇ પણ હવે મુશ્કેલ છે. અલબત સૌરાષ્ટ્રમાં વરસાદ આવવાની આશાઓના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. ભીમ અગીયારસનું મુહૂર્ત મેઘરાજા સાચવી લેશે તેવી અપેક્ષાઓ સેવાઇ રહી છે.
વાવણી માટે ભીમ અગિયારસનું શુુકનવંતુ મુહૂર્ત
ખેતી સાથે અનેક માન્યતાઓ અને પરંપરાઓ જોડાયેલી છે. ખાસ કરીને વાવણીની બાબતમાં ભીમ અગીયારસને શુભ માનવામાં આવે છે. ખેડૂતો લાપસીનું આંધણ મૂકી વાવણીનું મુહૂર્ત કરતા હોય છે. ચાલુ વર્ષે મેઘરાજાની સવારી વહેલી આવે તેવી આશાઓ છે. આવતીકાલે ભીમ અગીયારસના દિવસે ખેડૂતો વાવણી કરશે તેવું જાણવા મળે છે. ભીમ અગીયારસના દિવસે વાવણી થાય તો વર્ષ ખેતીકામ માટે સારૂ ગણવામાં આવે છે. વાવણી લાયક વરસાદની પ્રાર્થના સાથે ખેડૂતો વાવણી કરવા તત્પર છે. બીજી તરફ વરસાદ પણ ભીમ અગીયારસનું મુહૂર્ત સાચવશે તેવી આશા છે. અમરેલી, ગિર-સોમનાથ, દીવ સહિતના જિલ્લાઓના ગામડાઓના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.