માંગરોળમાં જમીન પણ ખરીદી હતી અને વતનમાં એક કંપનીમાં રૂ. ૩૫ લાખનું રોકાણ પણ કર્યું છે.
રોહિતની વેસુની ઓફિસ સીલ : ઘરેથી 4 કોમ્પ્યુટર, લેપટોપ, ચાર બેંક ખાતાના દસ્તાવેજો કબજે કરાયા.
એનસીઆર કોઇનમાં 2000થી વધુ રોકાણકારોએ રોકેલા પૈસાથી રોહિતે ઓડી કાર, એન્ડેવર કાર, સીયાઝ કાર અને બુલેટ ખરીદી પોતાના શોખ પૂરા કર્યા હતા. રોહિતે માંગરોળમાં આ રકમથી જ જમીન પણ ખરીદી હતી અને વતનમાં એક કંપનીમાં ભાગીદાર તરીકે રૃ. ૩૫ લાખનું રોકાણ પણ કર્યું હતું. ક્રાઇમ બ્રાંચે કાર-બુલેટ અને રોકાણના દસ્તાવેજો કબજે કરી તેની વેસુની ઓફિસને પણ સીલ કરી હતી તેમજ તેના ઘરેથી 4 કોમ્પ્યુટર, લેપટોપ, હિસાબના ચોપડા, ચાર બેંક એકાઉન્ટના દસ્તાવેજો કબજે કર્યા હતા. બેન્કના દસ્તાવેજોમાં કરોડો રૂપિયાના વ્યવહારો મળી આવતાં ક્રાઇમ બ્રાંચે તેની તપાસ શરૃ કરી છે.
એનસીઆર કોઇનમાં સરથાણાના બિલ્ડર સાથે રૂ. ૧૪ કરોડની છેતરપિંડી સંદર્ભે ઝડપાયેલા રોહિત, અલ્તાફ અને ઉમેશ પૈકી રોહિતે રોકાણકારોના પૈસાથી પોતાના શોખ પૂરા કર્યા હતા. ક્રાઇમ બ્રાંચે હાથ ધરેલી તપાસમાં રોહિતે રોકાણકારોનાં પૈસાથી ઓડીકાર, એન્ડેવર કાર, સીયાઝ કાર અને બુલેટ ખરીદયાનું બહાર આવતાં આજરોજ ક્રાઇમ બ્રાંચે ત્રણેય કાર અને બુલેટ કબજે કર્યા હતા.
રોહિતે રોકાણકારોના જ પૈસાથી માંગરોળમાં એક જમીન ખરીદી હતી. તદ્ઉપરાંત, વતનમાં તેણે એક કંપનીમાં ભાગીદાર બની રૂ. ૩૫ લાખનું રોકાણ પણ કર્યું હતું. ક્રાઇમ બ્રાંચે તેના દસ્તાવેજો કબજે કર્યા છે. એનસીઆર કોઇન માટે રોહિતે વેસુમાં ખરીદેલી અંદાજીત રૂ. ૧ કરોડની કિંમતની ઓફિસને પણ ક્રાઇમ બ્રાંચે સીલ કરી છે.
રોહિતે ઓફિસમાં રાખેલા 4 કોમ્પ્યુટર, લેપટોપ અને હિસાબના ચોપડા ફરિયાદ નોંધાતા પોતાના ઘરે મુકી દીધા હતા. ક્રાઇમ બ્રાંચે ચાર કોમ્પ્યુટર, લેપટોપ, હિસાબના ચોપડા સાથે રોહિતના ઘરમાંથી ચાર બેંક એકાઉન્ટના દસ્તાવેજો પણ કબજે કર્યા હતા. આ એકાઉન્ટની ચકાસણી કરતા તેમાં કરોડો રૂપિયાના વ્યવહાર થયાના પુરાવા મળ્યા હતા. ક્રાઇમ બ્રાંચ તેની ચકાસણી કરી રહી છે.