હાઇ-વે પર ધારદાર કાકરી ફેંકી લોડીંગ વાહનના ટાયરમાં પંચર પાડી લૂંટ ચલાવતી ગેંગ ફરી સક્રીય: ડ્રાઇવર-ક્લિનર પર હુમલો કરી બુકાનીધારી ત્રણ શખ્સોએ લૂંટ ચલાવી ફરાર: લૂંટારાઓને ઝડપી લેવા નાકાબંધી કરાઇ
બુકાનીધારી લૂંટારાઓએ માર્ગ પર ધારદાર કાકરી ફેંકી લોડીંગ વાહનમાં પંચર પાડી ડ્રાઇવર-ક્લિનર પર હુમલો કરી લૂંટ ચલાવતી ગેંગ ફરી સક્રીય બની હોય તેમ ગત મોડીરાતે માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે આવેલા રોણકીના પાટીયા પાસે ટેન્કર અને ટ્રકમાં પંચર પાડી ત્રણ બુકાનીધારી શખ્સોએ લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે મોડીરાતે હાઇવે પર નાકાબંધી કરાવી લૂંટારાની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા માર્ગ પર આવેલી રોણકીના પાટીયા પાસે એડીબી હોટલ નજીક રાતે સાડા બાર વાગ્યાના સુમારે જી.જે.૩એડી ૪૭૬૯ નંબરના ટેન્કર અને જી.જે.૩૧ટી. ૨૨૯૬ નંબરના ટ્રકમાં પંચર પડતા બંને વાહનના ચાલક અને ક્લિનર ટાયર બદલી રહ્યા હતા ત્યારે નાલા નીચેથી ઘસી આવેલા ત્રણ બુકાનીધારી શખ્સોએ ધારિયા અને ધોકાથી હુમલો કરી લૂંટ ચલાવ્યાની પોલીસને જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. અને ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘવાયેલા ટ્રકના ચાલક-ક્લિનરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
પંચમહાલ જિલ્લાના બામરોલી ગામના વતની મહેશભાઇ રત્નાભાઇ બાંભણીયાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ત્રણ અજાણ્યા શખ્સો સામે રૂ.૨૧ હજારની મત્તાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવી છે. મહેશભાઇ બાંભણીયા અને તેનો ક્લિનર વિજય ગઇકાલે પડધરીથી લોખંડનો ભંગાર ભરીને બાવળા જવા જી.જે.૩૧ટી. ૨૨૯૬ નંબરનો ટ્રક લઇને રવાના થયા હતા. ટ્રક રાજકોટની ભાગોળે માધાપર ચોકડીથી થોડે દુર રોણકીના પાટીયા પાસે પહોચ્યો ત્યારે ટ્રકમાં પંચર પડતા ટ્રક ચાલક મહેશ અને ક્લિનર વિજય ટ્રકનું ટાયર બદલી રહ્યા હતા ત્યારે નાલા નીચેથી બુકાનીધારી ત્રણ અજાણ્યા શખ્સો ધારિયા અને ધોકા સાથે ઘસી આવ્યા હતા.
ટ્રક ચાલક અને ક્લિનર પર હુમલો કરી ખેતરમાં ઢસડી ગયા હતા. બંનેના મોબાઇલ અને રૂ.૨૧ હજારની મત્તાની લૂંટ ચલાવતા લૂંટારા પાસે બંનેએ પોતાના મોબાઇલ પરત માગતા મોબાઇલ પરત આપી ભાગી ગયા હતા. ટ્રક ચાલક મહેશભાઇ બાંભણીયાએ પડધરીથી ટ્રકમાં લોખંડ ભર્યુ હોવાથી પડધરીના જયેશભાઇની મદદ માગતા તેઓ મોડીરાતે ઘટના સ્થળે આવી પોલીસને જાણ કરી તે દરમિયાન લૂંટારાઓએ જી.જે.૩એટી. ૪૭૬૯ નંબરના ટેન્કરમાં પંચર પાડી ડ્રાઇવરને માર મારી રૂ.૫ હજારની લૂંટ ચલાવ્યાની ઘટના ધ્યાન પર આવી હતી.
રોણકીના પાટીયા પાસે એક સાથે બે વાહનમાં પંચર પાડી લૂંટ ચલાવવાની ઘટનાની પોલીસને જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. અને ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોચી લૂંટારાનું વર્ણન મેળવી હાઇ-વે પર નાકાબંધી કરાવી લૂંટારાની શોધખોળ હાથધરી છે.
ટ્રક-ટેન્કર લૂંટની ઘટનામાં રોણકી વિસ્તારના લૂંટારાઓની સંડોવણી?
માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા રોણકીના પાટીયા પાસે ધાક જમાવવા લુખ્ખાગીરી કરતા કેટલાક સ્થાનીક ટપોરીની સંડોવણીની શંકા પાસે પોલીસે તપાસ હાથધરી છે.
રોણકી વિસ્તારના બિલ્ડરો અને વેપારીઓને ધાક ધમકી દઇ ખંડણી પડાવવા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા સ્થાનિક લુખ્ખાઓ પોતાની ધાક જમાવવા હાઇ-વે પર લૂંટ ચલાવી હોવાની શંકા સાથે પોલીસે નામચીન શખ્સોની હીલચાલ પર વોચ રાખી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા ચ્રકો ગતિમાન કર્યા છે.
અગાઉ લૂંટ, હત્યા, હત્યાની કોશિષ અને ખંડણી પડાવવા ધાક ધમકી દેવા સહિતના અનેક ગુના રોણકી વિસ્તારમાં બન્યા છે. તમામ ગુનામાં સ્થાનિક શખ્સોની પોલીસે ધરપકડ કરી હોવા છતાં પોતાની ધાક અને દબદબો જાળવવાના ઇરાદે ટ્રક અને ટેન્કરમાં સાગરિતોની મદદથી લૂંટ કરાવ્યાની ચર્ચાએ ચકચાર જગાડી છે.