595 ગામની જવાબદારી જેના શિરે છે તેમાં સ્ટાફની નિમણૂંકમાં શાસકો નિષ્ક્રીય
595 ગામની જવાબદારી જેના શિરે છે તેમાં સ્ટાફની નિમણૂંકમાં શાસકો નિષ્ક્રીય હોવાનું સામે આવ્યું છે. પરિણામે જિલ્લા પંચાયતમાં 50 ટકા જેટલી શાખાઓમાં ઈન્ચાર્જથી વહીવટ ચલાવવો પડે છે તેવો બળાપો શાખા અધિકારીઓ કર્મચારીઓ અને ગ્રામ્ય પંથકના અનેક આગેવાનોએ ઠાલવ્યો હતો. હાલ રાજકોટ જિલ્લા પંચાયતમાં 50 ટકા શાખામાં ઈન્ચાર્જથી જ વહીવટ ચાલી રહ્યો છે.
છેવાડાનાં ગામ સુધી વિકાસની વાતો કરવામાં આવી રહી છે પરંતુ ગામડાઓમાં વિકાસ કામો પંચાયતો મારફત થતા હોય છે એ સિસ્ટમ જ અપુરતા સ્ટાફથી ખોરવાઈ છે. રાજકોટ જિલ્લામાં 595 ગામો છે તેમાં વિકાસની કોઈ શકયતા નથી.
જવાબદારી જિલ્લા પંચાયતની છે હવે સ્થિતિ એવી ઉભી થઈ છે કે જિલ્લા પંચાયતની 50 ટકા શાખાઓ ઈન્ચાર્જ અધિકારીઓથી ચાલી રહી છે પરિણામે તેની વિપરીત અસર કામગીરી પર થઈ રહી છે મહત્વનાં નિર્ણયો સમયસર થઈ શકતા નથી.
સાત શાખાઓ લાંબા સમયથી ઈન્ચાર્જ અધિકારીનાં ભરોસે છે. શાખા અધિકારીઓનાં અભાવથી મહત્વનાં નિર્ણયો અટવાયા છે. રાજકોટ જિલ્લાના ગામોમાં 4 મુખ્ય શાખાઓ મારફત વહીવટ ચાલે છે તેમાંથી મુખ્ય કહી શકાય તેવી શાખાઓનાં વડાઓની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા ખાલી છે ડીઈઓ પાસે તેનો ચાર્જ છે.
હિસાબી શાખાનાં વડાની જગ્યા ખાલી છે. ઈન્ચાર્જમાં હતા તે અધિકારીની પણ બદલી થઈ ગઈ છે. જિલ્લાની 1360 આંગણવાડીનો વહીવટ પ્રોગ્રામ ઓફિસર પાસે હોય છે આ પોસ્ટ લાંબા સમયથી ખાલી છે હાલ બહુમાળી ભવનમાં બેસતા એક અધિકારીને તેનો ચાર્જ સોંપાયો છે. આરોગ્ય શાખામાં પણ મહત્વનાં અધિકારીની જગ્યાઓનો ચાર્જ અન્યોને સોંપવામાં આવ્યો છે.
સિંચાઈ વિભાગમાં પણ ઈન્ચાર્જ અધિકારી છે. પંચાયતમાં ખેતીવાડી વિભાગની કામગીરી મહત્વની હોય છે. જિલ્લા પંચાયતમાં ખેતીવાડી અધિકારી પણ ઈન્ચાર્જમાં છે હાલ જે અધિકારી છે તેમની પાસે જેતપુરનો હવાલો પણ છે. સમાજ કલ્યાણ વિભાગ પણ ઈન્ચાર્જ અધિકારીથી ચાલે છે. બાંધકામ વિભાગમાં કાર્યપાલક ઈજનેર છે પરંતુ ડિવિઝનમાં અનેક ટેકનિકલ જગ્યાઓ ખાલી છે. કેટલીક પોસ્ટમાં વર્ગ – 2 નો ચાર્જ વર્ગ – 3 નાં કર્મચારી પાસે હોવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે.
શાસકો પણ શાખાઓમાં મુખ્ય જગ્યાઓ ઝડપથી ભરાય તે માટે કોઈ ગંભીર પ્રયાસો કરતા ન હોય તેવુ ચિત્ર ઉપસી રહયું છે. ગ્રામ્ય પંથક માંથી સુર ઉઠ્યો છે કે વહેલામાં વહેલી તકે આ જગ્યાઓ ભરી અટવાયેલા ગ્રામ્ય પંથકનો વિકાસ કરવો શાસકોની નૈતિક ફરજ છે.