રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓને દેશમાં રહેવા દેવા કે નહીં તે વિશે ઘણાં દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે આજે રોહિંગ્યાઓને મ્યાનમાર પરત મોકલી દેવાની યોજના પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 16 પેજની એફિડેવિટ જમા કરાવી છે. આ સોગંદનામામાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, ‘રોહિંગ્યાઓનું ભારતમાં રહેવું ગેરકાયદેસર છે. તેમને ભારતમાં રહેવાનો અધિકાર આપી શકાય નહીં. ઘણાં રોહિંગ્યાઓનો પાકિસ્તાન અને આતંકવાદી સાથે પણ સંપર્ક છે. આ સંજોગોમાં દેશની સુરક્ષાને ધ્યાનમા રાખીને તેમને અહીં રહેવાનો અધિકાર આપી શકાય નહીં.’
સુપ્રીમ કોર્ટે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા મ્યાનમારના રોહિંગ્યા વિશે કહ્યું છે કે, તેઓ હુંડી અને હવાલામાં પૈસાની હેરફેર કરીને ભારત વિરોધી ગતીવિધિઓમાં સામેલ જોવા મળ્યા છે. અમુક રોહિંગ્યા લોકોને ભારતમાં પ્રવેશ અપાવવા માટે નકલી પેન કાર્ડ અને વોટર આઈડી જેવા ભારતીય ઓળખપત્ર બનાવવામાં અને દાણચોરીની ઘટનામાં સામેલ પણ જોવા મળ્યા છે.દેશમાં 40 હજાર કરતા વધારે રોહિંગ્યા મુસ્લિમોઆ દરમિયાન કેન્દ્ર સરકારે આશંકા પણ વ્યક્તિ કરી છે કે મ્યાનમારથી આવી રહેલા ગેરકાયદે રોહિંગ્યા શરણાર્થીઓ ભારતમાં આવવાથી આ વિસ્તારની સુરક્ષાને પણ નુકસાન પહોંચાડી શકે છે. કેન્દ્રએ જણાવ્યું કે, અત્યારે દેશમાં અંદાજે 40,000 કરતા વધારે રોહિંગ્યા શરણાર્થીઓ છે. યુએનએ 16 હજાર રોહિંગ્યાઓને રેફ્યુજીનો દરજ્જો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે સરકાર પાસે માગ્યો હતો જવાબ સુપ્રીમ કોર્ટે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા મ્યાનમારના રોહિંગ્યા સમુદાયના લોકોના ભવિષ્ય વિશે સરકારને તેમની રણનીતિ જણાવવા કહ્યું હતું. સરકાર દ્વારા રોહિંગ્યા ગ્રૂપના લોકો મ્યાનમાર પરત મોકલવાના નિર્ણય વિરુદ્ધ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો હતો. કોર્ટ હવે આગામી સુનાવણી 3 ઓક્ટોબરે કરશે.બે રોહિંગ્યા પ્રવાસીઓ મોહમ્મદ સલીમુલ્લાહ, મોહમ્મદ શાકિર UNHCR અંતર્ગત શરણાર્થીઓ તરીકે રજિસ્ટર્ડ થયા છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં રોહિંગ્યાને પરત મોકલવાના કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, અમે લોકોએ મ્યાનમારમાં ફેલાયેલી હિંસા પછી ભારતનો સહારો લીધો છે. ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ કન્વેશન્સ પ્રમાણે અમને દેશની બહાર ન કાઢી શકાય. સુપ્રીમ કોર્ટે આ અરજી મામલે ભારત સરકારને તેમની રણનીતિ જણાવવા કહ્યું હતું.