ખૂન કેસમાં દોષ મૂક્ત થયેલા નામચીન રમેશ રાણા સહિત ત્રણ સામે નોંધાતો ગુનો
જામકંડોરણાના રોઘેલના પ્રૌઢને બોગસ સાટાખત કરી આપી પારકી જમીન બારોબાર વેચી
શહેરની ભાગોળે આવેલા રોણકીની કરોડોની જમીન વિવાદીત કરવાના ઇરાદે નામચીન રમેશ રાણા સહિત ત્રણ શખ્સોએ રોઘેલના પ્રૌઢને બોગસ સાટાખત કરી આપી બારોબાર વેચી નાખ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામકંડોરણા તાલુકાના રોઘેલ ગામના જમનભાઇ ગાગાભાઇ ચાવડાએ રાજકોટના રમેશ રાણા મકવાણા, કાલાવડના આણંદપરના હીરા પમા સાગઠીયા અને ધ્રોલના જયરાજસિંહ મહિપતસિંહ રાણા સામે રૂા.૧ લાખની છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રોઘેલ ગામના જમનભાઇ ચાવડા અને રમેશ રાણા સુપેડી ગામે મળ્યા ત્યારે એક બીજાના પરિચયમાં આવતા જમનભાઇ ચાવડાએ રાજકોટમાં જમીન ખરીદ કરવાની ઇચ્છા દર્શાવતા પોતે જમીન મકાનનો ધંધો કરતા હોવાનું રમેશ રાણાએ કહી રાજકોટમાં સારી જગ્યાએ પ્લોટ અપાવી દેવાની ખાતરી આપી હતી.
જમનભાઇ ચાવડા જમીન ખરીદ કરવા માટે એક વર્ષ પહેલાં રમેશ રાણાને કાલાવડ રોડ પર મળ્યા હતા. ત્યારે તેને રોણકી ગામે હીરાભાઇ સાગઠીયાની માલીકીનો પ્લોટ હોવાનું જણાવી સોદો નક્કી કયો૪ હતો ત્યારે સાટાખત કરી આપવા રૂા.૧ લાખ આપ્યા હતા. બાકીના રૂા.૫ લાખ દસ્તાવેજ સમયે આપવાનું જણાવ્યું હતું.
રોણકીની જમીન ખરીદ કર્યા બાદ જમનભાઇ ચાવડાને સાટાખત કે અન્ય કોઇ દસ્તાવેજ રમેશ રાણાએ આપ્યા ન હતા બાકીનું પેમેન્ટ કર્યા બાદ દસ્તાવેજ સોપી દેશે તેવું સમજાવતા તેઓ રોઘેલ જતા રહ્યા હતા દરમિયાન તાજેતરમાં જમીન કૌભાંડની તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ રોઘેલ ગામે આવ્યો હતો અને રોણકીની જમીન અંગે પૂછપરછ કરતા પોતે ઉપરોકત વિગત જણાવી રમેશ રાણાએ રૂા.૧ લાખ લઇ શાપર ખાતે સાટાખત તૈયાર કરી આપ્યું હતુ પરંતુ તે આપ્યુ ન હતું અને અન્યના નામે વેચાણ દસ્તાવેજ કરી આપ્યાનું પોલીસે જણાવતા જમનભાઇ ચાવડાએ ત્રણે સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.