ટીમ ઈન્ડિયાએ શ્રેણી ૧-૧થી બરાબર કરી: ૨૨મીએ અંતિમ વન-ડે રમાશે
વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વન-ડેમાં હારનો સામનો કર્યા બાદ ગઈકાલે વિશાખાપટ્ટનમના ક્રિકેટ મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝના બોલરોની રીતસરની ધોલાઈ કરી હતી. ભારતીય ટીમના ધુરંધર બેટ્સમેન રોહિત શર્માએ દે ધનાધન ૧૫૯ રન ઝુડી નાખ્યા હતા. બીજા છેડે રાહુલે પણ ૧૦૨ રન ફટકાર્યા હતા. બન્ને બેટ્સમેને શરૂઆતમાં ૨૨૭ રનની ભાગીદારી નોંધાવ્યા બાદ ઐયર અને પંતની સટાસટીથી ટીમ ૩૮૮ રનનો તોતીંગ સ્કોર ઉભો કરવામાં સફળ રહી હતી. જેનો પીછો કરી રહેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ૨૮૦ રન નોંધાવી ઘરભેગી થઈ ગઈ હતી. આગામી ૨૨મીએ અંતિમ વન-ડે રમાશે.
ભારતે વિશાખાપટ્ટનમ ખાતેની બીજી વનડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૩૮૮ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે પહેલા ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતાર્યું હતું. રોહિત શર્માના ૧૫૯ અને લોકેશ રાહુલના ૧૦૨ રન કરી ભારતને મજબુત સ્થિતિમાં મુકી દીધું હતું. ઓપનર્સે શાનદાર બેટિંગ કરતા પ્રથમ વિકેટ માટે ૨૨૭ રન કર્યા હતા. ત્યાર બાદ વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયો હતો. જોકે ઋષભ પંત અને શ્રેયસ અય્યરે છેલ્લી ઓવરોમાં રીતસરનું વાવાઝોડું લાગી દીધું હતું. ઋષભ પંત અને શ્રેયસ ઐયરે ત્રીજી વિકેટ માટે ૨૪ બોલમાં ૭૩ રનની પાર્ટનરશીપ કરી હતી. ઐયરે સતત ચોથી મેચમાં ફિફટી ફટકારતા ૩૨ બોલમાં ૫૩ રન કર્યા હતા. જયારે પંતે ૧૬ બોલમાં ૩૯ રન કર્યા હતા. બંનેએ પોતાની ઇનિંગ્સ દરમિયાન ત્રણ ફોર અને ચાર સિક્સ મારી હતી. પંત આઉટ થતા કેદાર જાધવે ૧૦ બોલમાં અણનમ ૧૬ રન ફટકાર્યા હતાં. જાડેજા ૦ રને નોટ આઉટ રહ્યો હતો. આમ ભારતે ૫ વિકેટે ૩૮૭ રન બનાવ્યા હતાં.
ભારતે રોહિત શર્મા, કેએલ રાહુલ, શ્રેયસ અય્યરની ધમાકેદાર બેટિંગ અને કુલદીપ યાદવની શાનદાર હેડ્રિકની મદદથી વેસ્ટ ઈન્ડિઝને ૧૦૭ રને હરાવ્યું છે. આ સાથે જ ભારતે શ્રેણી જીવંત રાખતા ૧-૧ની બરોબરી કરી લીધી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા ૫ વિકેટે ૩૮૮ રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે ૨૮૦ રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે હેડ્રિક સાથે ૩, મોહમ્મદ શામીએ ૩, રવિન્દ્ર જાડેજાએ ૨ અને ઠાકુરે ૧ વિકેટ ઝડપી હતી.
કુલદીપ કુલદીપ યાદવ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બે હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય બન્યો છે. તેણે આ પહેલા ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોલકાતા ખાતે હેટ્રિક લીધી હતી. તેણે સતત ત્રણ બોલમાં હોપ, હોલ્ડર અને જોસેફને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. હોપ તેની બોલિંગમાં ડીપ મિડવિકેટમાં કોહલી દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછી હોલ્ડર સ્ટમ્પ થયો હતો અને ત્રીજા બોલે જોસેફ બીજી સ્લીપમાં જાધવના હાથે કેચ આઉટ થયો હતો.
વિન્ડીઝે ૩૮૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા શાઈ હોપ અને નિકોલસ પૂરને ફિફટી મારી હતી. બંનેએ અનુક્રમે ૭૮ અને ૭૫ રન કર્યા હતા. અન્ય બેટ્સમેન શરૂઆતને મોટા સ્કોરમાં ક્ધવર્ટ કરી શક્યા ન હતા. પોલાર્ડ ગોલ્ડન ડક સાથે પેવેલિયન ભેગો થયો હતો. તે શમીની બોલિંગમાં કીપર પંતના હાથે કેચ આઉટ થયો હતો. તે પહેલા પૂરન ૭૫ રને શમીની જ બોલિંગમાં કુલદીપના હાથે કેચ આઉટ થયો હતો. રોસ્ટન ચેઝ ચાર રને જાડેજાની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પહેલા શિમરોન હેટમાયર ૪ રને કવર પોઇન્ટ પરથી શ્રેયસ ઐયરના રોકેટ થ્રો દ્વારા રનઆઉટ થયો હતો. જયારે એવીન લુઈસ ૩૦ રને શાર્દુલ ઠાકુરની બોલિંગમાં શ્રેયસ ઐયરના હાથે કેચ આઉટ થયો હતો.
ભારત તરફથી કુલદીપ યાદવે અને મોહમ્મદ શમીએ ૩-૩ વિકેટ, રવિન્દ્ર જાડેજાએ ૨ વિકેટ અને શાર્દુલ ઠાકુરે ૧ વિકેટ લીધી હતી. અંતિમ વનડે ૨૨ ડિસેમ્બરે કટકમાં રમાશે.