ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે સૌરાષ્ટ્રમાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વૈશાખી મહિનામાં જ મેઘરાજાએ અષાઢીરૂપ ધારણ કર્યું છે. ત્યારે ગઈકાલે સુરતમાં ચોમાસાના આગમન બાદ હવે વર્ષારાણીનું રૂમઝુમ-રૂમઝુમ ધીમા પગલે સૌરાષ્ટ્રમાં આગમન થવા જઈ રહ્યું છે. આગામી ચાર દિવસ સૌરાષ્ટ્રભરમાં શ્રીકાર વરસાદની સંભાવના છે. જો કે, ગઈકાલથી જ વાવાઝોડાગ્રસ્ત વિસ્તાર અમરેલીમાં મુશળધાર 5 ઈંચ જેટલો વરસાદ ખાબકતા પુરની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે રાજકોટ, સોમનાથ અને ભાવનગર જિલ્લામાં હળવા ઝાપટા જોવા મળ્યા હતા. બફારા અને ઉકળાટને જોતા હજુ આગામી 4 દિવસમાં વધુ વરસાદ ખાબકે તેવી શકયતા છે. અમરેલી જિલ્લાના 5 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો હતો. સાવરકુંડલાના આંબરડી ગામમાં ચોમાસાના પ્રારંભે જ 5 ઈંચ જેટલો વરસાદ પડતા ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે સુરતના ઓલપાડમાં પણ 1॥ થી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 33 તાલુકાઓમાં મેઘમહેર: દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડમાં દોઢથી લઈ 2 ઈંચ સુધી વરસાદ: સાવરકુંડલાના આંબરડીમાં 5 ઈંચ વરસાદથી મુખ્ય બજારોમાં ઘોડાપુરની
સ્થિતિ: સુરજવાડી, હાથસણી ડેમ ઓવરફલો, રાજુલામાં 2, લીલીયામાં 1 અને જાફરાબાદમાં પોણો ઈંચ સુધી વરસાદ: જસદણમાં અડધો ઈંચ, રાજકોટ, ભાવનગરમાં ઝાંપટા પડ્યા
સાવરકુંડલાના દોલીત અને આંબરડી ગામે 2 કલાકમાં જ 4॥ ઈંચ વરસાદ ખાબકતા ગામમાં જળબંબાકાર સર્જાયો હતો. વરસાદી પાણી ગામમાં ઘુસ્યા હતા, નદીઓમાં ઘોડાપુર આવતા પુરના પાણીમાં મોટરસાયકલ, ગાયો અને ટ્રેકટર પણ તણાયા હતા. જો કે આ તમામને રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યા હતા, પાણી હાલ ઓસરી ગયા છે અને ગ્રામજનોએ રાહતનો શ્ર્વાસ લીધો છે જો કે સૌરાષ્ટ્રમાં પણ હવે દક્ષિણ ગુજરાતની જેમ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની હોય તેમ આગામી ચાર દિવસ મુશળધાર વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે.
બીજીબાજુ રાજુલામાં 2 ઈંચ, લીલીયામાં 1 ઈંચ, જાફરાબાદમાં પોણો, સાવરકુંડળામાં ॥ ઈંચ વરસાદ પડ્યાનું જાણવા મળ્યું છે. પ્રથમ વરસાદમાં જ રાજુલાના 2 ડેમ ઓવરફલો થયા હતા અને વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. રાજકોટની વાત કરીએ તો દિવસભર અસહ્ય ઉકળાટ બાદ સાંજે છુટાછવાયા ઝાપટા પડ્યા હતા અને લોધીકામાં ॥ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના ગોંડલ રોડ, યાજ્ઞીક રોડ, સદરબજાર, મવડી વિસ્તારમાં ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જસદણમાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમરેલી પંથકમાં પ્રથમ વરસાદમાં જ સાવરકુંડલાના નાની ધારી, ગઢીયા, ગીર વિસ્તાર, ઈંગરોળા, હાથસણીમાં સારો વરસાદ હોવાથી હાથસણી ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છેે. ડેમ ઓવરફલો થતાં પાણી સેલનદીમાં છોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુરજવળી ડેમ પણ ઓવરફલો થયો હતો.
રાજકોટમાં ગાર્ડન સેનેટાઇઝ કર્યા બાદ તાળા ખોલવાનું ભૂલાઇ ગયું !!
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી. સાવરકુંડલાના આંબરડીમાં 5 ઈંચ, અમરેલીના રાજુલામાં 2 ઈંચ, સુરતના ઓલપાડમાં દોઢ ઈંચ, અમરેલીના ખાંભામાં 1 ઈંચ, અમરેલીના લીલીયામાં 1 ઈંચ, વલસાડના વાપીમાં 1 ઈંચ, અમરેલીના જાફરાબાદમાં અડધો ઈંચ, રાજકોટના લોધીકામાં અડધો ઈંચ, વલસાડના કપરાડામાં અડધો ઈંચ, અમરેલીના ધારીમાં અડધો ઈંચ, જસદણમાં અડધો ઈંચ, ગીર સોમનાથ, સુરત, તાલાલા અને તળાજામાં 2 મીમી થી લઈ 6 મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો.
મુંબઈમાં ત્રીજા દિવસે પણ ભારે વરસાદ: હાઈટાઈડની ચેતવણી
મુંબઈમાં સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી જ મુંબઈના ઘણા વિસ્તારોમાં વરસાદ થતાં સર્વત્ર પાણી-પાણી થયું હતું. મુંબઈમાં હજુ આગામી બે દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને હાઈટાઈડની ચેતવણી કરવામાં આવી છે જેને લઈ દરિયા કાંઠે મોજા 10 ફૂટ સુધી ઉછળ્યા હતા. ભારે વરસાદને લઈ એનડીઆરએફની 15 ટીમને થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે.
મોન્સુનના પહેલા વરસાદથી જ મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સીઝનના પહેલા વરસાદ વચ્ચે હાઈટાઈડનું જોખમ તોળાઈ રહ્યું છે. સમુદ્રમાં 4.16 મીટર ઉંચી લહેરો ઉઠી શકે છે. હાઈટાઈડ સમયે વરસાદ ચાલુ હશે તો હજુ પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શકયતા છે. જેને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે તેમ છે. અત્યાર સુધીમાં મુંબઈમાં કુલ 264 મીમી એટલે કે 11 થી 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે જે જૂન માસનો સૌથી હાયેસ્ટ વરસાદ છે.