શર્મા ફિટનેસ ટેસ્ટમાં પાસ થતા 14 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા રવાના થશે: 14 દિવસ ક્વોરોન્ટાઈનમાં રહેશે
ભારતીય ક્રિકેટ ટીમના સીનિયર બેટ્સમેન રોહિત શર્માએ શુક્રવારે તેનો ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. રોહિત બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં સફળતાપૂર્વક ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હતો અને હવે તે 14 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. આ સાથે જ રોહિતના ટેસ્ટમાં રમવા અંગેના સસ્પેન્સ પરથી પણ પડકો ઉંચકાઈ ગયો છે. ફિટ રોહિત ભારતીય ટેસ્ટ ટીમનો હિસ્સો બનશે.
આઈપીએલની મેચમાં રોહિત શર્માને સ્નાયુ ખેંચાઈ જતા તે ઈજાગ્રસ્ત થયો હતો અને તેને પગલે તે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે તેમજ ટી20 સીરિઝમાં ભારતીય ટીમ તરફથી રમી શક્યો નહતો. બીસીસીઆઈના સૂત્રોના મતે રોહિતે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે અને એનસીએના ડિરેક્ટર રાહુલ દ્રવિડના નેતૃત્વમાં રોહિત શર્માનો ફિટનેસ ટેસ્ટ હાથ ધરાયો હતો. દ્રવિડે તમામ માપદંડોની ચકાસણી બાદ રોહિતને ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું હતું. નિયમ મુબજ રોહિતને ઓસ્ટ્રેલિયા પહોંચીને ફરજિયાત 14 દિવસ આઈસોલેટ થવું પડશે અને ત્યારબાદ તે સિડીનીમાં 7-11 જાન્યુઆરી અને બ્રિસબ્રેનમા 15-19 જાન્યુઆરીએ રમાનાર ટેસ્ટમાં ભાગ લઈ શકશે.
વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમમાં રોહિત શર્મા જેવો ખેલાડી હોવો મહત્વપૂર્ણ છે કે જેને લાંબી લાંબી ઇનિંગ્સ રમીને ટેસ્ટ ક્રિકેટમાં પણ એક ખાસ સ્થાન બનાવ્યુ છે અને તે કોઈપણ સ્થાને રમવા માટે સક્ષમ છે ત્યારે હવે રોહિત ફરી મેદાને ઉતરતા ટીમ ઈન્ડિયાને ફાયદો થશે.